પ્રકૃતિની વચ્ચે જાણીતા લેખક રમેશ તન્નાના પુસ્તક 'સંબંધોનું સૌંદર્ય કિતને દૂર કિતને પાસ'નું વિવિધ ક્ષેત્રની 25 મહિલાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી ગાંધીજન મનસુખ સલ્લા, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા અભિનેતા-ગાયક અર્ચન ત્રિવેદી, લેખિકા લતા હિરાણી, કર્મશીલ ગીતાબહેન કોઠારી, હાસ્યલેખકો ડો. નલીની ગણાત્રા, જીગીષા ત્રિવેદી તથા અધીર અમદાવાદી, પ્રો. નવીનભાઈ પટેલ સહિત સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે દિવ્ય ભાસ્કરના 'રંગત સંગત' વિભાગની કોલમ 'ઇટ્સ કોમ્પ્લિકેટેડ' એક વર્ષથી પણ વધુ સમયથી આવે છે. આ કોલમમાં આવેલા આર્ટિકલ્સનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
ટેકનોલોજી અને ભૌતિકતાની સંબંધો પર અસર પડી છે ત્યારે આ પુસ્તકમાં સંબંધોના સાચા સૌંદર્યને ઉજાગર કરીને જીવનને કેવી રીતે જીવવા લાયક બનાવી શકાય તેનું આલેખન કરાયું છે. મોટાભાગના લેખો સત્ય ઘટના પર આધારિત છે. પ્રકાશક ચિંતન શેઠે કહ્યું હતું કે આર.આર.શેઠની પરંપરા સમાજ માટે ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરવાની રહી છે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે પોઝિટિવ અને મૂલ્યનિષ્ઠ લખાણો અને પુસ્તકો સમાજ માટે અનિવાર્ય છે.
આ પ્રસંગે યોજાયેલા અભિનવ કાર્યક્રમમાં દરેક પતિએ પોતાની પત્નીના માથામાં મોગરાની વેણી ગૂંથી હતી. એ દૃશ્યો રળિયામણાં હતાં. ઉપસ્થિત તમામ લોકોએ કાર્યક્રમને દિલથી માણ્યો હતો. પર્યાવરણની સાથે, પ્રકૃતિના પરમ સાનિધ્યમાં થતા કાર્યક્રમોમાં તાજગીનો અનુભવ થાય છે તેવો પ્રતિસાદ તમામ લોકોએ આપ્યો હતો. બેનર અને માઈક વિનાના આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સૂર્યનારાયણ, અતિથિવિશેષપદે વૃક્ષો-છોડ અને મહેમાનો તરીકે પક્ષીઓ હાજર રહ્યાં હતાં. જાણીતા ગાયક-સ્વરકાર નરેન્દ્ર શાસ્ત્રીજીએ વિવિધ રચનાઓ ગાઈને વાતાવરણને સૂરીલું બનાવ્યું હતું.
કાર્યક્રમની ખાસ તસવીરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.