દરરોજના 25 હજાર જેટલું ગંજાવર વ્યક્તિદીઠ ભાડું ધરાવતી ‘ગંગા વિલાસ’ ક્રૂઝ ગયા અઠવાડિયે શરૂ થઈ. પ્રયાગરાજ, વારાણસીથી શરૂ થતી આ ક્રૂઝ ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ એમ ભારતનાં ચાર રાજ્ય તથા બાંગ્લાદેશની સફર કરાવશે. UP, બિહાર, બંગાળથી તે બાંગ્લાદેશમાં પ્રવેશશે અને ત્યાંથી ફરી પાછી ભારતના આસામમાં પ્રવેશ કરશે. એનું છેલ્લું સ્ટોપ આસામનું દિબ્રુગઢ છે. આ લક્ઝરી ક્રૂઝ 50 દિવસમાં લગભગ 51 સ્થળ બતાવશે. પ્રવાસીઓએ જે-તે સ્થળના કિનારે ક્રૂઝ લાંગરે ત્યારે એ સ્થળ એક્સપ્લોર કરીને ફરી પાછું ક્રૂઝ પર આવી જવાનું રહેશે. સ્વાભાવિક રીતે જ સળંગ પોણાબે મહિના લાંબી આ ટૂર માટે એકસામટા 13થી 19 લાખ રૂપિયા જેટલી ગંજાવર રકમ ખર્ચવાનું પોસાય નહીં.
‘દિવ્ય ભાસ્કર’ એપ પોતાના વાચકો માટે ચાર રાજ્ય અને બે દેશનાં બધાં જ લોકેશનની માહિતી પહેલી જ વાર આપની સમક્ષ ગ્રાફિકલ ફોર્મેટમાં રજૂ કરી રહ્યું છે. એટલું જ નહીં, આ તમામ સ્થળોએ ફરવા માટેની ટૂર આપણે જાતે પ્લાન કરવી હોય તો કેટલો ખર્ચ આવે, કઈ રીતે ટૂર પ્લાન કરવી વગેરે માહિતી પણ અહીં નીચે રજૂ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે તમારી ફુરસદે આ તમામ રાજ્યોમાં વૈભવી ટૂર માણવાના અને પ્લેનમાં જ આવવા-જવાના ખર્ચનો સરવાળો માંડીએ તો ‘ગંગા વિલાસ’ ક્રૂઝ કરતાં ચોથા ભાગના ખર્ચમાં ફરી શકાય છે! એટલું જ નહીં, લટકામાં મેઘાલય રાજ્ય પણ ફરવા મળે છે, જ્યાં પાણીની આરપાર જોઈ શકાય એવી ડૉકી રિવર, વનસ્પતિના જીવંત મૂળમાંથી બનેલા લિવિંગ રૂટ બ્રિજ, વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતાં સ્થળો ચેરાપુંજી અને મૉસિનરામ પણ ફરી શકાય છે.
બસ ત્યારે... ઊંડો શ્વાસ લો અને એક પછી એક સ્થળ વિશે વાંચતા જાઓ. અને હા, ફ્યુચરમાં તમારી ટૂર પ્લાન કરવા માટે અમારી આ સ્ટોરી સેવ કરી રાખવાનું તથા તમારા મિત્રો-સ્નેહીઓ સાથે શૅર કરવાનું ચૂકશો નહીં.
ગંગા વિલાસ ક્રૂઝ શિપનો સંપૂર્ણ મૅપ માટે જુઓ આ વીડિયો
તમે જાતે પ્લાન કરો ‘ગંગા વિલાસ’ જેવી વૈભવી ટૂરઃ
અત્યારે ઇન્ટરનેટ, ઓનલાઇન બુકિંગ, હોટલ-ફ્લાઇટ્સના રિવ્યૂ વગેરેના યુગમાં ઘેરબેઠાં વિશ્વના કોઈપણ સ્થળે ફરવા જવાનું પ્લાનિંગ અત્યંત સરળ થઈ પડ્યું છે. સોશિયલ મીડિયા થકી જે-તે સ્થળના સ્થાનિક એક્સપર્ટો અને ટૂર ઑપરેટરોની મદદ લઇને પ્રવાસને સાચા અર્થમાં સ્ટડી ટૂરમાં ફેરવીને સમૃદ્ધ લોકલ અનુભવ મેળવી શકાય છે. વળી, એ પણ આરામદાયક હોટલ, ફ્લાટ, ટેક્સીના બુકિંગ સાથે. અહીં નીચે ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ-મેઘાલય અને બાંગ્લાદેશના 10-15 દિવસના પ્રવાસખર્ચની અંદાજિત વિગતો આપી છે. આપ કોઈ ઓર્ગેનાઇઝ્ડ ટૂર ઑપરેટરને પૂછીને, જે-તે રાજ્યના પ્રવાસન વિભાગની વેબસાઇટ પરથી કે ઑનલાઇન હોટલ-ફ્લાઇટ બુકિંગ વેબસાઇટ પરથી બુક કરાવીને ધરખમ ડિસ્કાઉન્ટ સાથે 3 કે 4 સ્ટાર હૉટલોમાં રોકાણ કરી શકો છો. જો એડવાન્સમાં પ્લાન કરેલું હશે તો ફ્લાઇટ અને હોટલોનાં બુકિંગમાં પણ સારુંએવું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે જવાનો બીજો ફાયદો એ છે કે તમે તમારી ફુરસદે તમારી પસંદગીનાં સ્થળોએ ફરી શકો છો. એટલું જ નહીં, તમારા ગમતીલાં સ્થળે પ્રવાસને ટૂંકાવી કે લંબાવી પણ શકાય છે. રહી વાત ક્રૂઝની, તો બંગાળના સુંદરવનમાં ફરવા માટે કોલકાતા ટુ કોલકાતાની ત્રણેક દિવસની મસ્ત ઓલ ઇન્ક્લુસિવ ક્રૂઝ સફર બુક કરી શકાય છે, જેમાં આ વર્લ્ડ હેરિટેજ સાઇટ કમ ટાઇગર રિઝર્વમાં ફરવાનો ને ખાવા-પીવા તથા ગાઇડનો પણ સમાવેશ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.