ભારતમાં બાળકોની વેક્સિનના ટ્રાયલ થઈ રહ્યા છે, તેવામાં એક રાહતના સમાચાર સામે આવ્ચા છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે બાળકોમાં કોરોનાના ગંભીર કેસ ખુબ ઓછા છે. તેમની રિકવરી પણ ઝડપી અને સારી થઈ રહી છે. જોકે તેમણે ચેતવતાં જણાવ્યું હતું કે, કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે. છેલ્લાં 2 વર્ષમાં તેણે જે કહેર વર્તાવ્યો છે તેની અસર હજુ પણ રહેશે.
બાળકોમાં સંક્રમણ
'મહામારી પછી પ્રાથમિક્તા અને યુવા ભારત શું ઈચ્છે છે' આ વિષય પર ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને નિવેદન આપતાં કહ્યું કે, 18થી વધુ ઉંમરના લોકો વેક્સિનેટેડ થઈ રહ્યા છે. તેવામાં લોકો પોતાનાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે ચિંતિત બન્યા છે. કારણ કે કમ્યુનિટીમાં વાઈરસ ફેલાય તો હવે સૌથી વધુ જોખમ બાળકોને છે.
ચીફ સાયન્ટિસ્ટ જણાવે છે કે, બાળક સંક્રમિત થાય તો પણ સંભાવના છે કે તેઓ સ્વસ્થ થઈ જાય. તેમણે જણાવ્યું કે દેશમાં બાળકોનું પણ રસીકરણ થશે. ડ્રગ કન્ટ્રોલરે ઝાયડસ કેડિલાને 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો માટેની વેક્સિનને મંજૂરી આપી છે.
કોરોના સંક્રમણની બાળકો પર અસર
બાળકો અને કોવિડ વચ્ચે કનેક્શન સમજવા માટે કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોએ રિસર્ચ કર્યુ. રિસર્ચ પ્રમાણે, કોરોનાથી પીડિત મોટા ભાગના બાળકો અઠવાડિયાંમાં સ્વસ્થ થઈ જાય છે. ભાગ્યે જ કોઈ બાળકમાં લોન્ગ કોવિડ જોવા મળે છે.
સંશોધકોનું કહેવું છે કે, દર 20માંથી 1થી પણ ઓછાં બાળકને લોન્ગ કોવિડ થાય છે. લોન્ગ કોવિડમાં કોરોનાના લક્ષણો 4 અઠવાડિયાં સુધી જોવાં મળી શકે છે અને 8 અઠવાડિયાં સુધી બાળક સંપૂર્ણ રીતે રિકવર થઈ શકે છે. બાળકોમાં માથાનો દુખાવો, થાક, ગળામાં ખરાશ અને ગંધ ન પારખવાના લક્ષણો જોવાં મળી શકે છે.
બાળકોમાં લોન્ગ કોવિડના કેસ દુર્લભ
'લેન્સેટ ચાઈલ્ડ એન્ડ અડોલેસેન્ટ હેલ્થ જર્નલ'માં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, કોવિડ-19થી સંક્રમિત આશરે 4.4% બાળકોમાં જ 1 મહિના સુધી લોન્ગ કોવિડ રહી શકે છે.
કિંગ્સ કોલેજના પ્રોફેસર એમ્મા ડંકન જણાવે છે કે, સંક્રમણ બાદ બાળકોમાં આંચકી આવવી અને બેચેની જેવા કોઈ લક્ષણો જોવાં મળતાં નથી. તેથી સાબિત થાય છે કે બાળકોમાં લોન્ગ કોવિડના કેસ દુર્લભ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.