બ્યુટી ટિપ્સ:ડ્રાય સ્કેલ્પ અને ખોડાને હળવાશમાં ન લો, સમયસર ઈલાજ કરવામાં ન આવે તો ટાલ પડી જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગમે તે ઋતુ હોય ખરાબ લાઈફસ્ટાઈલને કારણે વાળ ખરવા અને ખોડો થવો સામાન્ય વાત થઇ ગઈ છે. ક્યારેક તો ખોડો એ હદે વધી જાય છે કે, ખોડો વાળમાંથી ખરીને ખભા અને ગળા પાસે જોવા મળે છે. જયારે વાળ અને માથાની ત્વચા રુક્ષ થઇ જાય છે ત્યારે ખોડો થઇ જાય છે. બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવે છે કે, ડ્રાય સ્કેલ્પ અને ખોડાની સમસ્યા દૂર કરવા માટે શું કરવું જોઈએ.

ઓઇલ મસાજ છે ફાયદાકારક
જો સામાન્ય ખોડો હોય તો હૂંફાળા તેલથી માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. ઓઇલ મસાજથી સ્કેલ્પની રુક્ષતાથી છુટકારો થાય છે અને સ્કેલ્પના છિદ્રોને બંધ થતા પણ રોકે છે, નારિયેળના તેલને ગરમ કરીને સ્કેલ્પમાં લગાડો. આ બાદ ખોડાને દૂર કરવા માટે હળવા હાથે માથામાં મસાજ કરો. પછી ગરમ પાણીમાં ટુવાલને ભીનો કરો અને નીચોવીને ટુવાલને માથામાં વીંટાળી દો, પાંચ મિનિટ સુધી રાખો. 3થી 4 વાર આ જ પ્રક્રિયા કરો.

હેલ્ધી હેર ટોનિક
ખોડાને દૂર કરવા માટે સ્કેલ્પ અને વાળમાં તેલ લગાવીને આખી રાત રહેવા દો, સવારે એક લીંબુનો રસ સ્કેલ્પ પર લગાવો અને 15 મિનિટ સુધી રાખીને ધોઈ લો, વાળ ધોવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. શેમ્પુ કર્યા બાદ એક મગ પાણીમાં 2 મોટા ચમચા એપલ સાઈડ વિનેગાર મિક્સ કરો અને પછી વાળ ધુઓ.

ડ્રાય સ્કેલ્પ અને ખોડાથી બચવાના ઘરગથ્થુ ઉપચાર

મેથી દાણા
એક ચમચી મેથીદાણાની પેસ્ટ કરીને બે કપ પાણીમાં આખી રાત પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો, શેમ્પુ કર્યા બાદ આ પાણીથી વાળ ધોઈ લો.

લીમડાના પાન
રાતે ચારથી પાંચ કપ ગરમ પાણીમાં બે મુઠી લીમડાના પાન મિક્સ કરી લો. સવારે આ પાણીને ગાળીને શેમ્પુ કર્યા બાદ ઉપયોગ કરો. આ ઉપાય માથામાં ખંજવાળની સમસ્યાને પણ દૂર કરશે. સ્કેલ્પને હેલ્ધી રાખશે અને ઇન્ફેક્શન અને ખોડાને દૂર રાખવામાં મદદ કરશે.

મહેંદી
અઠવાડિયામાં એક વાર મહેંદીનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર દેખાય છે. આ સાથે જ ખોડાથી પણ છુટકારો થાય છે. આ માટે મહેંદી પાઉડરમાં 4 ટીસ્પૂન લીંબુનો રસ અને કોફી, 2 કાચા ઇંડા, 1 ટીસ્પૂન મેથીના બીજનો પાવડર જરૂરિયાત મુજબ ચાનું પાણી મિક્સ કરી લો. વપરાયેલી ચા પત્તીને ફરીથી પૂરતા પાણીમાં ઉકાળીને ઠંડુ કરીને ગાળીને મિશ્રણમાં મિક્સ કરી લો. આ મહેંદીના હેર પેકને વાળમાં લગાવો અને એક કલાક પછી ધોઈ નાખો. ઈંડાનો ઉપયોગ ન કરવો હોય તો તેમાં ચાનું પાણી વધુ ઉમેરો. આ હેર પેક માત્ર ખોડો દૂર કરવામાં જ મદદ નથી કરતું, પરંતુ વાળને કંડિશન પણ કરે છે, વાળને મજબૂત અને ચમકાવે છે.

આમળા હેર ઓઇલ
ઘરે તેલ બનાવવા માટે 30 ગ્રામ આમળાની પેસ્ટ કરીને 100 ગ્રામ નારિયેળ તેલમાં મિક્સ કરી એરટાઈટ કાચની બોટલમાં રાખો. આ તેલને 15 દિવસ સુધી તડકામાં રાખો. બાદમાં તેલને ગાળીને ઉપયોગમાં લો. ડ્રાય સ્કેલ્પ અને ખોડાથી બચવા માટે આ તેલનો દરરોજ ઉપયોગ કરી શકો છો.

ડ્રાય સ્કેલ્પ અને ખોડા

થી બચવા અને વાળને હેલ્ધી રાખવા માટે ડાયટમાં ફ્રૂટ્સ, સલાડ અને ફણગાવેલા કઠોળનો સમાવેશ કરો. રોજ 6થી 8 ગ્લાસ પાણી પીવો. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને સવારે પહેલાં આ જ પાણી પીઓ. વાળની સફાઈનું ખાસ ધ્યાન રાખો. બીજાના કાંસકાનો ઉપયોગ ન કરો.