ક્યુબામાં કરોડો કરચલાનો કહેર:કોરોના લૉકડાઉનમાં કરચલાઓએ કબ્જો કર્યો, ચાલવું અશક્ય બન્યું, ગાડીઓનાં ટાયર પંક્ચર થઈ જાય છે!

5 મહિનો પહેલા

ક્યુબાના દક્ષિણ ભાગે આવેલા દરિયા કિનારેથી માઇગ્રેટિંગ ક્રેબ્સ એટલે કે કરચલાનો આતંક શરૂ થયો છે. દરિયામાંથી જમીન પર આવી રહેલાં કરચલાઓએ પોતાની વસ્તી એ હદે વધારી છે કે લોકો થથરી ગયા છે. અગાઉ પણ પ્રજનન માટે કરચલા દરિયામાંથી બહાર આવતાં, પરંતુ જમીન પર તેઓ ખાસ પ્રસરતા નહોતા. પરંતુ કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનમાં કરચલાઓને ખાલી શાંત મેદાન મળી ગયું. એટલે હવે સ્થિતિ એ થઈ છે કે જ્યાં જુઓ ત્યાં લાખો-કરોડોની સંખ્યામાં કરચલા જ કરચલા દેખાઈ રહ્યા છે.

લોકો પગ પણ નથી મૂકી શકતા
ક્યુબાના રસ્તાઓ, વગડાઉ વિસ્તાર, મેદાન જ્યાં જુઓ ત્યાં કરચલા જ દેખાઈ રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદ શરૂ થાય એટલે લાખોની સંખ્યામાં લાલ-પીળા અને કાળા રંગના કરચલા દરિયા આસપાસની ભીની જમીનમાંથી નીકળવા માંડે છે. પરંતુ હવે સ્થિતિ એ થઈ છે કે આ કરચલા સવાર-સાંજ રસ્તાઓ પર ફરતા રહે છે. કરચલાઓની સંખ્યા એટલી બધી છે કે લોકો ચાલી પણ શકતા નથી. વાહનો પસાર થાય એટલે સેંકડો કરચલા તેની નીચે ચગદાઈ મરે છે.

કરચલાની સંખ્યા હજી વધશે
ન્યૂઝ એજન્સી ‘રોઇટર્સ’ ક્યુબાના પર્યાવરણ મંત્રીને ટાંકતાં લખે છે કે કોરોનાકાળ પછી કરચલાની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. હજી આગામી દિવસોમાં પણ તેની સંખ્યા ઓર વધશે. જોકે આ મુદ્દે પ્રાણીશાસ્ત્રીઓમાં થોડા મતભેદ છે ખરા.

રસ્તાઓ પર ‘કરચલાની જાજમ’
રસ્તે રખડતા કરચલા કોઇપણ ગાડી, બસ, આસપાસનાં ઘરોની દીવાલો ગમે ત્યાં ચડી જાય છે. દૂરથી જોતાં એવું જ લાગે જાણે કોઇએ રસ્તા પર કરચલાની જાજમ પાથરી છે!