• Gujarati News
  • Lifestyle
  • Eating Stale Food Can Cause Problems Including Gas, Acidity, Food Poisoning; Learn The Proper Way To Store Leftover Food

ફૂડ સ્ટોરિંગ ટિપ્સ:વાસી ખોરાક ખાવાથી ગેસ, એસિડિટી, ફૂડ પોઈઝનિંગ સહિતની સમસ્યા થઈ શકે; બચેલો ખોરાક સ્ટોર કરવાની યોગ્ય રીત જાણી લો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચેલો ખોરાક ક્યારેય ફ્રિજમાં ખુલ્લો ન રાખવો જોઈએ
  • ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ હંમેશાં ખોરાક ગરમ કરી તેનું સેવન કરવું જોઈએ

તમારા ઘરે ભોજન બનાવ્યા પછી તે બચી જતું હોય અને તમે તેને ફેંકવાને બદલે ફ્રિજમાં મૂકી રાખો છો તો આ સમાચાર તમારા માટે છે. વાસી ખોરાક યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તે તમને બીમાર કરી શકે છે. ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ પાસેથી જાણો બચેલો ખોરાક સ્ટોર કરવાની અસલ રીત...

ઘણી મહિલાઓ સમજે છે કે ફ્રિજમાં રાખ્યા વગર સવારનું ભોજન સાંજે ખાઈ શકાય છે તો કેટલાક ઘરમાં સાંજે 4 વાગ્યે ભોજન બની જાય છે અને તેને રાતે 10 વાગ્યે ખાવામાં આવે છે. ભોજનની આ રીત તમને બીમાર કરી શકે છે.

ભોજન તૈયાર થયાંનાં 2 કલાકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે

શિલ્પા મિત્તલ જણાવે છે કે, ભોજન તૈયાર કર્યાના 2 કલાક પછી તેમાં બેક્ટેરિયા બનવાની શરૂઆત થઈ જાય છે. તેથી ભોજન હંમેશાં ગરમાગરમ જ ખાવું જોઈએ. જો તમારાં ઘરમાં કોઈ ખોરાક બચી ગયો હોય તો તેને એર ટાઈટ ડબ્બામાં ફ્રિજમાં રાખવો જોઈએ. સવારનું સાંજે કે પછી રાતનું બીજે દિવસે ભોજન લેતાં હો તો ફ્રિજમાંથી કાઢ્યા બાદ તેને ગરમ કરો. ફ્રિજમાં દાળ રાખી હોય તો તેને ઉકાળ્યા બાદ જ સેવન કરો. ફ્રિજમાં રાખેલા ભોજનમાં તાજા ખોરાક જેટલા ન્યૂટ્રિશન્સ મળતાં નથી પરંતુ વાસી ખોરાક ગરમ કરી ખાવાથી બીમાર થવાની સંભાવના રહેતી નથી.

ઠંડો વાસી ખોરાક ફૂડ પોઈઝનિંગ નોતરી શકે છે

ફ્રિજમાં રાખેલો વાસી ખોરાક ક્યારેય ઠંડો ન ખાવો જોઈએ તેનાથી તમે બીમાર થઈ શકો છો. ઠંડો વાસી ખોરાક ખાવાથી ગેસ, પેટ ફૂલી જવું, ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. રોટલી ફ્રિજમાં ન રાખી હોય પરંતુ વાસી રોટલી ખાઈ રહ્યા હો તો તેને ગરમ કરી ખાવી જોઈએ. દાળ, ચોખા, શાકભાજી ફ્રિજમાં એર ટાઈટ કન્ટેનરમાં રાખવાં જોઈએ. ફ્રિજમાં ક્યારેય ભોજન ખુલ્લું ન રાખવું જોઈએ.

આ રીતે ગ્રેવી સ્ટોર કરો
રેડ, વ્હાઈટ અને ગ્રીન ગ્રેવી બનાવી તમે ફ્રિજમાં સ્ટોર રાખી જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં લો છો તો તમારે તેની યોગ્ય રીત જાણી લેવાની જરૂર છે. શિલ્પાના જણાવ્યા પ્રમાણે, ગ્રેવી સ્ટોર કરી રાખવામાં કોઈ વાંધો નથી પરંતુ જેટલી વાર ગ્રેવી ફ્રિજની બહાર કાઢશો તેમાં એટલા બેક્ટેરિયા ઉત્પન્ન થશે. એક સાથે ગ્રેવી મોટા ડબ્બામાં રાખવાને બદલે તમારી જરૂરિયાત પ્રમાણે નાના કન્ટેનરમાં સ્ટોર કરો.

ભોજનનો બગાડ થાય તે યોગ્ય નથી, પરંતુ બચેલા ખોરાકનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે નહિ તો ખોરાક ઝેર બની તમને નુકસાન કરી શકે છે. અન્નનું અપમાન ન થાય તેના માટે ભોજન બનાવવાની, સેવન કરવાની અને તેને સ્ટોર કરવાની યોગ્ય રીત જાણી લેવી જરૂરી છે.