આજે મહિલાઓની વાળની સમસ્યા સામાન્ય સમસ્યા બની છે. આજના સમય પ્રમાણે યોગ્ય ડાઇટના અભાવે વાળની અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ડાયટ અને વાળને ગાઢ સંબંધ છે. આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર વાળ પર પડે છે.
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ખાવામાં ફેરફાર થયો હોય તો તેની અસર સીધી જ વાળ પર જોવા મળે છે. વિટામિન કે ખનિજની કોઈ ઉણપ હોય તો વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે. વાળ પહેલા પાતળા થાય છે, બાદમાં ખરવા લાગે છે. ઉંમર વધતા વાળ સફેદ થાય છે અને ખરે છે. પરંતુ આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે સમયથી પહેલા જ વાળ ખરવાનું શરૂ થઇ જાય છે.
એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિના દરરોજ ઓછામાં ઓછા 100 વાળ ખરે છે. પરંતુ જો ડાયટમાં કોઈ ગડબડ થઇ હોય તો વધુ વાળ ખરે છે. મહિલાઓની ડાયટમાં જો સિમ્પલ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય તો વાળ ઝડપથી ખરવા લાગે છે. કેન્ડી, કેક અને કૂકીઝમાં રીફાઇન્ડ શુગર હોય છે, તો પાસ્તા બ્રેડ જેવી વસ્તુમાં રીફાઇન્ડ ગ્રેસ હોય છે. જે વધુ પ્રમાણમાં ખાવાથી વાળને નુકસાન થાય છે.
એક રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે, તળેલી વસ્તુઓ વધારે ખાવાથી વાળ પર તેની ખરાબ અસર પડે છે. વાળમાં પૂરતા પ્રમાણમાં વિટામિન, પ્રોટીન અને ખનિજ ના હોય તો ટાલની શંકા રહે છે.
ઝારખંડની રાજધાની રાંચી સ્થિત ક્લિનિકલ રિસર્ચ ઈન્ટિગ્રેટિંગ એલોપેથી એન્ડ આયુર્વેદના ફાઉન્ડ ડૉ. સુરેશ અગ્રવાલ કહે છે કે, વાળના સ્વાસ્થ્ય માટે સારો આહાર જરૂરી છે. આજે લાઈફસ્ટાઈલને કારણે સમસ્યાઓ ગંભીર બની છે. નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. 22-23 વર્ષના યુવાનોને પણ ટાલ પડવા લાગે છે. તો બીજી તરફ છોકરીઓમાં પણ વાળ ખરવાની સમસ્યામાં વધારો થયો છે. આ પાછળ ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા વગેરેનો વધુ ઉપયોગ જવાબદાર છે.
ડો. સુરેશે વધુમાં જણાવ્યું હતું કે, વાળનો વિકાસ એ નિયમિત પ્રક્રિયા છે. શરીરમાં રહેલા પોષક તત્વોની મદદથી ફોલિકલ્સ સતત વાળ બનાવે છે. પરંતુ જ્યારે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સનું બેલેન્સ નથી રહેતું ત્યારે વાળ ઝડપથી ખરવા લાગે છે.
વાળમાં એમિનો એસિડની મોટી ભૂમિકા છે
પ્રોટીન ડાઇટ જેમાં એમિનો એસિડ હોય છે તે વાળના ગ્રોથ માટે મહત્વ ધરાવે છે. વાળના મૂળમાં L-lysine એમિનો એસિડ હોય છે જે વાળને શેપ આપે છે અને તેને જાડા બનાવે છે. એમિનો એસિડની ઉણપથી વાળ ઝડપથી ખરવા લાગે છે.
પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓમાં લોહીની ઉણપ જોવા મળે છે. ઘણી મહિલાઓ એનેમિક થઇ જાય છે. જેને કારણે આયરનની ઉણપ થાય છે જે વાળ ખરવાનું મુખ્ય કારણ બને છે. જો શરીરમાં ઝિંકની ઉણપ હોય તો વાળ પાતળા થઇ જાય છે. બીજી તરફ પ્રોટીનની ઉણપથી વાળ રુક્ષ પણ દેખાય છે.
વાળના વિકાસ માટે વિટામિન જરૂરી છે. પરંતુ વિટામિન ડી અને વિટામિન એ વધુ માત્રામાં લેવામાં આવે તો વાળને ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે. વિટામિન એ રેટિનોલ તરીકે પણ ઓળખાય છે. પરંતુ જો ડાયટમાં વિટામિનની માત્રા વધુ લેવામાં આવે તો વાળ ખરવા લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.