• Gujarati News
  • Lifestyle
  • Was The First Bio Terror Attack In American History Really Carried Out By Osho Rajneesh?

ભાસ્કર રિસર્ચઆજે ઓશો રજનીશનો 91મો બર્થડે:અમેરિકામાં સૌપ્રથમ બાયો ટેરર અટેક ખરેખર ઓશો રજનીશે કરાવેલો?

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

સમય:

વર્ષ 1984નો સપ્ટેમ્બર માસ

સ્થળ:

અમેરિકાના ઓરેગોન કાઉન્ટીસ્થિત ધ ડેલ્સ સિટીનો સાલ્સા રેસ્ટોરન્ટ કમ બાર.

એક મહિલા આ રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે. એક રેસ્ટોરન્ટ-બારમાં હોય એવો માહોલ છે. દારૂની ચુસ્કીઓ સાથે સૌ કોઈ પોતાની વાતોમાં મસ્ત છે. સ્ટાફ કસ્ટમર્સની ખાતીરદારીમાં વ્યસ્ત છે. પેલી મહિલા હળવેકથી સલાડ બાર પર જાય છે. પોતાના પર્સમાંથી એક પ્રવાહીની બોટલ કાઢે છે અને સલાડમાં બે ટીપાં ભેળવી દે છે. એ પ્રવાહીમાં સાલ્મોનેલ્લા બેકટેરિયા ભેળવેલા હતા. આવું દૃશ્ય એક-બે નહીં, દસ રેસ્ટોરન્ટમાં સર્જાયું. અમેરિકન ઇતિહાસમાં પ્રથમ બાયોટેરર એટેકનો પ્રારંભ થઈ ચૂક્યો હતો!

ફ્લેશબેક...

વર્ષ 1970ની આસપાસ ભારતમાં એક નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું હતું. ખાસ કરીને ભારતના બૌદ્ધિક વર્તુળમાં. દર બીજું વાક્ય અંગ્રેજીમાં બોલતા એલિટ ક્લાસ પીપલમાં. રવીન્દ્રનાથ ટાગોરની યાદ અપાવતું ચુંબકીય વ્યક્તિત્વ, ભલભલાને પોતાના કરી લેતી અને કશુંક જોઈ ગયેલી તેજધાર આંખો, સેક્સને સમાધિનો દરજ્જો આપતી મુક્ત વિચારધારા, કેપિટાલિઝમની ખુલ્લી તરફેણ, સુપર હાઈફાઈ લાઈફસ્ટાઈલ, રોલ્સ રોયસ ગાડીઓનો કાફલો, મોંઘીદાટ ઘડિયાળો, ફિલોસોફીના શિખરેથી ગળાઈને આવતાં ક્લાસ દૃષ્ટાંતો-ઉપદેશો, પ્રચંડ બૌદ્ધિકતાના પડછાયે ચાલતી- ચીલાચાલુ પ્રવાહથી વેગળી ચાલતી ક્રાંતિક વિચારધારા, સમાજકારણથી રાજકારણ સુધીના મુદ્દાઓ, ગાંધીથી કૃષ્ણ-મહાવીર-બુદ્ધ-જીસસની વાતો અને આધિ-વ્યાધિ-ઉપાધિને ધ્યાનની સમાધિમાં એકરસ કરીને જીવનને એક ઉત્સવ બનાવી દેતો ઓશો નાદ...યસ્સ, વાત થઈ રહી છે ઓશો રજનીશની. અહીં લખ્યાં છે એ તમામ પરિબળો એક જીવતી જાગતી વ્યક્તિને લિવિંગ લેજેન્ડ બનાવી દેવા માટે કાફી હતાં. લોકોને ગમ્યું આ. આજે એ ચુંબકીય વ્યક્તિત્વના માલિક ઓશો રજનીશનો જન્મદિવસ છે. આજે એ સદેહે જીવંત હોત તો 91 વર્ષના થયા હોત.

ઓશો રજનીશ ‘ભગવાન’ કઈ રીતે બન્યા?

આમ પણ દરેક માણસને એક હાશકારાનું ઠેકાણું જોઈએ છે. દરેક માણસને એક ચમત્કાર ગમે છે. સુખીમાં સુખી માણસ પાસે પણ દુઃખની દાસ્તાન છે. આ દાસ્તાન ભૂંસી શકે એવા ફરિશ્તાની એની શોધ છે. તળેટીની ભીડમાંથી શિખર પર પહોંચેલા માણસ પાસે બધું જ હોય છે. દુન્યવી માપદંડોમાં એ માણસ સુખી હોય છે, પણ બધું જ પામ્યા પછી પણ માણસને પછી સફળતાની એકલતા કરડી ખાતી હોય છે. એટલે સફળતાની શોધ પછી શરૂ થાય આ અંદર કરડી ખાતા ખાલીપાને ભરી શકે એવા કોઈ જાદુઈ ફરિશ્તાની. આ શોધ ધાર્મિક ગુરુઓ- આધ્યાત્મિક પ્રતિભાઓ પાસે આવીને અટકી જાય. સુખી સંપન્ન-ઉચ્ચ શિક્ષિત, પણ અંદરથી કશાક અજંપાથી પીડાતા વર્ગે ઓશોમાં એ જાદુઈ ફરિશ્તો જોયો. જેની વિચારધારામાં કશુંક નોખું હતું. ચીલાચાલુ પ્રવાહથી હટકે કશું ક્રાંતિક હતું. રજનીશનો અનુયાયી વર્ગ વધ્યો. ‘રજનીશ મૂવમેન્ટ’ શરૂ થઈ. ઓશો બ્રાન્ડ બનવા માંડ્યા અને રજનીશના અનુયાયી હોવાનું એલિટ પીપલમાં ફેશન સ્ટેટસ બની ગયું.

એક ગુજરાતણ રજનીશ પર છવાઈ ગઈ

રજનીશ વિચારધારાએ એક બહોળા વર્ગને પ્રભાવિત કર્યો અને પોતાની તરફ આકર્ષિત કર્યો. રજનીશને હવે ભારતનું ફલક બહુ નાનું પડતું દેખાયું. જમાના કરતાં કેટલાંય સ્ટેપ આગળ રજનીશ હવે ભારત બહાર નીકળીને પોતાની એક અલાયદી દુનિયા બનાવવા માગતા હતા. ભારતની બંધિયાર માનસિકતામાંથી બહાર નીકળીને ઓશો પોતાની મુક્ત વિચારધારાનો એક આખો દેશ બનાવવા માગતા હતા. વિઝનરી માણસમાં જ્યારે મહત્ત્વાકાંક્ષા ભળે ત્યારે કશું અનોખું સર્જાય. જેની સાથેનો સંબંધ પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયા એ મા આનંદ શીલા રજનીશનાં રાઈટ હેન્ડ હતાં. રજનીશનો તમામ કારોબાર મા આનંદ શીલાના હાથમાં હતો. આનંદ શીલા પાછા મૂળ ગુજરાતના વડોદરાના પટેલ પરિવારમાંથી આવતાં હતાં.

અમેરિકામાં રજનીશનો અલાયદો ‘દેશ’ બન્યો

મા આનંદ શીલા અત્યંત વિચક્ષણ તેજ દિમાગની સ્ત્રી હતી. બ્યુટી વિથ બ્રેઈન. મા આનંદ શીલાની સલાહ અને તેના ધનાઢ્ય પતિ માર્ક હેરિક સિલ્વરમેનની મદદથી 64 હજાર એકર જમીન અમેરિકાની ઓરેગોન કાઉન્ટીમાં ખરીદવામાં આવી. ત્યાં એક આખા દેશનું નિર્માણ કરવામાં આવ્યું. બધી જ પ્રાથમિક સુવિધાઓ. એરપોર્ટ-બસસ્ટોપ-હોસ્પિટલ-સ્કૂલ-પોસ્ટ ઓફિસ... પહાડોનાં અદભુત સૌંદર્યથી ઘેરાયેલી આ જગ્યાને નામ આપ્યું ‘રજનીશપુરમ’. રજનીશના અનુયાયીઓથી રજનીશપુરમ ધમધમવા માંડ્યું. બોલિવૂડના સુપરસ્ટાર વિનોદ ખન્ના પણ એ અરસામાં ફિલ્મોમાંથી સંન્યાસ લઇને ઓશો રજનીશની નિશ્રામાં આવી ગયા હતા. ટોચની હિરોઇનો સાથે રોમાન્સ કરનારો વિનોદ ખન્ના રજનીશપુરમમાં મરૂન ઝભ્ભો પહેરીને માળીનું કામ કરતો હતો! 21 હજાર લોકોના ગ્રામીણ વિસ્તાર વાસ્કો કાઉન્ટીમાં ભગવાન રજનીશ પ્રસ્થાપિત થવા માંડ્યા હતા. રજનીશપુરમનો વ્યાપ વધે એ માટે મા આનંદ શીલા-રજનીશ વધુ સંખ્યામાં મકાનો-બિલ્ડિંગો બનાવવા માગતાં હતાં. પરંતુ આમ કરવા માટે બાંધકામ પરવાનગીની જરૂર પડે.

ગામનું નામ ‘રજનીશ’, સેન્ટરનું નામ ‘હિટલર’

જેન સ્ટોર્ક નામની મહિલા રજનીશના અનુયાયી રહી ચૂક્યાં છે. એમણે રજનીશપુરમના પોતાના અનુભવો પર એક સ્ફોટક પુસ્તક લખ્યું છે 'બ્રેકિંગ ધ સ્પેલ: માય લાઈફ એઝ અ રજનીશી એન્ડ અ લોંગ જર્ની બેક ટુ ફ્રિડમ'. આ પુસ્તકમાં અનેક ચોંકાવનારી વાતો છે. રજનીશપુરમ સ્થાનિક વાસ્કો કાઉન્ટી ગવર્નમેન્ટને આંખમાં કણાની જેમ ખટકવા માંડ્યું હતું. મશીનગનથી સજ્જ બોડીગાર્ડ્સથી ઘેરાયેલા રહેતા રજનીશની અમુક ચોક્કસ ‘પ્રવૃત્તિઓ’થી કાઉન્ટીના અધિકારીઓ ચિંતિત હતા.

સ્થાનિક પ્રજામાં પણ નારાજગીનો સૂર હતો. એટલે જ સ્થાનિક પ્રશાસન બાંધકામ માટે પરવાનગી આપવામાં આનાકાની કરી રહ્યું હતું. વર્ષ 1982ની એન્ટેલોપની સ્થાનિક ચૂંટણીમાં રજનીશના અનુયાયીઓએ વોટિંગ કર્યું. મૂળ હેતુ હતો મેજોરિટી બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ વધારવાનો. પડદા પાછળ મા આનંદ શીલાની સૂત્રધારની ભૂમિકા હતી. નવા ચૂંટાયેલા કાઉન્સિલના સભ્યોએ નગરનું નામ બદલીને ‘રજનીશ’ રાખી દીધું. સ્થાનિક રહેવાસીઓ પાસેથી નાણાં મેળવવા માટે મિલકત વેરો વધારવામાં આવ્યો અને સ્થાનિક રિસાઇક્લિંગ સેન્ટરનું નામ ‘એડોલ્ફ હિટલર રિસાઇક્લિંગ સેન્ટર’ રાખી દીધું. હજુ તો આ શરૂઆત હતી.

બાયો ટેરર હુમલાનો ખોફનાક પ્લાન

1983-84માં વાસ્કો કન્ટ્રી કમિશન અને રજનીશ અનુયાયીઓ વચ્ચે વધુ તંગદિલી સર્જાઈ. 1984ના નવેમ્બર માસમાં વાસ્કો કન્ટ્રીમાં ચૂંટણી યોજાવાની હતી. જો આ ચૂંટણીમાં રજનીશપુરમના અનુયાયી ચૂંટાઈ જાય તો વાસ્કો કન્ટ્રીનો કંટ્રોલ રજનીશપુરમના હાથમાં આવી જાય. જોકે પ્રેક્ટિકલી આ શક્ય નહોતું, કારણ કે રજનીશના અનુયાયીઓ વાસ્કો કન્ટ્રીની કુલ વસતીના માત્ર દસ ટકા જ હતા. આટલા ઓછા વોટશેરથી ચૂંટણી જીતવી અશક્ય વાત છે. હવે એક ખતરનાક યોજના આકાર લેવાની હતી. જે અમેરિકાના ઇતિહાસમાં પહેલી બાયો ટેરર એટેક તરીકે ઓળખાવાની હતી. મા આનંદ શીલા અને એમના અનુયાયીઓએ એક પ્લાન ઘડ્યો. એ મુજબ જો સ્થાનિકોનાં ખાદ્ય પદાર્થ-પાણીમાં સાલ્મોનેલ્લા ઝેર ભેળવી દેવામાં આવે તો લોકો ગંભીર રીતે બીમાર પડશે અને વોટિંગ નહીં કરી શકે.

પ્લાનનું જીવલેણ ટેસ્ટિંગ

આ ખતરનાક પ્લાનની પહેલાં તો પ્રાયોગિક ધોરણે નાના પાયે શરૂઆત કરી. વાસ્કો કન્ટ્રીના ત્રણ પૈકી બે કમિશનર રજનીશપુરમની મુલાકાતે આવ્યા, ત્યારે એક અનુયાયીએ પાણીનો ગ્લાસ ઔપચારિકતાના એક ભાગરૂપે ઓફર કર્યો. બંનેએ પાણી પીધું. બીજા દિવસે બંને ભયંકર રીતે બીમાર પડી ગયા. એક કમિશનરને તો ચાર દિવસ હોસ્પિટલાઈઝ્ડ કરવો પડ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. પ્લાન સક્સેસફુલ રહ્યો હતો. હવે લાર્જ સ્કેલ પર આ પ્લાન અમલી કરવાનો હતો.

અને હુમલો થયો...

સપ્ટેમ્બરની એક સવારે રજનીશપુરમમાંથી એક મહિલા સહિત બે લોકોની ટીમ ધ ડેલ્સમાં નજીકની રેસ્ટોરાંમાં જાય છે. રેસ્ટોરાંમાં સલાડ બાર પર સાલ્મોનેલ્લા ધરાવતું પ્રવાહી ભેળવી દે છે. આ લોકોએ કુલ 10 રેસ્ટોરાંને શિકાર બનાવી હતી. કલાકોમાં તો મેડિકલ ઇમર્જન્સી રૂમ બીમાર દર્દીઓથી ઊભરાવા મંડ્યા. દર્દીઓને ડાયેરિયા-ઊલટી-પેટમાં દુખાવો થવા માંડ્યો. સાલ્મોનેલ્લાથી કુલ 751 લોકો ભોગ બન્યા હતા. જોકે સદનસીબે અમેરિકન ઇતિહાસના આ પ્રથમ બાયો ટેરર એટેકમાં કોઈએ જીવ નહોતો ગુમાવ્યો. રજનીશપુરમના મુક્ત વિચારધારાના અનુયાયીઓ તો સ્થાનિક લોકોના પાણી પુરવઠામાં ઝેર ભેળવી દેવું, બોમ્બથી ભરેલા વિમાનને કાઉન્ટી કોર્ટ હાઉસમાં ક્રેશ કરી દેવા જેવી ભયંકર યોજનાઓ પણ અમલમાં મૂકવાનું વિચારી રહ્યા હતા. જોકે પછી આ જોખમી યોજના પડતી મૂકી હતી.

ઓશો રજનીશનું ‘બોગસ વોટિંગ’

દરમિયાન, રજનીશીઓએ તેમની યોજનાનો ભાગ બે અમલમાં મૂકવાનું શરૂ કર્યું: મતદાર યાદીઓ પેક કરવા માટે બેઘર લોકોનું શોષણ કરવું. માનવતાવાદી ‘શૅર-એ-હોમ’ કાર્યક્રમના આશ્રય હેઠળ, રજનીશીઓએ ડઝનેક બસો ભાડે કરી અને એમાં બેઘર-ગરીબ લોકોને રજનીશપુરમ લાવવામાં આવ્યા. ખોરાક, કપડાં અને રહેઠાણની લાલચ આપીને. બસમાંથી ઊતર્યા બાદ આ લોકોને વોટિંગ કરવા માટે નોંધણી કરાવવાની ફરજ પડી હતી. એક શરત પણ એ લોકો સામે મૂકવામાં આવી જે પ્રમાણે ઈલેક્શનમાં રજનીશે ઊભા રાખેલા કેન્ડિડેટને મત આપવાનો હતો.

રજનીશની ‘સ્ક્વિડ ગેમ’

ઓરેગોનના સ્થાનિક અખબારમાં આ ષડ્યંત્ર વિશે વીસ હપ્તાની આખી એક સિરીઝ શરૂ થઈ હતી. અખબારના દાવા મુજબ રજનીશપુરમમાં આવતા નવા લોકોને દરરોજ સવારે 5:30 કલાકે જગાડવામાં આવતા હતા, નિયમિતપણે આંખે પાટા બાંધવામાં આવતા હતા અને કલાકો સુધી ધાર્મિક મંત્રોચ્ચાર સાંભળવાની ફરજ પાડવામાં આવતી હતી. રજનીશના ગેસ્ટને વશ કરવા માટે ડ્રગ્સ મિશ્રિત બિયરના ગ્લાસ બનાવવાની ફરજ પણ પાડવામાં આવતી. રાજ્યના અધિકારીઓ, જેની કમ્પાઉન્ડની પ્રવૃત્તિઓ પર બાજનજર હતી, તેઓને મતદાર-છેતરપિંડી યોજનાની ગંધ આવી ગઈ. રાજ્યના સેક્રેટરી નોર્મા પૌલસે વાસ્કો કાઉન્ટીમાં મતદાર નોંધણી અટકાવી દીધી અને 10 ઓક્ટોબરના રોજ કટોકટીનો નિયમ લાગુ કર્યો, જેમાં કાઉન્ટીમાં મતદાન કરવા માટે નોંધણી કરાવનાર કોઈપણ વ્યક્તિએ સ્થાનિક પાત્રતાની સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવું જરૂરી હતું. અરજદારોએ મત આપવા માટે ઓરેગોનમાં વીસ દિવસ રહેવું પણ જરૂરી હતું. રજનીશીઓએ મનાઈ હુકમ માટે અરજી કરી, પરંતુ ફેડરલ ન્યાયાધીશે ઝડપથી રાજ્યની તરફેણમાં ચુકાદો આપ્યો.

ઓશોનો યુ ટર્ન

આખરે રજનીશપુરમે કાઉન્ટી ગવર્મેન્ટ પર વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ છોડી દીધો. તેના ઉમેદવારો પાછા ખેંચ્યા અને મતદાનના બે દિવસ પહેલાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી. સપ્ટેમ્બર 1985માં રજનીશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં મા આનંદ શીલા અને મા આનંદ પૂજા સહિતના ઘણા અનુયાયીઓ પર બાયોટેરર એટેક પાછળ મુખ્ય ભૂમિકા હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. ઓશોએ મા આનંદ શીલાને ફાસીવાદી તરીકે ઓળખાવ્યાં હતાં. કાઉન્ટી કમિશનર અને ન્યાયાધીશ વિલિયમ હુલ્સને પણ ઝેર આપવાની શંકા રજનીશે વ્યક્ત કરી હતી. ઓશો રજનીશે આ ષડ્યંત્રથી પોતે અજાણ હોવાનો ખુલાસો કર્યો હતો. અલબત્ત, ઓશોનો આ દાવો ગળે ન ઊતરે એવો શંકાસ્પદ હતો.ઓરેગોન એટર્ની જનરલ ડેવિડ બી. ફ્રોનમેયરે ઓરેગોન સ્ટેટ પોલીસ અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ચુનંદા અધિકારીઓની એક ટાસ્ક ફોર્સ બનાવી, અને રજનીશપુરમમાં સર્ચ વોરંટનો ઓર્ડર કર્યો. 2 ઓક્ટોબર, 1985ના રોજ પચાસ જેટલા અધિકારીઓની ફોજ રજનીશપુરમમાં ઊતરી આવી. રજનીશપુરમ મેડિકલ લેબોરેટરીમાં સાલ્મોનેલ્લા બેક્ટેરિયાનો નમૂનો મળી આવ્યો હતો જે નગરના રહેવાસીઓને બીમાર કરનાર બેક્ટેરિયા સાથે મેચ ખાતો હતો. રજનીશપુરમના બે અગ્રણી અધિકારીઓને હત્યાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.તપાસમાં બહાર આવ્યું કે હુમલાના મુખ્ય આયોજકો રજનીશના ચીફ લેફ્ટનન્ટ શીલા સિલ્વરમેન મા આનંદ શીલા, અને નર્સ પ્રેક્ટિશનર અને રજનીશ મેડિકલ કોર્પોરેશનના સેક્રેટરી-ખજાનચી ડિયાન યવોન ઓનાંગ મા આનંદ પૂજા છે. તેઓએ સિએટલ, વોશિંગ્ટનની મેડિકલ સપ્લાય કંપની પાસેથી સાલ્મોનેલ્લા બેક્ટેરિયા ખરીદ્યા હતા અને રજનીશપુરમની લેબમાં તેનું સંવર્ધન કરવામાં આવ્યું હતું. જોકે ઓરેગોન ડેમોક્રેટિક કોંગ્રેસમેન જેમ્સ એચ. વીવર એજન્સીની તપાસથી સંતુષ્ટ ન હતા. તેમણે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને અન્ય એજન્સીઓના ડોક્ટરોનો સંપર્ક કર્યો અને તેમને રજનીશપુરમની તપાસ કરવા વિનંતી કરી હતી.

ઓશોનો દેશનિકાલ, પુણેમાં આગમન

રજનીશે ઑક્ટોબર 27, 1985ના રોજ ઓરેગોન છોડ્યું, અને જ્યારે તે શાર્લોટ, નોર્થ કેરોલિનામાં ઊતર્યા તો એમની ધરપકડ કરવામાં આવી અને ઈમિગ્રેશન કાયદાના ઈરાદાપૂર્વકના ઉલ્લંઘનના 35 ગુનામાં આરોપ મૂકવામાં આવ્યો. રજનીશને દસ વર્ષની સસ્પેન્ડેડ સજા અને 4 લાખ અમેરિકન ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને દેશનિકાલ કરવામાં આવ્યા અને પાંચ વર્ષના સમયગાળા માટે યુએસમાં ફરી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઓશો પુણે આવી ગયા. જ્યાં 19 જાન્યુઆરી, 1990ના રોજ એમણે છેલ્લા શ્વાસ લીધા અને પૃથ્વીની વિઝિટ પૂર્ણ કરી! અમેરિકન સરકાર દ્વારા ઓશોને ઝેર આપવાની થિયરી બહુ ચર્ચિત છે. ઓશોના મોત પાછળ મા આનંદ શીલાની ભૂમિકા પણ ઘણી શંકાસ્પદ રહી છે. 28 ઓક્ટોબર, 1985ના રોજ પશ્ચિમ જર્મનીમાં શીલા અને પૂજાની ધરપકડ કરવામાં આવી હતી. મા આનંદ શીલાને સાડા ચાર વર્ષની સજા થઈ. જોકે સારી વર્તણુકને કારણે શીલાને 39 મહિનામાં જ છોડી દેવામાં આવ્યાં. શીલાએ પછી સ્વિસ નાગરિક ઉર્સ બર્નસ્ટીલ સાથે બીજી વાર લગ્ન કર્યાં અને સ્વિત્ઝર્લેન્ડમાં બે નર્સિંગ હોમ ઓપન કર્યાં. 1999માં શીલા આનંદને યુએસ ફેડરલ ચાર્લ્સ ટર્નરની હત્યાના ષડ્યંત્ર બદલ દોષિત ઠેરવી હતી.

નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી

ઓશો અને મા આનંદ શીલાની પર ‘વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી’ નામની એક ડોક્યુમેન્ટરી બની છે, જે ‘નેટફ્લિક્સ’ પર ઉપલબ્ધ છે. તેમાં મા આનંદ શીલાનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો છે. મા આનંદ શીલાએ પછી મેકર પર સિરીઝમાં પોતાને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો. પ્રિયંકા ચોપરા પણ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રીના ફીચર ફિલ્મ વર્ઝન મા આનંદ શીલાનું લીડ પાત્ર ભજવવા હોવાના સમાચાર આવ્યા હતા. જોકે સમાચાર સાંભળીને શીલાએ કાયદાકીય નોટિસ મોકલી હતી. મા આનંદ શીલાએ કારણ જણાવતાં કહ્યું હતું કે, ‘પ્રિયંકા આ રોલ માટે પ્રોપર કાસ્ટિંગ નથી, આ રોલ માટે આલિયા ભટ્ટ વધુ પ્રોપર છે!’ આ સિવાય મા આનંદ શીલા પર ‘સર્ચિંગ ફોર શીલા’ નામની એક કલાકની ડોક્યુમેન્ટ્રી બની હતી. ‘એક મૈં ઔર એક તૂ’, ‘ગહરાઈયાં’ના ડિરેક્ટર શકુન બત્રાએ આ ડોક્યુમેન્ટ્રી ડિરેક્ટ કરી હતી અને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી.