• Gujarati News
  • Lifestyle
  • Due To Covid Business Closes So Go Out On A Trip To India, Completing The Entire Trip In Just 12 Thousand

આફતને અવસરમાં ફેરવી:કોરોનાથી ધંધો બંધ થયો, તો આ યુવાન ભારતભ્રમણ પર નીકળી પડ્યો, 12 હજારમાં જ આખો દેશ ફર્યો!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 રોગચાળાના કારણે ઘણા શ્રમિકો અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આવી જ રીતે લોકડાઉન અને અવરજવર પર લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે બેંગલુરુમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મના માલિક વિશાલ વિશ્વનાથના ધંધાને ફટકો પડયો. તેમ છતાં પણ તેણે આશા ગુમાવી નહોતી. આ સમયે તેણે પોતાની બેગ પેક કરી અને સામાન્ય એવા બજેટમાં આખા દેશનો પ્રવાસ કરવા નીકળ્યો. ત્રણ દિવસ પહેલાં 28 રાજ્યોમાં પોતાની 278 દિવસની લાંબી યાત્રા પૂરી કર્યા પછી, વિશાલે લખ્યું હતું, ‘LIFE.. મને અત્યાર સુધીની શ્રેષ્ઠ ભેટ મળી છે.’ તેમણે આગળ કહ્યું, ‘છેલ્લા 9 મહિનામાં હું બીજું જીવન જીવી રહ્યો હતો, જે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અનુભવ્યું નહોતું. પોતાની જાતે ટેન્ટ બાંધવો અથવા જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જવું. મોટાભાગે ફળો ખાવાં. જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરવી. દરેક દિવસ અને ક્ષણ મારા માટે એક નવું જીવન હતું.’

કુન્નૂરના વતની એવા વિશાલ ઘણાં વર્ષો પહેલા બેંગલુરુ આવીને બીટીએમ લેઆઉટમાં રહેતા હતા. ગયા વર્ષે એટલે કે નવ મહિના અગાઉ 26 જુલાઈથી વિશાલની ટ્રીપ શરૂ થઈ હતી, તેણે બસો અને ટ્રેનો જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરીને ભારત પ્રવાસ કર્યો હતો. વિશાલના ભારત પ્રવાસમાં 28 રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થતો હતો, જેમાં તેનો છેલ્લો પડાવ બેંગલુરુ હતો. આ 32 વર્ષીય યુવકે બુકિંગ વગરના ટ્રેનના ડબ્બામાં પણ મુસાફરી કરી હતી અને સૂવા માટે તંબુઓનો ઉપયોગ કર્યો હતો.

વિશાલે એક અગ્રણી દૈનિકને કહ્યું હતું કે, આવી રીતે મુસાફરી કરવી હંમેશાંથી જ તેની ઈચ્છા હતી. સૌથી પહેલા તેણે દક્ષિણ ભારતમાં પડાવ નાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે રોગચાળાએ તેમના વ્યવસાયને અસર કરી ત્યારે તેમણે મુસાફરીની યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું. તે જુદી-જુદી સંસ્કૃતિઓ વિશે જાણવા અને તેનો અનુભવ કરવા માગતો હતો. વિશાલે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું. કે, ‘હું જે સ્થળોની મુલાકાત લેતો હતો, જે લોકોને મળતો હતો, જે પર્વતો પર ચડતો હતો, જે રસ્તાઓ પરથી પસાર થતો હતો, જે માર્ગો પરથી પસાર થતો હતો, જે ખોરાક મારી પાસે હતો આ દરેક ક્ષણ મને જુદા-જુદા પ્રકારની લાગણીઓ તરફ લઈ જતી હતી. શારીરિક કે માનસિક રીતે જ્યારે હું થાકોડો અનુભવતો હતો ત્યારે ફક્ત એક સાદું સ્મિત મને હવે પછીનું પગલું ભરવાની શક્તિ આપતું હતું. હવે, જ્યારે હું આ બધું યાદ કરું છું ત્યારે મને દુ:ખ થાય છે કે, હું ફરીથી આ જગ્યાઓની જો મુલાકાત લઈશ તો તે લાગણી પાછો નહીં અનુભવી શકું, જે મેં અત્યારે અનુભવી.’

વિશાલનું પહેલું ડેસ્ટિનેશન ગુવાહાટી હતું, જે બાદ તે અરુણાચલ પ્રદેશ ગયો હતો. ગયા વર્ષે જુલાઈમાં જ્યારે બીજી લહેર ચાલી રહી હતી ત્યારે રાજ્યની સરહદો પર તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે પણ વિશાલે આ સફરને ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. નોર્થ ઇસ્ટમાં રોકવામાં આવ્યા બાદ પોતાનો પ્રવાસ ફરી શરૂ કરવા માટે તે કોલકાતા જવા રવાના થયો. વિશાલ જાહેર બસો પકડીને ઝારખંડના ધનબાદ અને ત્યારબાદ બિહારના બોધગયા પહોંચ્યો. આ પ્રવાસ દરમિયાન વિશાલે વિવિધ સંસ્કૃતિના લોકો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, તેનાથી તેને છેલ્લાં 32 વર્ષમાં જે અનુભવો થયા હતાં તેના કરતાં વધુ સારા અનુભવો થયા હતા. તે ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશમાં ગયો, વારાણસીમાં જીવનની મજા માણી અને પછી લખનઉ અને આગ્રા ગયો, આખરે કોવિડ -19 નો ડોઝ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યો.

દિલ્હીથી તેમણે નૈનીતાલ, ઋષિકેશ અને બદ્રીનાથની સડકો પર પ્રવાસ ખેડ્યો અને પછી શિમલામાં પગ મૂક્યો. તેમણે કહ્યું કે, આ પ્રદેશોના લોકો ભારે આતિથ્યભાવના ધરાવતા હતા અને તેને તેમના ઘરે નાસ્તો કરવા આમંત્રણ આપતા. ત્યાંથી ઉત્તર તરફ આગળ વધતાં વિશાલ તેની મુસાફરીની સૂચિમાંથી લદ્દાખ અને કાશ્મીર તરફ પ્રયાણ કરી રહ્યો હતો, ત્યાં રોકાણ દરમિયાન તેણે કઠોર હવામાનનો સામનો કરવો પડ્યો હતો. વિશાલે મીડિયાને જણાવ્યું હતું કે, તેણે એક રાત્રે અન્ય ઘણા મુસાફરો અને રહેવાસીઓ સાથે બસમાં આશ્રય લીધો હતો. તે ઓક્ટોબરના મધ્યમાં કારગિલમાં હતો અને ત્યારે માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. કારગિલ દુનિયાનું બીજું સૌથી ઠંડું વસ્તી ધરાવતું સ્થળ છે, જે સમુદ્રથી 3,300 મીટરની ઊંચાઈએ આવેલું છે.

ત્યારબાદ તે પશ્ચિમ તરફ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત તરફ ગયો અને પછી છત્તીસગઢથી દક્ષિણ તરફ પ્રવાસ કરીને ઓડિશા પહોંચ્યો. ત્યારબાદ તેને સમાચાર મળ્યા કે, ઉત્તર-પૂર્વના રાજ્યોએ કોવિડ -19 પ્રતિબંધને હળવો કર્યો છે તેથી વિશાલે માર્ચમાં પૂર્વીય ભારતના ઘણા ભાગોને આવરી લીધા હતા અને મેઘાલયથી આંધ્રપ્રદેશ સુધીની ટ્રેન પકડીને દક્ષિણ તરફ પ્રયાણ કર્યું હતું. તેલંગાણાના કેટલાક ભાગોને આવરી લેતા વિશાલ મહારાષ્ટ્ર અને ગોવા તરફ વળ્યા હતા અને ત્યારબાદ કર્ણાટક આવ્યા હતા, ત્યારબાદ તે સોમવારે કેરળના તેમના વતન કુન્નૂર ગયા હતા.

વિશાલને લોકોએ તેના ભારતપ્રવાસના ખર્ચ વિશે પૂછ્યું ત્યારે તેનો જવાબ આપતાં તેણે કહ્યું, ‘તે ખર્ચ મારા સામાન્ય જીવન કરતાં પણ ઓછો હતો. કોઈપણ વ્યક્તિ મુસાફરી કરી શકે છે પણ તે મુસાફરી કેવી હોવી જોઈએ? તે તમારે નક્કી કરવાનું છે. મને હંમેશાં પૂછવામાં આવતું હતું કે, તું આવી મુસાફરી શા માટે કરી રહ્યો છે અને આમાંથી તને શું મળવાનું છે? હવે હું કહી શકું છું કે, મેં આ મુસાફરી દરમિયાન એક એવું અદભુત જીવન જીવ્યું છે કે, હવે મને તેનાથી વધુ કંઈપણની જરૂર નથી. જે ક્ષણોનો મેં અનુભવ કર્યો છે તે હંમેશ માટે મારી જ રહેશે.’