સેક્સ એજ્યુકેશન અને સેક્સને લગતી સમસ્યાઓ આપણા જીવનનો એક એવો વિષય છે કે, જેના વિશે ન તો સ્કૂલમાં યોગ્ય રીતે ભણાવવામાં આવે છે કે ન તો કોઈ તેના વિશે વાત કરવાનું પસંદ કરે છે. યોગ્ય માહિતીના અભાવના કારણે લોકોએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બોલિવુડ આવા જ કિસ્સાઓ પર ફિલ્મ બનાવીને લોકોની આ માનસિકતાને દૂર કરવાના શક્ય તેટલા પ્રયાસ કરે છે. આ મુદ્દાઓ એટલા ગંભીર છે કે, તેના પર ખુલીને વાત થવી જરુરી છે. ‘જનહિત મે જારી’, ‘મેડ ઈન ચાઈના’ જેવી 7 ફિલ્મો છે કે, તેઓએ આ પ્રકારનાં મુદ્દાઓની ગંભીરતાને ફિલ્મમાં પ્રદર્શિત કરી છે.
કૉન્ડમ ટેસ્ટરની નોકરી કરનાર યુવતી બાળકોને સેક્સ એજ્યુકેશન આપી રહી છે
હાલમાં જ OTT પર રિલીઝ થનારી એક ફિલ્મ ‘છત્રીવાલી’ એક એવી ફિલ્મ છે કે, જેમાં એક કેમેસ્ટ્રી જીનિયસ યુવતી સાન્યા (રકુલપ્રીત સિંહ) બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાનું નક્કી કરી લે છે અને વિદ્યાર્થીઓની આ વિષય સંબંધિત તમામ મૂંઝવણો દૂર કરવાનો પ્રયાસ કરે છે. સાન્યાને પણ શરુઆતમાં કૉન્ડમની વાત કરવામાં તકલીફ પડે છે.
સાન્યા કેમેસ્ટ્રીનાં ટ્યૂશન કરાવે છે. તેને કૉન્ડમ ટેસ્ટરની નોકરી મળે છે. ઘરનો ખર્ચ તે જ નોકરી પર ટકેલો હોય છે પણ તે ઘરે પોતાની નોકરી વિશે ખુલાસો કરતી નથી. લગ્ન પછી તે પોતાના પતિને પણ કૉન્ડમનો ઉપયોગ કરવા માટે રાજી કરી લે છે. આજુબાજુની મહિલાઓને પણ તેના ફાયદા જણાવીને તેનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપે છે. આ સાથે જ મેડિકલ સ્ટોર પર કૉન્ડમ ખરીદનાર લોકોની સંખ્યા વધી.
બાળકો જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે ત્યારે તેમના શરીરમાં થતા શારીરિક ફેરફાર તેઓમાં ઉત્સાહનાં લેવલને વધારી દે છે. તે જાણવા આતુર હોય છે કે, આખરે તેના શરીરમાં જે થઈ રહ્યું છે, તે શું છે? જીવવિજ્ઞાન ભણાવતા શિક્ષકો પણ પ્રજનન અંગોનો પાઠ ઉતાવળે અને કંઈપણ સમજાવ્યા વિના પૂરો કરીને નીકળી જાય છે. ફિલ્મ ‘છત્રીવાલી’ની રસપ્રદ બાબત એ છે કે, તે આ સમસ્યાને જડમૂળથી પકડીને તેના નિરાકરણ સુધી પહોંચે છે.
કૉન્ડમ વેચનારી યુવતીની આસપાસ ‘જનહિત મે જારી’
વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જનહિત મે જારી’ એક શ્રેષ્ઠ ફિલ્મ હતી, જેમાં કૉન્ડમનો ઉપયોગ કેટલો જરુરી છે? તે જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મ મનોકામના ત્રિપાઠીના પાત્રની આસપાસ જ છે, જેને નૂસરત ભરુચાએ ભજવ્યુ હતુ. નુસરત ફિલ્મમાં મધ્યપ્રદેશની લોકલ કૉન્ડમ નિર્માતા કંપની માં સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ બની હતી., જે નિરોધ વેચવાનું કામ કરી રહી હતી.
આ ફિલ્મને હ્યુમરની સાથે ઈમોશનલ ટચ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મનો દુખદ વળાંક ફિલ્મની હિરોઈનને જવાબદારી સાથે કામ કરવા માટે પ્રેરણા આપે છે. શું તે પોતાનો પરિવાર કે, જે રુઢિવાદી વિચારધારાઓમાં ડૂબેલો છે તેની આ માનસિકતા દૂર કરીને પોતાના સપોર્ટમાં લાવી શકશે કે પછી તેણે એકલીએ જ બધાનો સામનો કરવો પડશે? આ ફિલ્મમાં એક મહત્વનો પ્રશ્ન રહ્યો હતો.
સેક્સ પાવર વધારવાની દવા પર આધારિત હતી ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ
મિખિલ મુસલે નિર્દેશિત ‘મેડ ઈન ચાઈના’ વર્ષ 2019ની બોલીવુડ ડ્રામા છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ ગુજરાતનો એક સંઘર્ષશીલ વેપારીની ભૂમિકા ભજવી રહ્યો હતો તો બીજી તરફ મૌની રોય મુંબઈની રહેવાસી હોય છે કે, જે રાજકુમાર રાવ સાથે લગ્ન કરીને અમદાવાદ આવે છે. તે રાજકુમાર રાવને ચીન જવા માટે મનાવી લે છે, જેથી તે વેપારને આગળ વધારી શકે. જે પછી રાજકુમાર રાવ ચીન જાય છે અને ત્યાં જઈને સેક્સ પાવર વધારવાની દવા વેચવાનો બિઝનેસ શરુ કરે છે.
શુભ મંગલ સાવધાનથી લઈને પેડમેન, વિક્કી ડોનર જેવી ફિલ્મો સેક્સનાં મુદ્દાઓ પર બની
રોમાન્ટિક કોમેડી ફિલ્મ શુભ મંગલ સાવધાન એ સેક્સ એજ્યુકેશનનાં મુદ્દા પર આધારિત એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે, જેમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ સિવાય ‘ખાનદાની શફાખાના’ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક સેક્સ ક્લિનિક ચલાવતી જોવા મળી હતી અને યોન સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવતી હતી.
એક તરફ અક્ષય કુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂર સ્ટારર ફિલ્મ પેડમેન સ્વાસ્થ્ય અને પીરિયડ્સ હાઈજીન પર જાગૃતિ ફેલાવે છે. તો બીજી તરફ સ્પર્મ ડોનેશન અને ઈનફર્ટિલિટીનાં વિષય પર રિલીઝ થયેલી ‘વિક્કી ડોનર’માં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.