• Gujarati News
 • Lifestyle
 • Children Can Go To School Wearing Loose Clothes And Canvas Shoes, Find Out What Other Instructions The Central Government Has Given To Schools?

હીટવેવ:ઢીલાં કપડાં અને કેનવાસ શૂઝ પહેરીને બાળકો સ્કૂલે જઈ શકે છે, જાણો કેન્દ્ર સરકારે સ્કૂલોને બીજી શું સૂચના આપી છે?

2 મહિનો પહેલા

ભયંકર ગરમી અને તેના પ્રકોપના કારણે ઘણાં રાજ્યોમાં ઉનાળાની રજાઓ વહેલી પાડી દેવામાં આવી છે. આ સાથે જ કેટલાક રાજ્યોએ વધતાં તાપમાનને જોતાં શાળાઓના સમયમાં ફેરફાર કર્યા છે. ઘણી શાળાઓએ સાત કલાકથી 4-5 કલાકનો સમય ઘટાડ્યો છે. આ સમય દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉનાળાને પગલે શાળાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન્સમાં શાળાએ બાળકોના ખાવા-પીવામાં સાવચેતીથી લઇને યુનિફોર્મ અને ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય બાબતોમાં શું ફેરફાર કરી શકાય છે, તે અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

ટાઈમટેબલમાં ફેરફાર

 • શાળા શરુ થવાનો સમય 7 વાગ્યે અને પૂર્ણ થવાનો સમય 1 વાગ્યે રાખવામાં આવશે.
 • ગરમીને ધ્યાનમાં રાખીને શાળાના કલાકોમાં પણ ઘટાડો કરી શકાય છે.
 • સવારના સમયે રમત-ગમત અને અન્ય આઉટડોર પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપવામાં આવી છે.
 • શાળા એસેમ્બલીનો સમય ઘટાડીને વર્ગો વહેલાં શરૂ કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

સ્કૂલ ટ્રાન્સપોર્ટ

 • સ્કૂલ બસ અને વાનમાં જેટલી જગ્યા હોય તેટલાં જ બાળકોને બેસાડવા.
 • બસ કે સ્કૂલ વાન છાંયડામાં પાર્ક કરવાની રહેશે.
 • બસમાં પીવાનું પાણી અને ફર્સ્ટ એઇડ કિટની સુવિધા હોવી જોઇએ.
 • પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા આવતાં-જતાં બાળકોના માતા-પિતા તેમને લેવા અને મુકવા માટે આવે.
 • જે બાળકો પગપાળાં અથવા સાયકલ દ્વારા આવે છે તેમણે તેમના માથાને ઢાંકીને રાખવું.

ખોરાક વિશે માતા-પિતા અને શાળાઓને આ સલાહ આપવામાં આવે છે

 • ઉનાળામાં ખોરાક ઝડપથી બગડી જાય છે, તેથી બાળકોને ટિફિનમાં એવું ભોજન આપવું જોઈએ કે જે ઝડપથી બગડે નહીં.
 • ટિફિનના સમયે બાળકોને હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવી છે.
 • પીએમ પોષણ કાર્યક્રમ હેઠળ ગરમ રાંધેલું તાજું ભોજન પીરસવું જોઈએ. જે શિક્ષકો પાસે આ ભોજનની જવાબદારી છે, તેમણે પીરસતાં પહેલાં ભોજનની તપાસ કરવી જ જોઇએ.
 • શાળાઓની કેન્ટીનમાં બાળકોને માત્ર તાજો અને ગરમ ખોરાક પીરસવામાં આવે તે સુનિશ્ચિત કરવું પડશે.

યુનિફોર્મમાં ફેરફાર

 • લૂઝ ફિટિંગ અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવાની મંજૂરી આપી શકાય છે.
 • ગરમીથી બચવા માટે બાળકો ફુલ સ્લીવ્ઝ શર્ટ પહેરી શકે છે.
 • શાળા સંચાલકોએ ટાઇ ઢીલી બાંધવાની મંજૂરી આપવી જોઇએ.
 • ચામડાના પગરખાંની જગ્યાએ કેનવાસ પગરખાં પહેરવા દો.
 • રેસિડેન્શિયલ શાળાઓમાં આ સુવિધા હોવી જોઈએ

શાળામાં સ્ટાફ નર્સ પાસે સીઝનેબલ બીમારીઓની દવાઓ હોવી જોઈએ.

 • ડોર્મિટરીમાં બારીઓ અને દરવાજા પર પડદાં હોવા જોઈએ.
 • બાળકોને લીંબુનું શરબત, છાશ અને ફ્રૂટસ આપવા જોઈએ.
 • બાળકોને મસાલેદાર ખોરાકની જગ્યાએ હળવો ખોરાક આપવો જોઈએ.
 • ક્લાસરૂમ, હોસ્ટેલ અને ડાઈનિંગ હોલમાં હંમેશાં પાણી અને વીજળીની સુવિધા રહેવી જોઈએ.
 • સાંજના સમયે સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવું જોઈએ.

પરીક્ષા કેન્દ્ર પર આ સુવિધાઓ હોવી જોઈએ

 • બાળકો પરીક્ષા કેન્દ્રમાં તેમની સાથે પોતાની પારદર્શક બોટલો લાવી શકે છે.
 • પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણીની સુવિધા પણ હોવી જોઈએ.
 • પરીક્ષાકેન્દ્રમાં બાળકોની માગ પર તેમની સીટ પર પાણી આપવું જોઈએ.
 • ઈમરજન્સી માટે તમામ કેન્દ્રોને લોકલ મેડિકલ સેન્ટર સાથે જોડવા જોઈએ.

પ્રાથમિક સારવારની સુવિધા આવશ્યક છે

 • શાળામાં હીટસ્ટ્રોકની સારવાર માટે ORS સોલ્યુશનના પાઉચ અથવા સોલ્ટ-સુગર સોલ્યુશનની સુવિધા હોવી જોઈએ.
 • હીટસ્ટ્રોકના કિસ્સામાં બાળકોને પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડવા માટે શાળાના કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ.

કેટલાક રાજ્યોમાં હીટવેવને કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે
હરિયાણા: હરિયાણાની તમામ ખાનગી અને સરકારી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 4 મે થી શાળાનો સમય સવારે 8 થી બપોરે 2.30 ની જગ્યાએ સવારે 7 થી 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
રાજસ્થાન: જયપુર, અજમેર, સીકર, ચુરુ અને જોધપુર જેવા અનેક જિલ્લાઓમાં ધોરણ 1 થી 8 ની શાળાઓને સવારે 7:30 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ: ગરમીને ધ્યાનમાં રાખીને એપ્રિલ મહિનામાં જ શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો.
બિહારઃ અહીં પણ એપ્રિલ મહિનામાં શાળાનો સમય સવારે 6:30થી 11:30 કરવામાં આવ્યો હતો.

કેટલાક રાજ્ય અને ઉનાળામાં રજાઓની તારીખ
ઉત્તરપ્રદેશ: શાળાઓમાં ઉનાળુ વેકેશન 21 મેથી શરૂ થશે અને 30 જૂન સુધી ચાલશે. જેનાથી વિદ્યાર્થીઓને 41 દિવસની રજા મળશે.
પંજાબઃ પંજાબ સરકારે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને 14 મેથી તમામ શાળાઓમાં ઉનાળાની રજા જાહેર કરી દીધી છે.
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ સરકારે તમામ શાળાઓમાં 2 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરી દીધું છે. આ ઉનાળુ વેકેશન 15 જૂન સુધી ચાલુ રહેશે.
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર સરકારે ધોરણ 1-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે 2 મેથી 12 જૂન સુધી ઉનાળાની રજાઓ જાહેર કરી છે. નવા સત્રની શરૂઆત 13 જૂનથી થશે.
મધ્યપ્રદેશ: અહીં 1 મેથી 14 જૂન સુધી ઉનાળુ વેકેશન ચાલુ રહેશે.