નોકરી મેળવવી એ વર્તમાન સમયમાં સૌથી પડકારજનક કાર્ય છે. તમારા CV પર સખત મહેનત કરવાથી માંડીને તમારો પોર્ટફોલિયો બનાવવા સુધી અને નોકરી મેળવવા માટે ઘણો સમય લાગી શકે છે. ખાસ કરીને જો તમારો હેતુ તમારા સ્વપ્નની કોઈ કંપનીમાં પ્રવેશવા માટેનો હોય તો શક્ય બની શકે કે, લગભગ એક દાયકા સુધી મહેનત કરવી પડી શકે. ઈન્ટરનેટ પર એક સજ્જન વ્યક્તિને 9 વર્ષનાં કઠોર પરિશ્રમ પછી આખરે તેની મનપસંદ કંપનીમાં નોકરી મળી.
એડવિન રોય નેટ્ટોએ ઈન્ટરનેટ પર પોતાની પ્રેરણાદાયી સ્ટોરી શેર કરી હતી અને તે વર્ષોથી જે કંપનીનું સપનું જોતો હતો તેમાં તેને નોકરી મળી ગઈ હોવાનાં સમાચાર પર તેની માતા અને પત્નીની પ્રતિક્રિયાનો વીડિયો તેનાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. નેટોએ તેનાં હજારો ચાહકોને જણાવ્યું કે, આખરે તે ગૂગલમાં નોકરી મેળવવામાં સફળ રહ્યો છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ‘તેણે કેવી રીતે ગૂગલમાં એપ્લાય કરતી વખતે CV પર સખત મહેનત કરી હતી અને વર્ષ 2013થી નોકરી માટે એપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પોતાના કેપ્શનમાં લખ્યું, ‘આપણે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર કોઈપણ વાર્તાની સારી બાજુ જોઈએ છીએ પણ ખરેખર, આપણે જે સમજવાની જરૂર છે તે તેની પાછળનો પ્રયાસ છે.’
તેમણે આગળ જણાવ્યું કે, ‘હું 2013થી ગૂગલ પર દર વર્ષે અચૂક અરજી કરું છું (મારી પાસે મારી અરજીઓનાં પુરાવા પણ છે). દર વર્ષે, જ્યારે હું સફળ થતો નથી, ત્યારે હું તપાસું છું કે, હજુ શું ખૂટે છે? હું મારા CV અને પોર્ટફોલિયોમાં ફેરફાર કરી ફરી પ્રયાસ કરતો.’
એડવિન રોય નેટ્ટોએ પોતાનો ‘રિજેક્શનથી સિલેકશન જર્ની’નો અનુભવ લોકો સાથે શેર કર્યો
નેટોએ ખુલાસો કર્યો કે, ‘તેમને કેટલીક વાર શંકા જતી કે, આ રિજેક્શન્સ તેનાં અલ્મા મેટર સાથે જોડાયેલ હોઈ શકે છે, પરંતુ તેણે હાર ન માની. એક ચોક્કસ સમય પછી, મેં વિચાર્યું કે મારી પાસે પ્રતિષ્ઠિત ડિઝાઇન કોલેજની ડિગ્રી નથી, જે એક કારણ હોઈ શકે છે. તેના પર મારું નિયંત્રણ નથી પરંતુ, મેં મારો પોર્ટફોલિયો સુધારવા અને CV સુધારવા પર ફોકસ કર્યું. ઘણા નિષ્ફળ પ્રયત્નો પછી આજે હું અહીં છું.’
આ પ્રયાસો દરમિયાન હું શું શીખ્યો?
તેનાં કોમેન્ટ સેક્શનમાં ઢગલાબંધ અભિનંદનનાં મેસેજ આવ્યા હતા. ઘણાએ તેની હિંમત અને દ્રઢ નિશ્ચયનાં કારણે તેને બિરદાવ્યો હતો. જ્યારે અન્ય લોકોએ તેને હજુ આગળ વધવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
Google જ શા માટે?
આના પર એડવિને કહ્યું કે, ‘મારું સ્વપ્ન એવી કંપની સાથે કામ કરવાનું હતું કે, જ્યાં મારું યોગદાન અબજોનાં જીવનને અસર કરશે. હું નાની સંસ્થાઓમાં મારી પાસેની નાની જીતની ઉજવણી કરતો હતો. જ્યારે હું કોઈ સમસ્યાનો ઉકેલ લાવું છું ત્યારે મને આ જ સંતોષ મળે છે કે, મારા યૂઝર્સને તેનો લાભ મળશે. હવે ગૂગલમાં કામ કરીને હું મારા કામનો લાભ અબજો યુઝર્સને આપીશ.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.