વર્ષ 2018માં આલિયા ભટ્ટ અને વિકી કૌશલની એક ફિલ્મ આવી હતી, જેનું નામ ‘રાઝી’ હતું. આ ફિલ્મમાં આલિયાએ એક ભારતીય એજન્ટનું પાત્ર ભજવ્યુ હતું, જેણે એક મિશન માટે પાકિસ્તાની ઓફિસર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી ઘણી સિક્રેટ ઈન્ફોર્મેશન ભારત મોકલી.
પરંતુ, આ ફિલ્મ બની તે પહેલા જ આ પ્રકારની ઘટના હકીકતમાં ઘટી ચૂકી છે. ‘બ્લેક ટાઈગર’ નામથી લોકપ્રિય રો એજન્ટ રવિન્દ્ર કૌશિકે પાકિસ્તાન જઈને આર્મી ઓફિસરની દીકરી સાથે ફક્ત પ્રેમ અને લગ્ન જ ન કર્યા પણ ત્યાની ફોજમાં એક મોટા ઓફિસરની પદવી પણ મેળવી પરંતુ, તે પાકિસ્તાનમાં જ પકડાઈ ગયા અને પાકિસ્તાનમાં જ કેદ દરમિયાન તેની મોત થઈ ગઈ. પાકિસ્તાનમાં તેઓએ જે યુવતી સાથે પ્રેમ કર્યો હતો, તે આજે પણ ત્યા જ રહે છે. તેનો એક પુત્ર પણ છે. જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
23 વર્ષની ઉંમરે ગયા હતા પાકિસ્તાન
બ્લેક ટાઈગરનાં નામથી લોકપ્રિય રો એજન્ટનું સાચુ નામ રવિન્દ્ર કૌશિક હતું પરંતુ, પાકિસ્તાન જતા પહેલા તેઓએ પોતાનું નામ બદલીને નબી અહેમદ શકિર રાખી લીધુ. તેઓએ ઉર્દુ અને ઈસ્લામી સાહિત્યની પણ શિક્ષા લીધી. જો કે, રાજસ્થાનમાં જન્મેલા રવિન્દ્ર કૌશિકને થિયેટરનો ખૂબ જ શોખ હતો. એકવાર કોઈ રો ઓફિસરે તેને નાટક કરતા જોયો. રવિન્દ્રને પૂરી રીતે આ પાત્રમાં ઢળતો જોઈને એવુ લાગ્યું કે, તે છોકરો પાકિસ્તાનમાં જઈને એક નવા પાત્રને જીવી શકે છે. જે પછી રવિન્દ્ર 23 વર્ષની ઉંમરે રો માટે કામ કરવા લાગ્યો.
લાહોર યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, આર્મી ઓફિસરની દીકરી સાથે પ્રેમ થયો
પોતાના નવા નામની સાથે રવિન્દ્ર પાકિસ્તાન ગયા હતા અને કોઈને તેની કાનોકાન ખબર પણ નહોતી. ભારતમાં તેના તમામ રેકોર્ડ્સ ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન જઈને રવિન્દ્રએ નવા જીવનની શરઆત કરી હતી, તેઓએ લાહોર યૂનિવર્સિટીમાં એડમિશન લીધુ હતુ, ત્યાથી તેણે વકિલાતનો અભ્યાસ કર્યો.
અભ્યાસ પછી રવિન્દ્ર પાકિસ્તાની આર્મીમાં સામેલ થઈ ગયા. આ દિવસોમાં તેને પાકિસ્તાની આર્મીનાં એક મોટા ઓફિસરની દીકરીથી પ્રેમ થયો. બંનેએ લગ્ન કર્યા. તેની પત્નીનું નામ અમાનત હતું અને બંનેનો એક દીકરો પણ હતો. ઘણા લાંબા સમય સુધી પાકિસ્તાની આર્મીમાં કામ કરતા-કરતા રવિંદ્રએ ઘણી માહિતી ભારત મોકલી હતી.
પત્ની પણ તેની સાચી ઓળખ જાણતી નહોતી
પાકિસ્તાનમાં રવિન્દ્ર કૌશિકની પત્ની અને બાળકો સહિત હસતો-રમતો પરિવાર હતો. વર્ષો સાથે રહ્યા પછી પણ તેની પત્નીને રવિન્દ્ર એજન્ટ હતો તે વાતની જાણકારી મળી નહી. તેનો દીકરો અરીબ એદમદ ખાન સ્કૂલ જવા લાગ્યો પરંતુ, પાકિસ્તાનમાં હાજર એક જૂનિયર એજન્ટની ધરપકડ થતા તેણે રવિન્દ્ર વિશે તમામ માહિતી આપી દીધી. રવિન્દ્ર આ સમયે પાકિસ્તાની આર્મીમાં મેજરનાં પદ સુધી પહોંચી ગયા હતા.
જેલમાં થઈ બ્લેક ટાઈગરની મોત, પત્ની અને દીકરો ગુમનામ જિંદગી જીવી રહ્યા હતા
વર્ષ 1983માં રહસ્ય ખુલ્યા પછી રવિન્દ્ર કૌશિકની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેલમાં તેઓને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા. રવિન્દ્ર કૌશિક કુલ 18 વર્ષ પાકિસ્તાની જેલમાં બંધ રહ્યા. વર્ષ 2011માં તેમનું જેલમાં જ નિધન થયું. પાકિસ્તાનમાં તેની પત્ની અમાનત અને દીકરો અરીબ અહેમદ ખાન આજે પણ રહે છે પરંતુ, તે ક્યા રહે છે અને તેની અત્યારે કેવી હાલત છે? તેના વિશે કોઈ જ જાણતુ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.