હેલ્થ ટિપ્સ:દરેક નવી માતા બનેલી સ્ત્રીએ આ 7 બાબતોથી માહિતગાર હોવું જોઈએ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક નવી માતા બનેલી સ્ત્રી માટે આ ટિપ્સ ખૂબ જ લાભદાયી અને ફાયદાકારક સાબિત થઈ શકે છે

ગર્ભાવસ્થા એ જીવનનો એક એવો આનંદકારક સમય છે કે, જે તમને જીવનના એક એવા તબક્કામાં લઈ જાય છે કે જ્યાં તમે ફરી એક વિદ્યાર્થી જીવનનો અનુભવ કરો છો અને રોજેરોજ કંઈક નવું શીખો છો અને ખરા અર્થમાં અહીંથી તમારી એક જવાબદાર વ્યક્તિ બનવાની સફર શરુ થાય છે. કોઈપણ ઉંમરે બાળકને જન્મ આપવો એ એક મોટો પડકાર અને પરિવર્તન છે. જો તમે પહેલીવાર જ સંતાનસુખનો અનુભવ કર્યો છે તો અમે તમને ડૉકટરો દ્વારા સજેસ્ટ કરેલી 7 હેલ્થ ટિપ્સ જણાવીશું. આ હેલ્થ ટિપ્સ તમને બાળકની સાર-સંભાળ રાખવામાં અને તેનો ઉછેર કરવામાં સહાયરૂપ સાબિત થઈ શકે છે, તો ચાલો આ હેલ્થ ટિપ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવીએ.

બાળકને ઉછેરવા માટેની કોઈ નિશ્ચિત માર્ગદર્શિકા હોતી નથી. ખાસ કરીને માતાઓ માટે, આ સમય જીવનનો એક એવો વળાંક છે કે, જ્યાં સમય જતાં વ્યક્તિ તેના બાળક વિશે તેમજ પોતાના વિશે જાણવાનું અને શીખવાનું શરુ કરે છે. બાળકનો તંદુરસ્ત વિકાસ તેના માતા-પિતા પર આધાર રાખે છે. તેથી, માતાઓ માટે એ યાદ રાખવું અગત્યનું છે કે પોતાની જાત પર વધારે કઠોર ના થવું જોઈએ અને સ્વ-સંભાળ તથા માનસિક સ્વાસ્થ્યને તમારી અગ્રતા બનાવવી.

માનસિક સ્વાસ્થ્ય
સ્પાર્ષ હોસ્પિટલ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રનના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગના ડિરેક્ટર અને લીડ કન્સલ્ટન્ટ ડૉ. પ્રથમા રેડ્ડીએ જણાવ્યું હતું કે, "ડિલિવરી પછી જે મુખ્ય બાબત બની શકે તે એ છે કે, સ્ત્રી તેની આસપાસના તમામ ફેરફારોને કારણે ભારે ભાવનાત્મક ઉથલપાથલમાંથી પસાર થઈ શકે છે. આ સમયે તેમને સાર-સંભાળની વિશેષ જરૂર પડે છે, પહેલીવાર માતા બનતી સ્ત્રી માટે ઘણું બધું નવું હોય છે . આ સમયે તે અનેક પ્રકારની માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ શકે છે અને કારણ વગર તે રડી પણ શકે છે. ડૉ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, "જો માતા ડિલિવરી પછી તરત જ થોડી હતાશા અથવા નીચી લાગણી અનુભવી રહી હોય, તો અમે તેને પોસ્ટનેટલ બ્લૂઝ કહીએ છીએ. આ એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે ડિલિવરી પછી થાય છે અને તે આપમેળે જ દૂર થઈ જાય છે, પરંતુ પોસ્ટનેટલ ડિપ્રેસન નામની બીજી એક એન્ટિટી છે જે લાંબા સમય સુધી ચાલે છે. તે થોડા મહિના સુધી ચાલુ રહી શકે છે. આ સ્થિતિ વધુ ગંભીર હોય છે માટે તે અંગેના યોગ્ય પરામર્શ અને સારવાર નિષ્ણાતો પાસેથી લેતું રહેવું. તેમણે ઉમેર્યું હતું કે, 'મહિલા, પરિવાર અને જીવનસાથી માટે આ સ્થિતિને ઓળખવી અને ટેકો આપવા માટે ઉભા રહેવું મહત્વપૂર્ણ છે. જો આ લક્ષણો એક અઠવાડિયાથી દસ દિવસ સુધી ચાલુ રહે છે, તો તે પ્રસૂતિ પછીના હતાશાનો એક ભાગ હોઈ શકે છે. એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે કે જ્યાં સ્ત્રીઓ કાં તો શારીરિક હિંસક અથવા આત્મહત્યા કરતી થઈ ગઈ છે. આ બધાને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. '

સ્તનપાન
રાધાકૃષ્ણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો.વિદ્યા વી ભટ્ટે જણાવ્યું હતું કે, 'પહેલી વખત માતા બનતી સ્ત્રીઓ માટે સ્તનપાનનો અનુભવ અદ્દભૂત હોઈ શકે છે, ખાસ કરીને આ સમયે તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્તનપાન એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ તે હંમેશાં સરળ નથી હોતી. કેટલીકવાર માતા શું અપેક્ષા રાખે છે અને વાસ્તવિકતામાં શું થાય છે તે વચ્ચે મેળ ખાતો નથી. તેના કારણે સ્ત્રીઓ પર ઘણીવાર ભાવનાત્મક દબાણ આવી શકે છે. આ સમયે કોઈ નિષ્ણાતની મદદ લો, જે તમને સ્તનપાનની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી શકે અને સ્તનપાનના વિવિધ પાસાઓ પર તમને સલાહ આપી શકે. તમારા ડૉક્ટર, કુટુંબના વડીલો કે નર્સની મદદ લો, જે આ પડકારોનો સામનો કરવામાં તમને મદદરૂપ થઈ શકે.'

પ્રસૂતિ પૂર્વેની અને પ્રસૂતિ પછીની નિયમિત તપાસ
નિષ્ણાતોના મત મુજબ માતા તેમજ અજાત બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નિયમિત સમયાંતરે પ્રસૂતિ પૂર્વેની મુલાકાત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, 'પ્રસૂતિ પછી પણ ચેક-અપ માટે જવું એ મહત્વપૂર્ણ છે. આ ચેકઅપ તમારું શરીર ક્યાં-ક્યાં ફેરફારોનો સામનો કરી રહ્યું છે અને તે તમને તમારા સ્વાસ્થ્ય તેમજ તમારા બાળકના સ્વાસ્થ્ય વિશેના કોઈપણ પ્રશ્નોને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. દરેકની વાત સાંભળવાને બદલે નિષ્ણાતોની મદદ લેવી એ સારું છે."

ડિલિવરી પછી બ્લીડિંગ
ડો.પ્રથમા રેડ્ડીએ જણાવ્યું હતું કે, 'એક વખત માતાએ બાળકને જન્મ આપ્યો પછી ગર્ભાશયમાંથી ચોક્કસ માત્રામાં રક્તસ્ત્રાવ થશે અને આ 6 થી 8 અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ સામાન્ય છે અને ચિંતાનું કોઈ કારણ નથી. માત્ર એક જ સમયે તમારે તબીબી મદદ લેવાની જરૂર પડશે, જો રક્તસ્રાવ વધુ હોય અને તેની સાથે તાવ આવી રહ્યો હોય તો. સ્તનપાન કરાવતી સ્ત્રીઓને લગભગ છથી આઠ મહિના સુધી પીરિયડ્સ આવતાં નથી' તેમણે ઉમેર્યું હતું કે, 'આને લેક્ટેશનલ એમેનોરિયા તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓમાં, પીરિયડ્સ લગભગ બે મહિના પછી પાછા આવી શકે છે. આ બંને દૃશ્યો તદ્દન સામાન્ય છે. જે સ્ત્રીઓને ગર્ભવતી થયા પહેલાં અનિયમિત માસિકસ્ત્રાવ થયો હતો, તે ફરીથી અનિયમિત માસિકધર્મમાં પાછા ફરી શકે છે. ડિલિવરી પછી અનિયમિત પીરિયડ્સ આવે તો તમને આશ્ચર્ય થવું જોઈએ નહીં.'

પ્રોટીન અને આયર્નયુક્ત ભોજન
નવી માતા બનેલી સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય માટે તેમજ બાળકના સ્વાસ્થ્ય માટે આયર્નયુક્ત અને પ્રોટીનયુક્ત ભોજનનો સમાવેશ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. આ બાબત પર ભાર મૂકતા ડૉક્ટરે જણાવ્યું હતું કે, 'પાંદડાવાળા શાકભાજી, આખા અનાજ, કઠોળ, ફળો માતાનો આહાર આવો પોષક તત્ત્વોથી ભરપૂર હોવો જોઈએ, જેથી નવજાત બાળકની જરૂરિયાત સંતોષાઈ શકે.'

ગર્ભનિરોધક
પ્રસૂતિ પછીના સમયગાળામાં ગર્ભનિરોધક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, કારણકે યોગ્ય સમયગાળાના અંતર વિના ગર્ભવતી થવું યોગ્ય નથી, ડૉ. રેડ્ડી બીજી ગર્ભાવસ્થા માટે ઓછામાં ઓછાં બે વર્ષનું અંતર રાખવાની ભલામણ કરે છે, જેથી તમારા શરીરમાં થયેલાં ફેરફારોનો સામનો કરવા માટે પૂરતો સમય મળે.

'સામાન્ય જીવન' પર પાછા ફરવું
ડિલિવરી પછી મહિલાઓને જે મુખ્ય ચિંતા હોય છે તેમાંની એક એ છે કે તે તેમના 'સામાન્ય જીવનમાં' પાછા ફરી શકશે કે નહીં. ડૉ. પ્રતિમા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “જે મહિલાઓને સામાન્ય ડિલિવરી થઈ હોય તે તેમના ડૉક્ટર સાથે ચર્ચા કર્યા પછી ડિલિવરી પછી તરત જ નિયમિત જીવન પર પાછા ફરી શકે છે, પરંતુ જે મહિલાઓને સિઝેરિયન થયું છે તેમણે થોડા સમય માટે પ્રતિબંધો સાથે રહેવું પડે છે.