સિંગલ ફાધર્સની સ્ટ્રગલ:બાળકો પૂછે છે, ‘મમ્મી ક્યારે આવશે?.. આ પ્રશ્નનો જવાબ આપવો એ કોઈ પરીક્ષાથી કમ નથી’

પારુલ રાંઝા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘણા બાળકોના પિતા, માતાની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ સિંગલ ફાધર્સ માટે કામની સાથે બાળકોનું પણ ધ્યાન રાખવું એ કોઈ સરળ વાત નથી, તેમ છતાં તેઓ સંતાનને માતાની કમી ના થાય તે માટે હસતા મોઢે જવાબદારી ઉપાડે છે. ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે ઘણા સિંગલ ફાધર્સ સાથે વાતચીત કરી અને તેમની સ્ટ્રગલ જાણી...

ત્રણ બાળકોને બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યા
ઉત્તર પ્રદેશના ઈન્ડસ્ટ્રીયલિસ્ટ મોહન સિંહ સિંગલ પેરેન્ટ છે. તેમણે અનેક મુશ્કેલી હોવા છતાં પણ બાળકોની પ્રગતિમાં કોઈ અડચણ આવવા ના દીધી. પત્નીના મૃત્યુ પછી બીજા લગ્નની ના પાડી માતા-પિતાનો પ્રેમ બાળકોને આપ્યો. બાળકોને માતાનો પ્રેમ આપીને ત્રણ બાળકોને બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યા.

મોહન સિંહે કહ્યું, 32 વર્ષ પહેલાંની વાત છે, મારા ત્રણ બાળકો 4,6 અને 8 વર્ષનાં હતાં. અચાનક પત્નીને હાથમાં ઇન્ફેક્શન થયું. નોઈડાની કૈલાશ હોસ્પિટલ, દિલ્હીની ગંગારામ અને એઇમ્સમાં સારવાર કરાવી, પણ તેને બચાવી ના શક્યા. અમારા નસીબમાં આ જ લખાયેલું હતું, પણ ખરાબ સ્થિતિમાં મેં મારી જાતને સંભાળી અને મારાં સંતાનો માટે જીવવાનું નક્કી કર્યું. બાળકોને એકલાં સાચવવા એ સરળ વાત નથી ઘણો સંઘર્ષ કર્યો. મારા દીકરાએ પણ મને પૂરો સાથ આપ્યો. આજે મારા બે દીકરા બિઝનેસમેન અને એક કોલેજમાં પ્રોફેસર છે.

મોહન સિંહે કહ્યું, હું બાળકોની સાથે તેમનો પિતા બનીને નહીં પણ મિત્ર બનીને રાહુ છું. ક્યારેય હું ખોટા રસ્તે ચાલ્યો નથી. ત્રણેય સંતાનોના મેરેજ થઈ ગયા છે અને હું દાદા બની ગયો છું.

બધી વસ્તુઓ બેલેન્સ કરતા શીખી ગયો
ચંદીગઢના ગુમાન સિંહ તેમની બે દીકરીઓને સંસ્કાર આપવાની સાથે બીમાર પડે તો ધ્યાન રાખે, ભોજન કરાવે, અભ્યાસમાં એકલા જ ધ્યાન રાખે છે. તેઓ પિતા બનીને ગુસ્સો પણ કરે છે અને બીજી જ મિનિટે માતા બનીને વ્હાલ પણ કરે છે.

ગુમાન સિંહે કહ્યું, ‘એક વર્ષ સુધી કેન્સર સામે લડતાં લડતાં મારી પત્ની જિંદગીની લડાઈ હારી ગઈ. ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે મારે દીકરીઓનો ઉછેર કરવાનો છે. સવારે તેમને સ્કૂલ માટે તૈયાર કરવાથી લઈને વાળ ઓળવા સહિત દરેક કામ કરું છું. આ જવાબદારી દરમિયાન કરિયર પર ધ્યાન આપવું થોડું મુશ્કેલ બને છે, પણ બધી વસ્તુઓ બેલેન્સ કરતા શીખી ગયો છું.’

ગુમાનની 6 વર્ષની દીકરી તેને પૂછે છે, ‘પપ્પા, મમ્મી જોબ પરથી ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ આપવો એ મારા માટે કોઈ પરીક્ષાથી કમ નથી. આંખોમાં દુઃખ છુપાવીને મોઢા પર હંમેશાં સ્માઈલ રાખું છું. મારી દીકરીઓ હવે ઇમોશનલી ઘણી સ્ટ્રોંગ બની ગઈ છે અને તે તેની ઉંમરનાં બીજાં બાળકોની સરખામણીએ વધારે ઈન્ડિપેન્ડન્ટ છે.’

દેશમાં 12.5% સિંગલ પેરેન્ટ ફેમિલી
સંયુક્ત રાષ્ટ્ર મહિલા( UN વીમેન)ના રિપોર્ટ પ્રમાણે, દેશનાં 4.5% ઘર સિંગલ મધર્સ ચલાવે છે. સિંગલ મધર્સની સંખ્યા 1.3 કરોડ છે, 3.2 કરોડ મહિલાઓ જોઈન્ટ ફેમિલીમાં રહે છે. 46.7% ફેમિલીમાં કપલ્સ અને બાળકો રહે છે. 31% જોઈન્ટ ફેમિલીમાં રહે છે. સિંગલ પેરેન્ટ ફેમિલી 12.5% છે. દુનિયામાં 10.13 કરોડ પરિવારમાં સિંગલ મધર્સ તેમનાં બાળકો સાથે રહે છે.

સિંગલ ફાધર્સ માટે પેરેન્ટિંગ ટિપ્સ

  • બાળકોના ઉછેર દરમિયાન પ્લાનિંગનું ધ્યાન રાખો.
  • રોજ ઓફિસનું કામ અને બાળકો સાથે સમય પસાર કરવાનું રૂટિન નક્કી કરો.
  • સ્ટ્રેસ અને ડિપ્રેશનથી બચવા માટે રોજ મેડિટેશન અને એક્સર્સાઈઝ કરો.
  • પોતાની સરખામણી બીજા પેરેન્ટ્સ સાથે ના કરો.
  • સિંગલ પેરેન્ટ્સના ગ્રુપમાં રહો.
  • બાળકોને સમજાવો કે આપણી ફેમિલીમાં માતા નથી. બાળકોને એકલા હોવાનો અનુભવ ના થવા દો.