• Gujarati News
  • Lifestyle
  • Delhi Mumbai Ticket Cost More Than 10kg Of Gold In 1947, Prices Increased 10 Times In 20 Years

24 હજાર ટન સોનું પહેરે છે ભારતીય મહિલાઓ:વર્ષ 1947માં દિલ્હી-મુંબઈની ટિકિટ 10 KG સોનાથી મોંઘી, 20 વર્ષમાં 10 ગણા ભાવ વધ્યા

13 દિવસ પહેલા

ઉતરાયણ બાદ કમુર્તા પુરા થઇ જતાં લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. દેશનાં મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકાની 19 જાન્યુઆરીના રોજ સગાઈ થઈ અને તેઓની સગાઈમાં ચર્ચાનો વિષય તેમની અન્ગેજમેન્ટ રિંગ બની કે, જેને એક ડોગ લઈને આવ્યો હતો. આ દરેક વ્યક્તિ માટે આશ્ચર્યજનક હતું.

આ પહેલા મહેંદીની વિધિમાં રાધિકા મર્ચન્ટે પિંક લહેંગા સાથે ‘રાણીહાર’ પહેર્યો હતો કે, જે તેમના લૂકને આકર્ષક બનાવી રહ્યો હતો. હવે તો બોલિવૂડ સેલેબ્સમાં પણ જાણે કે, આ ‘રાણીહાર’ પહેરવો એક ટ્રેન્ડ બની ગયો છે. સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને એશ્વર્યા રાય પણ આ હાર પહેરી ચૂકી છે. હાલમાં જ મિસ યુનિવર્સ પીંજેટમાં ભાગ લેનારી દિવિતા રાયે ‘સોને કી ચિડિયા’ બનીને પોતાના દેશની સમૃદ્ધિને દર્શાવી હતી.

કહેવાનો અર્થ એવો છે કે, લગ્નની સીઝન શરુ થતાં જ જવેલર્સની દુકાનોમાં લાંબી લાઇનો જોવા મળે છે અને સોનાની ખરીદીનો સમય શરુ થઈ જાય છે.

જન્મથી લઇને મૃત્યુ સુધી ભારતીય સંસ્કૃતિમાં સોનાનું અનેરૂ મહત્ત્વ
હિન્દુ પરંપરાઓમાં 16 સંસ્કારો હેઠળ જન્મથી મૃત્યુ સુધી સોનાનો ઉપયોગ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બાળકનો જન્મ થાય ત્યારે તેની કમર પર સોનાનું ‘લટકણિયું’ પહેરાવવામાં આવે છે તો યજ્ઞોપવીત સંસ્કાર સમયે પિયરમાંથી પુત્રીના લગ્નમાં માતા-પિતા અને ઘરમાં પહેલી વાર નવવધૂ પગ મૂકે ત્યારે સાસુ તેની વહુને નવા સોનાના ઘરેણાં આપે છે. આટલું જ નહીં 16 સંસ્કારોમાંથી છેલ્લા સંસ્કારમાં એટલે કે મૃત્યુ પછી પણ સોનુ દાન કરવામાં આવે છે. આ જ કારણ છે કે, લોકો કોઇ પણ નાના-મોટા તહેવારમાં ખુબ જ સોનું ખરીદે અને વેચે છે. વિદેશમાં જ્યારે 9 કેરેટની રિંગથી કામ ચાલે છે, તો ભારતીયો 24 કેરેટ શુધ્ધ સોના પાછળ પાગલ જોવા મળે છે.

આવો જાણીએ ભારતીયો કેટલું સોનું પહેરે છે...
ભારતીય મહિલાઓ 22 હજાર ટન સોનું પહેરે છે, જે 5 દેશોના કુલ સોનાના ભંડાર કરતાં પણ વધુ છે. કોઇ નાનો કે મોટો પ્રસંગ હોય ભારતીય મહિલાઓ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. આ વાતને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ આ વાતને સ્વીકારી છે. WGC દ્રારા 2019માં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ પાસે જ્વેલરી તરીકે 22 હજાર ટન સોનું જમા થયું હતું. આ દુનિયાનો સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ભારતીય મહિલાઓ વિશ્વના કુલ સોનાના 11 ટકા જવેલરીના રૂપમાં પહેરે છે
આ વિશ્વના ટોપ 5 દેશોના કુલ સોનાના ભંડાર કરતા પણ વધારે છે. જેમાં અમેરિકા (8,000 ટન), જર્મની (3,300 ટન), ઇટલી (2,450 ટન), ફ્રાન્સ (2,400 ટન), અને રશિયા (1,900 ટન) જેવા મોટા દેશ છે. દેશમાં જ્વેલરીની કુલ ખરીદીમાં દક્ષિણ ભારતીયોનો હિસ્સો 40 ટકા છે. એકલા તમિલનાડુમાં સરેરાશ 28 ટકા છે.

મહિલાઓ બાદ ભારતીય મંદિરોમાં સૌથી વધુ સોનું
મહિલાઓ પછી સૌથી વધુ સોનું ભારતીય મંદિરમાં હતું. 'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ' રિપોર્ટ-2020 અનુસાર, ભારતીય મહિલાઓ પાસે 24 હજાર ટન સોનું છે, ત્યારબાદ મંદિરોમાં 4 હજાર ટન સોનું છે. એકલા કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં 1,300 ટન સોનું છે તો આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં 250-300 ટન સોનું છે. સદીઓથી ભક્તો આ સોનું તેમના દેવી-દેવતાઓને સોનાના આભૂષણો સહિત અનેક સ્વરૂપોમાં દાનમાં આપતા આવ્યા છે.

7 હજાર વર્ષ પહેલાં હડપ્પાઇ મહિલાઓ સોનાના દાગીના પહેરતી હતી
તો સોના પહેવરવાની પ્રથા આજથી નથી પરંતુ હડપ્પન સંસ્કૃતિમાં પણ સ્ત્રી અને પુરૂષ બંનેમાં સોનાના આભૂષણોનો ક્રેઝ હતો. જે થોડા સમય પહેલાં સાબિત પણ થયું છે. મે 2022માં હડપ્પન સાઈટ રાખીગઢી ખાતે ખોદકામ દરમિયાન, સોનાની બંગડીઓ, કાનની બુટ્ટીઓ સહિત ઘણા ઘરેણાં મળી આવ્યા હતા. તો બીજી ઘણી જગ્યાએથી બંગડીઓ, પેન્ડન્ટ્સ, નેકલેસ, વીંટી, કાનની બુટ્ટી પણ મળી આવી હતી, જે દર્શાવે છે કે ભારતીયો સદીઓથી સોનાના દાગીના પાછળ પાગલ છે.

દુનિયાના પ્રાચિનતમ ગ્રંથ ઋગ્વેદમાં પણ બ્રહ્માંડની ઉત્પત્તિ હિરણ્યગર્ભ નામના સોનાના ઇંડાના રૂપમાં બીજમાંથી હોવાનું માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે ભારતીયોને સોના પાછળ આટલા પાગલ છે.

ચીન પછી વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર ભારત
જુલાઈ 2022માં સ્થાનિક ચલણ પર દબાણ ઓછું કરવા અને સોનાની આયાત ઘટાડવા માટે જુલાઈ 2022માં સોના પરની આયાત જકાત 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી હતી. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે વર્ષ 2021-22માં દેશમાં સોનાની આયાતમાં 33 ટકાનો વધારો થયો હતો. કુલ સોનાની આયાતનું મૂલ્ય આશરે રૂ. 37.44 અબજ (46.14 બિલીયન ડોલર) હતું.

સોનાનું સૌથી મોટું ખરીદદાર ભારત બની શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનું ખરીદવાના મામલે ભારત ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે આવે છે. સોનાની માગ પાછળ ભારતીયોનો સૌથી મોટો હાથ છે, કારણ કે ભારતની મોટી વસ્તી કોઈને કોઈ સ્વરૂપે સોનું પહેરે છે અથવા વાપરે છે, જેના કારણે સોનાના ભાવ સાતમા આસમાને છે. ભારતમાં દરેક ઘરમાં નવા મહેમાન માટે સોનાના ઘરેણા બનાવવામાં આવે છે. આગામી કેટલાક વર્ષોમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે. આવી સ્થિતિમાં ભારત થોડા સમય પછી સોનાનો સૌથી મોટો ખરીદદાર બની જાય તો પણ નવાઈ નહીં.

આઝાદી બાદથી આ રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, આજે સોનાનો 10 ગ્રામનો ભાવ 58 હજારથી વધારે
આઝાદી સમયે ભારતમાં સોનાનો ભાવ રૂ.88.62 હતો. 1964માં સોનું સૌથી સસ્તું હતું. તે સમયે 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર રૂ.63.25માં હતો. આજે સોનું 58 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુના ભાવે વેચાઈ રહ્યું છે.

તેલની જેમ સોનાના ભાવ પણ ભારે આયાતને કારણે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર રાખે છે
સોનું અને ફુગાવો એકસાથે ચાલે છે, પરંતુ થોડા અલગ અર્થમાં. જ્યારે ફુગાવો વધે છે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થાય છે. 1942માં જ્યારે દેશમાં બીજા વિશ્વયુદ્ધ અને 'ભારત છોડો આંદોલન' ચરમસીમા પર હતું ત્યારે સોનાનો ભાવ 44 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આઝાદી સમયે 1947માં સોનાનો ભાવ રૂ.88.62 હતો. આઝાદી પછી સોનાની કિંમતમાં સૌથી મોટો ઘટાડો 1964માં થયો હતો.તે સમયે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.63.25માં હતો.

દેશમાં 75 વર્ષમાં સોનાના દર પર આવો એક નજર નાખીએ...
ઈન્ડિયન પોસ્ટ ગોલ્ડ કોઈન સર્વિસના જણાવ્યા અનુસાર 1947માં એક તોલા સોનાના 10 ગ્રામનો ભાવ 88.62 રૂપિયા હતો.તે સમયે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટનું ભાડું 10 કિલો સોના કરતાં વધુ હતું.આ તારીખથી માત્ર 5 વર્ષ પહેલા 1942માં સોનાનો ભાવ 44 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.આઝાદીની સાથે જ સોનાના ભાવ વધવા લાગ્યા.1950 થી 60 ના દાયકામાં સોનાને લગભગ 12% વળતર મળ્યું હતું.

વર્ષ 1970માં 10 ગ્રામ સોનાનો અંદાજિત ભાવ 184 સુધી પહોંચ્યો હતો. વર્ષ 1980માં તે ભાવ 1,330 રુપિયા થયો અને વર્ષ 1990નો સમય આવતા-આવતા તે 3,200 રુપિયાને પાર કરી ગયો. HDFC સિક્યોરિટિઝ મુજબ 2000-2010ની વચ્ચે સોનાનો ભાવ 4,400થી વધીને 18,500 સુધી પહોંચી ગયો. આવનાર દશકામાં કિંમતો ત્રણ ગણીથી પણ વધારે થઈ ગઈ. વર્ષ 2021માં સોનાનો અંદાજિત ભાવ 48,720 રુપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો.

આપણે ભારતીય મહિલાઓનાં સોના પ્રત્યેનાં ક્રેઝ અને ઈતિહાસ જાણીએ જ છીએ ત્યારે વાસ્તવિક જીવનમાં સોનાની ખરીદી કરતાં સમયે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ.

સોનાનાં ઘરેણા ક્યારેય પણ 100% શુદ્ધ હોય શકતા નથી, કારણ જાણી લો
સોનુ જૂનું હોય કે નવું શણગાર માટે મહિલાઓની પ્રથમ પસંદગી રહ્યું છે. જો કે, સોનુ ગમે તેટલું ખરું હોય પણ 100% શુદ્ધ તો હોય જ શકતું નથી. સોનુ એટલી મુલાયમ ધાતુ છે કે, તેમાં ભેળસેળ કર્યા વગર ઘરેણા બની શકતા નથી એટલા માટે જ સોનાની શુદ્ધતાને આંકવા માટે કેરેટ નામના એકમનો ઉપયોગ થાય છે. 24 કેરેટનું સોનુ પણ 99.99% શુદ્ધ માનવામાં આવે છે. સામાન્ય રીતે ઘરેણા 22,18 કે 14 કેરેટનાં બને છે. તેની શુદ્ધતાની ગણતરી કરીએ તો 22 કેરેટ એટલે 22/24*100 એટલે કે 91.66 ટકા સોનાની શુદ્ધતા છે.

શુદ્ધ સોનાનાં ચકકરમાં નકલી ઘરેણાનું વેચાણ, ક્યાંક તમે તો શિકાર નથી બન્યા ને?
આજકાલ ઓછા કેરેટવાળા સોનાનાં ઘરેણામાં નવી-નવી ડિઝાઈનનાં કારણે ટાંકા વધુ મારવામાં આવે છે પણ આ ઘરેણાની કિંમત કેરેટ મુજબ વસૂલવામાં આવે છે. આકર્ષક જાહેરાતો આપીને ગ્રાહકોને પોતાના જૂના ઘરેણા પાછા આપીને નવી ડિઝાઈનનાં ઘરેણા લઈ જવા માટે દુકાનદારો લલચાવે છે. જેમાં મેકિંગ ચાર્જિસ પણ લાગતા નથી. જો કે, મેકિંગ ચાર્જિસનાં નામ પર ઘરેણાની કિંમત વધારી દેવામાં આવે છે. જો એવું ન કરી શકે તો કોડવર્ડનાં માધ્યમથી ગ્રાહકોને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરે છે.

ઓછા માહિતગાર ગ્રાહકોને જાળમાં ફસાવે છે જ્વેલર્સ, કોડવર્ડનો ઉપયોગ કરે છે
UPનાં મઉ જિલ્લામાં એક મોટી જ્વેલરી શોપમાં 19 વર્ષનાં કામ કરી રહેલા યોગેન્દ્ર ચોહાણ જણાવે છે કે, દેશના કોઈપણ ખૂણામાં આવેલ કોઈપણ જ્વેલર એક કોડવર્ડ ધરાવે છે. આ કોડવર્ડમાં વાત કરીને તે ગ્રાહકોને વધુ મૂંઝવણમાં નાખે છે. સામે ઊભો રહેલો ગ્રાહક પણ તેઓની આ ભાષાને ઉકેલી શકતો નથી. સોનાનાં ઘરેણામાં હેરાફેરીની અનેક સંભાવનાઓ રહે છે. એક તો તમે જે સોનુ લઈ જાઓ છો તેના વજન અને તેની શુદ્ધતા વિશે તમારી પાસે કોઈ માહિતી હોતી નથી. મહિલાઓને સોનાનાં ભાવ વિશે ખ્યાલ કદાચ હોય પણ આ સોનામાં કેટલા ટાંકા લાગ્યા છે તથા તેમાં કેટલી-કેટલી જગ્યાએ ખોટ છે તે તો ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે.

સોનામાં થતી છેતરપિંડીને અટકાવવા માટે સરકારે હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું
સરકારે જૂન 2021માં લોકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા માટે 256 જિલ્લાઓમાં સોનાનાં ઘરેણા પર હોલમાર્કિંગ (Gold Hallmarking) ફરજિયાત કર્યું છે અને ગયા વર્ષથી તેને આખા દેશમાં લાગૂ કરવામાં આવ્યુ છે. જો કે, તેમછતાં પણ ભેળસેળયુક્ત સોનુ ખુલ્લેઆમ દેશમાં વેચાઈ રહ્યું છે. ગયા મહિને હોલમાર્કિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (HFI)નાં પ્રેસિડન્ટ જેમ્સ જોસે કહ્યું કે, ‘અમુક લોકો સોનાના ઘરેણા પર નકલી હોલમાર્કિંગ લગાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે.’

જોસ મુજબ સરકારે હજુ સુધી પણ હોલમાર્કિંગના જૂના લોગો પર પ્રતિબંધ લગાવ્યો નથી. જેના કારણે ગ્રાહકોને ઓછા કેરેટવાળું સોનું વધુ કેરેટનાં ભાવમાં વેચી નાખવામાં આવે છે. સરકારે જૂના લોગોને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવો જોઈએ.

જાણો ક્યા-ક્યા ફેક્ટર્સ સોનાનાં ભાવ પર અસર કરે છે?
સોનાનો ભાવ શું છે? તે તેની માગ પર સૌથી વધુ અસર કરે છે. સોનાની માગ જેટલી વધુ હશે તેની કિંમતમાં પણ તેટલો જ વધારો જોવા મળશે. આ સિવાય ગ્લોબલ માર્કેટમાં આવતા ઉતાર-ચડાવ પણ સોનાના ભાવને અસર કરે છે. આ સિવાય પોલિટિકલ ફેક્ટર્સ અને સરકારી પોલિસી પણ સોનાની કિંમતને અસર કરે છે. વિશ્વભરનાં લોકો રોકાણ માટે સોનાને શ્રેષ્ઠ વિકલ્પ માને છે.

અમેરિકા ગોલ્ડ ઓથોરિટી મુજબ છેલ્લા બે દાયકા 2001-2021ની વચ્ચે ઈન્ટરનેશનલ માર્કેટમાં યૂએસ ડોલરની પર્ચેસિંગ પાવરમાં ઘટાડો આવ્યો. ડોલરની ખરીદકિંમત વર્ષ 2001માં 97 સેન્ટ હતી, જે 2021માં 63 સેન્ટ થઈ ગઈ. આ જ સમયે સોનાની કિંમતમાં 570 ટકાની વૃદ્ધિ થઈ.

બીજી તરફ બ્રિક્સ (BRICS- બ્રાઝિલ, રુસ, ભારત, ચાઈના, સાઉથ આફ્રિકા)ની તરફથી સોનાની માગમાં વધારો થતાં કિંમતોમાં પણ વધારો થયો. ભારતની જેમ ચીનમાં પણ નાના બાળકના જન્મ, લગ્ન અને નવા વર્ષની ઊજવણીના ભાગરુપે સોનાનો ભરપૂર ઉપયોગ થાય છે. તે સિવાય ગોલ્ડ બિસ્કિટ અને ઈલેક્ટ્રોનિક ચિપનાં નિર્માણ સહિત અનેક કારણોસર ચીન મોટી માત્રામાં સોનાની આયાત કરે છે.

ભારત સ્વિત્ઝર્લેન્ડથી સૌથી વધુ સોનુ મગાવે છે
જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) મુજબ આપણે લગભગ અડધુ સોનુ સ્વિત્ઝરલેન્ડથી આયાત કરીએ છીએ. આલ્પ્સનાં પહાડોમાં વસેલો આ દેશ સોનાનો સૌથી મોટો ‘ટ્રાન્ઝિટ હબ’ બની શકે છે. ત્યાંની સર્વશ્રેષ્ઠ રિફાઈનરીમાં તૈયાર કરેલ સોનુ આખા દેશમાં ભરપૂર માત્રામાં વેચાય છે. GJEPC મુજબ 2021-22માં સોનાની કુલ આયાતમાં સ્વિત્ઝરલેન્ડનો ભાગ 45.8% હતો. તે સિવાય 12.7% UAEથી, 7.3% દક્ષિણ આફ્રિકા અને ગિનીથી અને અંદાજે 5 ટકા સોનુ પેરુથી પણ આવે છે. એક સમયે દેશનાં ગોલ્ડ ઈમ્પોર્ટમાં સ્વિસ ભાગીદારી 60% થી પણ વધુની છે.

ડિસેમ્બરમાં સરકારે 20 ટન સોનુ આયાત કર્યું હતું
ભારતે ડિસેમ્બર-2020માં 20 ટન સોનુ (1.18 બિલિયન ડોલર) આયાત કર્યું છે, જે ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવેલ 95 ટન (4.73 બિલિયન ડોલર) આયાતનાં મુકાબલે ખૂબ જ ઓછી છે. જો આખા વર્ષની વાત કરીએ તો 2022માં સોનાની કુલ આયાત 706 ટન રહી, જે ગયા વર્ષે 1068 ટનના મુકાબલે 362 ટન ઓછુ છે.

ગયા વર્ષે ભારતમાં સ્મગલર 3 ટનથી વધુ ગોલ્ડ લાવ્યા
નવેમ્બર 2022 સુધી આખા દેશમાં 3,083 કિલોગ્રામ એટલે કે અંદાજે 3 ટન સોનુ સ્મગલિંગ કરનારા લોકો પાસેથી જપ્ત કર્યું. આ ઘટનાક્રમમાં કેરળ ટોચ પર રહ્યું હતું. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો વર્ષ 2021માં 2,383 કિલોગ્રામ અને વર્ષ 2020માં 2,154 કિલોગ્રામ સોનુ આખા દેશમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. 12 ડિસેમ્બર, 2022નાં રોજ સરકારે સંસદમાં આ માહિતી આપી હતી. સોનાની તસ્કરી એ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે, તેને રોકવા માટે તમે ગમે તેટલા પ્રયાસ કરો તસ્કરો નવી-નવી યુક્તિઓ શોધી જ લે છે. જાણો અમુક હેરાન કરી દેનારા પ્રસંગો

માથા પરથી થયો સોનાનો વરસાદ, માનવમળની માફક પેસ્ટ બનાવીને સંતાડ્યું હતું સોનું
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કસ્ટમ ઓફિસર્સે દુબઈથી આવતા 14 શંકાશીલ પેસેન્જર્સનું મુંડન કરાવ્યું ત્યારે તેઓના માથા પરથી સોનાનો વરસાદ થયો હતો. આ પેસેન્જર્સે માથા પર વીગ પહેરી હતી, જેની નીચે સોનુ છુપાવવામાં આવ્યુ હતું, જ્યારે તસ્કર સોનુ ચોરીને લાવે છે ત્યારે તે માનવમળ જેવું જ લાગે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, પેસ્ટ મેટલ ડિટેક્ટરની પકડમાં આવતું નથી. દિલ્હીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સોનાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે 166 ગ્રામ વજનનાં 66.4 કિલોગ્રામ વજનનાં અને 35 કરોડની કિંમતના 400 ગોલ્ડ બાર જપ્ત કર્યા હતા. આ સોનુ ભારત-મ્યાનમાર સરહદથી તસ્કરી કરીને ટ્રકમાં ફ્યૂલ ટેન્કમાં છુપાવીને પંજાબમાં લઈ જવામાં આવી રહ્યું હતું.

સોનું અને ડ્રગ્સ બંનેની સ્મગલિંગ ઈકોનોમી માટે ઘાતક સાબિત થઈ શકે
જો સોનુ દેશની ઈકોનોમીને નુકશાન પહોંચાડશે તો ડ્રગ્સ અનેક પેઢીઓને ખરાબ કરી દેશે. આ વાત કોઈ બીજાએ નહી પણ દેશનાં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમન સીમા શુલ્ક એક્ટનાં 60 વર્ષ પૂરા થવાના અવસર પર કહેવામાં આવી હતી. સોનુ હોય કે ડ્રગ્સ બંનેની તસ્કરીનાં તાર ક્યાંક ને ક્યાંક ક્રાઈમ અને ટેરેરિઝમ સાથે જોડાયેલા છે. આવી રીતે તસ્કરો નવી ટેકનોલોજી અને અવનવી રીતોને અજમાવવામાં પણ પાછળ રહેતા નથી. આ જ કારણ છે કે, નાણાકીય મંત્રી પણ કસ્ટમ ઓફિસરોને તસ્કરી પર કાર્યવાહી કરવા માટે ડાર્કનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વેબ3 અને મેટાવર્સના ઉપયોગ પર પણ ભાર મૂકી રહ્યા છે.