આફ્રિકી દેશ સાઉથ સુદાનમાં પશુઓને પણ જેલની સજા ફટકારવામાં આવે છે. થોડા દિવસ પહેલા એક ઘેટાંને મહિલાની હત્યામાં દોષી ઠેરવી સજા ફટકારી હતી. હાલમાં જ પોલીસે એક ગાયની ધરપકડ કરી છે. આ ગાય પર 12 વર્ષના એક બાળકની હત્યા કરવાનો આરોપ છે.
સાઉથ સુદાનની પોલીસે જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન ગાય પર લાગેલા આરોપ સાચા સાબિત થશે તો ગાયને લાંબો સમય સુધી જેલમાં રહેવું પડશે. હત્યા મામલે ગાયની સાથે માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલી ઘટના નથી કે ગાયની ધરપકડ કરવામાં આવી હોય આ દેશમાં પહેલાં પણ પશુઓને સજા સંભળાવવામાં આવી છે.
12 વર્ષના બાળકની હત્યાનો છે આરોપ
પોલીસ પ્રવક્તા મેજર એલિઝા મેબરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ગાયએ ખેતર પાસે 12 વર્ષના બાળકને કચડીને મારી નાખ્યો હતો. ત્યારબાદ પોલીસે ગાયની ધરપકડ કરી હતી. તેને પોલીસ સ્ટેશનમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. હાલમાં ગાય સામેના આરોપોની તપાસ ચાલી રહી છે.'
જેલમાં ગાય પાસે કરાવવામાં આવશે કામ
સુદાનના કાયદા મુજબ ગાય જો દોષિત સાબિત થશે તો સજાની સાથે-સાથે મુશ્કેલ કામ પણ કરાવવામાં આવશે. ગાયનું દૂધ જેલના સિપાહીઓને કામ આવશે. પોલીસે ગાયની ધરપકડ કરીને જણાવ્યું હતું કે, તેમને કર્તવ્યનું પાલન કર્યું છે.
પશુઓને સજા આપવી કોઈ નવી વાત નથી
આ પહેલાં દક્ષિણ સુદાનમાં પ્રાણીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા એક ઘેટાંને પણ એક મહિલાની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ તેને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સજા દરમિયાન ઘેટાં પાસે લશ્કરી કેમ્પનું કામ પણ કરવામાં આવશે. જ્યારે પ્રાણી અધિકારના હિમાયતીઓએ આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે પોલીસે તેમના ઔપચારિક નિવેદનમાં કહ્યું કે 'ઘેટાંના માલિકની આ કેસમાં કોઈ ભૂલ નથી, સમગ્ર દોષ પ્રાણીનો છે અને અમને અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ઘેટાંએ જાણી જોઈને મહિલાની હત્યા કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.