• Gujarati News
  • Lifestyle
  • Five Government Decisions Affecting Half The Population, Know What The Women Of 5 States Say

મહિલાઓ પર 'મોદીનીતિ':અડધી વસતી પર અસર કરનારી મોદી સરકારની 5 યોજના, 5 રાજ્યની મહિલાની કહાણી સાંભળો તેમની જ જુબાની

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંને કાર્યકાળમાં 'આત્મનિર્ભર' શબ્દ ટોકઓફ ધ ટાઉન બન્યો છે. મોટેરા સહિત નાના ભૂલકાંઓ હવે આ શબ્દથી પરિચિત થયા છે. બંને કાર્યકાળમાં PM મોદીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજના શરૂ કરી. ગામડું હોય કે શહેર, બાળક હોય કે વૃદ્ધ મહિલા મોદી સરકારે તમામ વર્ગની મહિલાઓને આવરી લીધી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મહિલાઓની જિંદગી પર અસર કરનાર 5 સરકારી યોજનાથી અમે તમને અવગત કરાવીશું...

બેટી બચાઓ, બેટી પઢાઓ

દેશમાં દીકરીઓની ઘટતી આબાદીને જોતાં આ સ્કીમ શરૂ થઈ છે. વર્ષ 2011ની વસતી ગણતરીમાં મહિલાઓની સંખ્યા ઓછી હોવાને કારણે સરકારે આ યોજના શરૂ કરી. PM મોદીએ હરિયાણાના પાનીપતમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના શરૂ કરી. આ યોજનામાં દીકરીઓના ભણતર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ લોન્ચ કરવામાં આવી. તેમાં દીકરીઓના નામે બેંક અકાઉન્ટ ઓપન થાય છે. આ અકાઉન્ટમાં ભેગી થતી રકમનો ઉપયોગ દીકરીના ભણતર અને લગ્નમાં કરવામાં આવે છે. સરકાર આ યોજનામાં સારું વ્યાજ આપે છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં રહેતી પુષ્પા મેહરા જણાવે છે કે આ સ્કીમ લોન્ચ થઈ ત્યારે તેમની દીકરી 8 વર્ષની હતી. ત્યારથી તેઓ આ યોજનામાં દીકરીના ભણતર માટે પૈસા ભેગા કરી રહી છે.

ઉજ્જ્વલા યોજના

ભોજન રાંધવા માટે લાકડાંનાં ચૂલામાંથી મહિલાઓને મુક્તિ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 મે 2016ના રોજ આ યોજના શરૂ કરી હતી. ગરીબી રેખાથી નીચે જીવતાં પરિવારને આ સ્કીમમાં LPG કનેક્શન ફ્રીમાં મળે છે. આ યોજનામાં ગેસ કનેક્શન મહિલાના નામે મળે છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ યોજના ઉજ્જ્વલા યોજના 2.0 નામે લોન્ચ થઈ.

મધ્ય પ્રદેશના ભોપાલની વર્ષા વાગ ભોજન બનાવવાનું કામ કરે છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2019માં તેઓ આ યોજનાથી અવગત થયા. જોકે આ કનેક્શન તેમને ફ્રીમાં મળ્યું નહિ. કનેક્શન લીધા બાદ તેમને જાણ થઈ કે આ કનેક્શન ફ્રીમાં પણ મળી શકે છે.

સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના

બાળકનાં જન્મ સમયે માતા અને બાળકનાં મૃત્યુ રોકવા માટે આ યોજના શરૂ થઈ. તેમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકનાં સ્વાસ્થ્ય સાથેની તમામ સુવિધાઓ સરકાર ફ્રીમાં આપે છે. પ્રેગ્નન્સીના છઠ્ઠા મહિનાથી લઈને ડિલિવરીના 6 મહિના સુધી મહિલાની ફ્રી સારવાર થાય છે. તેમાં દવા, ડિલિવરી સમયે ઘરથી હોસ્પિટલ લઈ જવાનો ખર્ચો પણ સરકાર આપે છે. ઓડિશાના ભદ્રકની ચંચલા રાઉત જણાવે છે કે, થોડા સમય પહેલાં જ તેમના ત્યાં પૌત્રનો જન્મ થયો. તેમની પૂત્રવધુને સરકારી સારવાર મળી. જોકે તેમણે આ યોજનાનું નામ સાંભળ્યું નહોતું.

વન સ્ટોપ સેન્ટર

આ યોજના હેઠળ કોઈ પણ પ્રકારની હિંસાનો શિકાર થયેલી મહિલાને આશરો મળે છે. આ યોજના નિર્ભયા ફંડથી લાગુ થઈ છે. તેમાં હિંસાનો શિકાર બનેલી મહિલાના રહેવાની સગવડ, પોલીસની કાયદાકીય તપાસ સિવાય મેડિકલ મદદ કરવામાં આવે છે.

કાશ્મીરના અનંતનાગમાં રહેનારી 19 વર્ષીય હસીના જણાવે છે તે તેણે થોડા સમય પહેલાં જ લવ મેરેજ કર્યાં હતાં. પતિ સાથે ઝઘડો થતાં તેણે 5 દિવસ રસ્તા પર પસાર કર્યા. ત્યાર બાદ તેણે વન સ્ટોપ સેન્ટરની હેલ્પલાઈન 181 પર ફોન કર્યો. તરત ટીમ તેની મદદે આવી અને તેની સારવાર શરૂ કરી આટલું જ નહિ તેના રહેવાની અને ભોજનની સગવડ પણ કરી. વન સ્ટોપ સેન્ટર હવે તેના સાસરિયા સાથે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી શૌચાલય યોજના

દરેક ઘરમાં શૌચાલય બને તે માટે આ યોજના લોન્ચ કરાઈ હતી. આ વિષય એટલો ગંભીર છે કે તેના પર બોલિવુડ ફિલ્મ 'ટોઈલેટ' બની. ઘરમાં શૌચાલય ન હોય તો મહિલાઓને અનેકો સ્વાસ્થ્યની સમસયા થઈ શકે છે. પબ્લિક ટોઈલેટમાં લાંબી કતાર હોય છે જ્યાં પબ્લિક ટોઈલેટ ન હોય ત્યાં મહિલાઓ ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા મજબૂર બને છે.

ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં રહેતી શિક્ષિકા અનીતા મિશ્રા જણાવે છે કે તેમને 1 વર્ષ પહેલાં જ શૌચાલય બનાવવા માટે પૈસા મળ્યા. આ યોજનાથી તેને લાભ મળતાં તેણે પાડોશી મહિલાઓને પણ આ સ્કીમનો લાભ અપાવ્યો.