સવારે ઉઠતા વેત કે સાંજના ટાણે ચાના પ્યાલાથી લોકો મન અને તન બંને પ્રસન્ન કરતાં હોય છે. ભારતમાં તો ચા પીવાનું વલણ ગજબનું જ છે. દિનચર્યામાં ચા સામેલ થતી હોવાથી તેને હેલ્ધી પણ બનાવવી જોઈએ. દરરોજ સામાન્ય ચા ન પીતા અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ કરી ચા બનાવી જોઈએ, જેથી તમે તંદુરસ્ત રહી શકો. તો આવો જાણીએ તમને ફિટ રાખતી વિવિધ પ્રકારની ટી અર્થાત ચા ના ફાયદાઓ અને તેને બનાવાની રીત...
લેમન ટી
આ ચા લીંબુ અથવા લેમન ગ્રાસના પાંદડાથી બને છે. રેગ્યુલર ચા બનાવતી વખતે તેમાં લેમન ગ્રાસ અથવા બ્લેક ટી બનાવતી વખતે તેમાં લીંબુ ઉમેરવાથી સરસ લેમન ટી તૈયાર થાય છે. આ જ રીતે લેમન બેસિલ અર્થાત તુલસીના પત્તામાંથી પણ લેમન ટી બને છે. આ ચા પીવાથી શરદી, ઉધરસ, માથાનો દુખાવો અને ગળાના દુખાવામાં રાહત રહે છે.
અશ્વગંધા ટી
અશ્વગંધાના મૂળમાં એન્ટિઓક્સીડન્ટ, એન્ટિઈન્ફલેમેલેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણો હોય છે. આ ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ઈંચ લાબા અશ્વગંધાના મૂળ નાખી તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય એટલે તેને ગાળી લો. તેમાં 1 નાની ચમચી મધ અને સ્વાદઅનુસાર, લીંબુનો રસ ઉમેરો. આ ચા બાળકો, વૃદ્ધો અને મહિલાઓ તમામ માટે ફાયદાકારક છે.
અનંતમૂળ ટી
અનંતમૂળ શીતળતા આપે છે. તે યકૃત રોગ, શરીરમાં બળતરાં, અસ્થમાં અને રક્ત પ્રવાહમાં રાહત આપે છે. તેમાં એન્ટિ ઓક્સીડન્ટ, એન્ટિ ડાયાબિટીક, એન્ટિ થ્રોમ્બોટિક અને એન્ટિ એન્જિયોજેનિક ગુણ હોય છે.
અનંતમૂળની ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં અનંતમૂળનો 1 ગ્રામ પાવડર ઉકાળો. તેમાં ચા પત્તી પણ ઉમેરી શકાય છે. ત્યારબાદ તેને ગાળીને સર્વ કરો.
મસાલા ટી
રેગ્યુલર ચામાં કાળા મરી, સૂંઠ, તુલસી, તજ, નાની અને મોટી ઈલાયચી, લવિંગ અને જાયફળ ઉમેરી તેને મસાલા ચામાં પરિવર્તિત કરી શકાય છે.
આ તમામ વસ્તુઓને બદલે તેમાં રામતુલસી અને અરણ્યતુલસી ઉમેરવામાં આવે તો તૈયાર થતી મસાલા ટીના તમે ફેન થઈ જશો. આ તુલસીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિઓક્સીડન્ટ અને એન્ટિફીવર ગુણ રહેલા છે.
મુલેઠી ટી
મુલેઠીના મૂળમાં કેલ્શિયમ, પ્રોટીન, ફેટ અને ગ્લિસરાઈઝિક એસિડ હોય છે. તે એન્ટિઓક્સીડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ રહેલા છે. આ ચા તૈયાર કરવા માટે રેગ્યુલર ચામાં મુલેઠીના મૂળનો એક નાનો ટુકડો ઉમેરવાનો હોય છે. મુલેઠીના મૂળ ન મળે તો તમે મુલેઠી પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો. આ ચાનું સેવન દિવસમાં 2થી 3 વાર કરવું જોઈએ.
તેનાં સેવનથી વાત, પિત્ત અને કફ દોષ શાંત થાય છે. તે ઘણા રોગમાં રામબાણ સાબિત થાય છે. તેનાથી શ્વસન રોગ દૂર થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.