ગુજરાતના ખ્યાતનામ સાપ્તાહિક ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક અને પત્રકાર-નવલકથાકાર એવા વજુ કોટકનાં પત્ની મધુરીબેન કોટકનું 5 જાન્યુઆરી, ગુરુવારના રોજ મોડી સાંજે મુંબઈના જુહુ, વિલે પાર્લે ખાતે આવેલા તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 92 વર્ષનાં હતાં. શુક્રવારે સવારે 8થી 9 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વિલેપાર્લે ખાતે આવેલા પવનહંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેમના અવસાનના સમાચાર મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને પોતાની શોકાંજલિ અર્પી હતી.
ભાવનગરનિવાસી પિતા જીવરાજ રૂપારેલ અને માતા દિવાળીબેનનાં નવ સંતાનોમાં મધુરીબેન ચોથું સંતાન હતાં. વજુ કોટક સાથે 19 મે, 1949ના દિવસે મધુરીબેનનાં લગ્ન થયાં હતાં. 22 એપ્રિલ 1950ના દિવસે ‘ચિત્રલેખા’નો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો. 1959માં વજુ કોટકનું અકાળે અવસાન થયું હતું. માત્ર દસ વર્ષનું દાંપત્યજીવન. વજુ કોટકએ આ દુનિયામાંથી અણધારી વિદાય લીધી ત્યારે મધુરીબેનની ઉંમર માત્ર ૩૦ વરસ હતી. ‘ચિત્રલેખા’ સામયિકની વેબસાઇટ પર અપાયેલી અંજલિ પ્રમાણે મૃત્યુના થોડા દિવસ પહેલા વજુ કોટકે કહ્યું હતું કે, ‘હું આપણા ત્રણ સંતાનો ઉપરાંત ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ‘જી’… આપણાં મેગેઝિનોની પણ જવાબદારી તને સોંપી જાઉં છું. તારે આ છ એ છ સંતાનોની જવાબદારી ઉપાડવી પડશે…’ મધુરીબેનનાં સંતાનોમાં તેમના બે પુત્રો મૌલિક અને બિપિન કોટક તથા તેમનાં પુત્રી રોનક ભરત કાપડિયાનો સમાવેશ થાય છે. આ સામયિકોની જવાબદારી મધુરીબેને બખૂબી નિભાવી જાણી હતી.
મધુરીબેન અચ્છા ફોટોગ્રાફર પણ હતાં. હોમાઇ વ્યારાવાલા જેવાં ભારતનાં પ્રથમ મહિલા ફોટોગ્રાફરની સાથોસાથ મધુરીબેનનું નામ પણ મૂકવું પડે. તેમની પાડેલી તસવીરો ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ફિલ્મ મેગેઝિન ‘જી’માં લગભગ ત્રણ દાયકા સુધી છપાતી રહી હતી. હિન્દી ફિલ્મોની સાઠ-સિત્તેરના દાયકાની અભિનેત્રીઓ સાથે મધુરીબેનને ઘરોબો હતો. 1971ના ભારત-પાક. યુદ્ધ પછી ઘાયલ સૈનિકોનાં ખબર અંતર પૂછવા સરહદ પર ગયેલી આશા પારેખ સહિતની અભિનેત્રીઓની સાથે ફોટોગ્રાફર તરીકે મધુરીબેન પણ ગયેલાં અને તેમણે તેનો સતસવીર અહેવાલ પણ લખેલો.
વજુ કોટકની અણધારી વિદાય પછી મધુરીબેને તે વખતે કાપડનો ધંધો કરી રહેલા યુવાન હરકિસન મહેતાને ‘ચિત્રલેખા’ સામયિક સંભાળી લેવા માટે આગ્રહ કર્યો. થોડા સમય પછી હરકિસન મહેતાએ આ જવાબદારી સંભાળી અને ત્યારપછી જે થયું તે ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસનું ઉજ્જ્વળ પ્રકરણ છે. ‘મધર ઇન્ડિયા’ બનાવનારા ફિલ્મમેકર મહેબૂબ ખાનની એક ફિલ્મના શૂટિંગના કવરેજ પ્રસંગે ગયેલાં મધુરીબેન અને હરકિસનભાઈ રિયલ લાઇફના જગ્ગા ડાકુને મળ્યા. તેમની સાથે અઢી કલાક જેટલી વાત કર્યા પછી મધુરીબેને હરિકસન મહેતાને સલાહ આપી કે આમની અત્યંત નાટ્યાત્મક જિંદગી પરથી એક અહેવાલને બદલે આખી નવલકથા લખો. ત્યારપછી હરકિસન મહેતાએ 1600 પાનાં અને ત્રણ ભાગમાં પથરાયેલી ખ્યાતનામ નવલકથા ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’ લખી. તે નવલકથાથી ગુજરાતી સાહિત્યને પણ હરકિસન મહેતા તરીકે એક કસાયેલી કલમ મળી. ત્યારપછી હરકિસનભાઇએ પણ ચાર-પાંચ દાયકા સુધી પોતાની નવલકથાઓ તથા કાબેલ તંત્રી તરીકે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વને લીલુંછમ રાખ્યું.
‘ચિત્રલેખા’ શરૂ થયું ત્યારે વજુ કોટક એકલા હાથે 80 ટકા લેખો લખતા. વજુભાઇના લેખનકાર્યમાં બે બાબત સહાયરૂપ બની. એક એમની શિસ્તબદ્ધતા અને બીજું મધુરી કોટક. વજુ કોટકની યુવાવયે અણધારી વિદાય છતાં સતત છ દાયકા સુધી ચિત્રલેખા-જી જેવાં સામયિકોને ધબકતાં રાખવામાં મધુરીબેનનો ધરખમ ફાળો હતો.
પ્રસિદ્ધ નવલકથાકાર વર્ષા અડાલજા મધુરીબેન વિશે લખે છે, ‘મધુબેનને ત્રણ સંતાનો અને ત્રણ પબ્લિકેશન સંતાનો સંભાળવાનાં આવ્યાં માત્ર ૩૦ વર્ષની ઉંમરે. એમના હાથમાં કલમ નહીં, પણ એમણે ખૂબ સૂઝબૂઝથી ‘ચિત્રલેખા’નું એવું સંચાલન કરી એને ટોચ પર પહોંચાડ્યું કે મેનેજમેન્ટના સ્ટુડન્ટને પણ શીખવું પડે.’
વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટ મધુરીબેન કોટકને આપેલી અંજલિમાં લખે છે, ‘મધુરીબેન સાઠ-સિત્તેરના દાયકાનાં અનસંગ ગુજરાતી કરિયર વુમન હતાં. તેમણે પોતાના પતિ વજુ કોટકના પ્રેમને ખાતર કપરી પરિસ્થિતિઓમાં પણ ચિત્રલેખાને ચાલતું રાખ્યું. એટલું જ નહીં, તેમણે ગુજરાતી મીડિયાને ત્રણ હસ્તીઓ આપી. હરકિસન મહેતા, તારક મહેતા અને કાંતિ ભટ્ટ. મધુરીબેનનાં સ્ટ્રોંગ વિલપાવર વિના વજુભાઈના અવસાન પછી ચિત્રલેખા ટકી શક્યું જ ન હોત.’
સમગ્ર ‘દિવ્ય ભાસ્કર’ પરિવાર મધુરીબેન કોટકને હૃદયપૂર્વકની અંજલિ આપે છે અને અને તેમના પરિવારને આ કારમો આઘાત સહન કરી શકે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે.
(તસવીરો-માહિતી સૌજન્યઃ ચિત્રલેખા.કોમ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.