• Gujarati News
  • Lifestyle
  • Elders Stand As Support At All Stages Of Life, Let's Take A Look At The History And Significance Of This Day

વર્લ્ડ સિનિયર સિટિઝન ડે 2022:જીવનના તમામ તબક્કે ટેકો બનીને ઊભા રહે છે વડીલો, એક નજર કરીએ આ દિવસના ઈતિહાસ અને મહત્વ પર

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓડિશાના CM નવીન પટનાયકે આજ રોજ ટ્વિટર પર ‘વર્લ્ડ સિનિયર સિટિઝન ડે-2022’ની ઉજવણીના પ્રસંગે તમામ વડીલોને શુભેચ્છાઓ પાઠવી હતી અને લખ્યું હતું કે, ‘વડીલો તેમના ડહાપણ, જ્ઞાન અને અનુભવથી આપણા સમાજને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે પર, ચાલો આપણે તેમને પડતી મુશ્કેલીઓનો સ્વીકાર કરીએ અને તેમને જે પ્રેમ, કાળજી અને આદર આપવા માટે લાયક છે તે આપવાનું વચન આપીએ.’ગોવાનાં CM પ્રમોદ સાવંતે પણ વડીલોએ અમને જે પ્રેમ અને ડહાપણ પૂરું પાડ્યું છે તેના માટે ભરપૂર આભાર વ્યક્ત કર્યો.

વરિષ્ઠ લોકોની સંખ્યા આગામી ત્રણ દાયકામાં હવેની તુલનામાં બમણાથી વધુ હોવાની અપેક્ષા છે. યુએનના એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, 2050 સુધીમાં વરિષ્ઠ લોકો 1.5 અબજના આંકડાને વટાવી જશે. કોવિડ -19 એ સામાજિક-આર્થિક અસરને તીવ્ર બનાવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં અસમાનતામાં વધારો કર્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ વરિષ્ઠ નાગરિકોની બહુમતી ધરાવતી યાદીમાં મહિલા વરિષ્ઠ નાગરિકો પર તેની અસર વધુ જોવા મળી છે. તેથી આ દિવસ યાદ અપાવે છે કે, આપણી અમોલ સંપતિ આપણા વડીલોની સાચવણી માટે અનેક પડકારોનો સામનો કરવાની અને તે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરુર છે.

આપણા બધાના જીવનમાં વડીલો જીવનના તમામ તબક્કે ટેકો બનીને ઊભા રહે છે, જેમને આપણે ખૂબ જ પ્રેમ કરીએ છીએ. ‘વર્લ્ડ સિનિયર સિટિઝન ડે’ 21 ઓગસ્ટનાં રોજ ઉજવવામાં આવે છે. જીવનનો ફક્ત એક જ ધ્યેય કે આપણે કયાય પાછા ન પડીએ તે માટે પોતાનું આખુ જીવન ન્યોછાવર કરી દે છે. વર્ષ 1988માં પ્રમુખ રોનાલ્ડ રેગને વરિષ્ઠ નાગરિકો અને તેમના જીવનની ગુણવત્તાને અસર કરતાં મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઊજવણી કરી હતી. ચાલો આપણે ‘વર્લ્ડ સિનિયર સિટિઝન ડે 2022’ના વિગતવાર ઇતિહાસ, મહત્વ અને ઉજવણી પર એક નજર કરીએ.

ઈતિહાસ
‘વર્લ્ડ સિનિયર સિટિઝન ડે’ એવા વડીલોને માન્યતા આપે છે, જેમણે સમાજમાં ફાળો આપવા માટે પોતાનું જીવન વિતાવ્યું છે અને દરેકના જીવનને સારું બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. દેશનો પાયો અને સ્થિર ક્ષેત્રો આપણા વડીલોની સખત મહેનતનું પરિણામ છે અને તેથી તેઓ આ દિવસની ઉજવણીના સંપૂર્ણપણે હકદાર છે. વર્ષ 1988ની વાત છે કે, જ્યારે યુ.એસ. પ્રમુખ રોનાલ્ડ રેગને વડીલોનું સન્માન કરવાની પહેલ કરી હતી અને 21 ઓગસ્ટને વડીલોના સન્માન અને ઉજવણી કરવા માટેના દિવસ તરીકે નક્કી કર્યો હતો.

રેગન પોતે જ બધા માટે એક જીવંત દાખલો બન્યો. 20 જાન્યુઆરી,1981ના રોજ જ્યારે તે અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે તે 69 વર્ષના હતા. રેગન 93 વર્ષની પરિપક્વ વય સુધી જીવ્યા હતા. તે સમયે તે પ્રમુખ તરીકે ચૂંટાયેલા સૌથી વૃદ્ધ વ્યક્તિ ન હતા, પરંતુ જ્યારે તેમનો કાર્યકાળ 77 વર્ષ અને 349 દિવસની ઉંમરે પૂરો થયો ત્યારે તે સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. યુએસ સેન્સસ બ્યુરોનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2035 સુધીમાં 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના આશરે 78 મિલિયન લોકો અમેરિકામાં રહેશે.

મહત્વ

  • વડીલો પાસે મૂલ્યવાન અનુભવો અને વાર્તાઓ શેર કરવા માટે હોય છે. તેમના અનુભવનો નિચોડ અને સમૃદ્ધ જ્ઞાન માટે વિશ્વએ તેમના સમુદાયોમાં વડીલો તરફ ધ્યાન આપવાનું શરુ કર્યું છે. મુશ્કેલીના સમયે વડીલો એ પ્રથમ લોકો છે કે, જે આપણને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે મદદરૂપ દ્રષ્ટિકોણ આપી શકે છે.
  • વડીલો એ અન્ય કોઈપણ વય જૂથ કરતાં વધુ સારું એવું જીવનનું જ્ઞાન પીરસી શકે છે. તેમની પાસે સામાજિક વિકાસને સમર્પિત કરવા માટે વધુ સમય છે. આપણે તેમના આ તમામ પ્રયત્નોની પ્રશંસા કરવાની જરૂર છે.
  • વડીલો એ ઉદાર અને સેવાભાવી સ્વભાવ ધરાવે છે. તે ખૂબ જ સરળતાથી આપણને વિશેષ હોવાનો અહેસાસ કરાવી શકે છે. દાદા-દાદી તેમના પૌત્ર-પૌત્રીઓ પર વધુ ધ્યાન આપે છે. દરેક દાદા-દાદી ખાતરી કરે છે કે, આપણે સારી રીતે ખાઈએ છીએ અથવા આપણને કોઈ બીજી રીતે બગાડતું તો નથી ને. ખરેખર સલામ છે કે, કોઈપણ જાતની અપેક્ષા વગર તે નિરંતર પોતાની આ ફરજ બજાવતા રહે છે.

આપણે ‘વર્લ્ડ સિનિયર સિટિઝન ડે 2022’ની ઉજવણી કેવી રીતે કરી શકીએ?

  • આપણે નર્સિંગ અથવા વૃદ્ધાશ્રમમાં જઈને જરુરી વસ્તુઓ પહોંચાડી શકીએ છીએ. તમે તમારી નજીકનાં કોઈ વૃદ્ધોની સેવા કરતાં ગૃપને કોલ કરી શકો છો અને તેમને પૂછી શકો છો કે, શું તેમને કોઈ મદદની જરુર છે? આ નાના-નાના કામ દ્વારા તમે ખરેખર કોઈના જીવનમાં ફરક લાવી શકો છો.
  • તમારા ઘરે એક વડીલ તો હશે જ- કદાચ માતાપિતા, દાદા-દાદી, કાકી અથવા કાકા. તો આજનો દિવસ થોડો સમય કાઢીને તેમની સાથે વિતાવો. તેમને રૂબરૂ મળો.