• Gujarati News
  • Lifestyle
  • Australian Cricketers Celebrate By Drinking Alcohol From Their Shoes? The Practice Is Hundreds Of Years Old, With Champagne Being Drunk From Prostitutes' Sandals.

SHOEY સેલિબ્રેશન:ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ જૂતાંમાંથી દારૂ પીને સેલિબ્રેટ કર્યું એનાથી ચીતરી ચડી? આ પ્રથા તો સૈકાઓ જૂની છે, ગણિકાઓનાં સેન્ડલમાંથી શૅમ્પેન પીવાયાના દાખલા છે

22 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપમાં પહેલીવાર શાનદાર જીત મળ્યા પછી ઓસ્ટ્રેલિયનો ગાંડા થયા. આપણી દેશી ભાષામાં કહીએ તો ‘છાકટા થયા’. આખી રાત એ લોકોએ ડ્રેસિંગ રૂમમાં દારૂની છોળો ઉડાવીને પાર્ટી કરી. પરંતુ એમાં એક વીડિયો એવો વાઇરલ થયો કે જેને જોઇને ભલભલા લોકોને ચીતરી ચડી ગઈ. વિકેટકીપર મેથ્યુ વેડ અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસે જૂતાંમાં દારૂ રેડીને સીધું જૂતું જ મોઢે માંડ્યું! હા, એમણે મેચમાં પહેરેલા પોતાના સ્પોર્ટ શૂને જ પ્યાલો બનાવ્યો અને તેમાંથી દારૂ ગટગટાવી ગયા. આ વીડિયો ખુદ ICCએ શૅર કર્યો અને વીજળીવેગે વાઇરલ થયો. ખુદ શોએબ અખ્તર જેવાઓએ પણ ‘છી છી’ કરીને કચવાટ વ્યક્ત કર્યો કે આવું ગંદું સેલિબ્રેશન તે કંઈ હોતું હશે?

તરત જ ખાંખતિયાઓ શોધી લાવ્યા કે સેલિબ્રેશન કરવાની આ વિચિત્ર પદ્ધતિને ‘શૂઈ’ (Shoey) કહે છે. એટલું જ નહીં, તેનાં મૂળિયાં સૈકાઓ જૂનાં છે. કાં તો સેલિબ્રેશનના નામે, યા તો સજાના ભાગરૂપે અથવા પછી સારું નસીબ આવે એ માટે જૂતાંમાંથી દારૂ પીવાની પ્રથા છેક મધ્યયુગથી ચાલી આવે છે. રશિયા, જર્મનીથી લઇને છેક અમેરિકા સુધી આ વિચિત્ર પરંપરા ચાલતી આવી છે. પરંતુ અત્યારે ખાસડાંમાંથી સબડકા બોલાવવામાં ઓસ્ટ્રેલિયનો સૌથી આગળ છે.

બે વર્ષ પહેલાં પોસ્ટ મેલોની નામનો રેપર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ચિક્કાર ઓડિયન્સની સામે પર્ફોર્મ કરી રહ્યો હતો. અચાનક ઓડિયન્સને શૂરાતન ચડ્યું ને ‘શૂઈ... શૂઈ...’ની બૂમો પડવા લાગી. આ રેપર ભાઈ પણ મોજમાં હતા. એણે પબ્લિકમાંથી જ કોઇનું જૂતું મંગાવ્યું (અને એકથી વધુ જૂતાં ફેંકાયાં!). ઓડિયન્સમાંથી જ કોઇની પાસેથી બિયરનો ગ્લાસ લીધો. એક જૂતામાં બિયર રેડીને આખું જૂતું છલોછલ ભર્યું, ને સૌની સામે એક ઘૂંટડે ગટગટાવી ગયો. એ સાથે જ પબ્લિકે એને ચિચિયારીઓથી વધાવી લીધો. એના એક જ અઠવાડિયા પહેલાં મેલબર્નમાં બીજા એક સિંગરે હજારોની ઓડિયન્સ વચ્ચે આ રીતે ટકીલા નામનું મેક્સિકન પીણું જૂતામાંથી ગટગટાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન F1 રેસર ડેનિયલ રિકાર્ડોએ રેસ જીત્યા પછી પોતાનું જ શૂ કાઢીને તેમાંથી શેમ્પેન પીધો હતો
ઓસ્ટ્રેલિયન F1 રેસર ડેનિયલ રિકાર્ડોએ રેસ જીત્યા પછી પોતાનું જ શૂ કાઢીને તેમાંથી શેમ્પેન પીધો હતો

એ પહેલાં 2016માં ઓસ્ટ્રેલિયાના ફોર્મ્યૂલા વન ડ્રાઇવર ડેનિયલ રિકાર્ડોએ ‘જર્મન ગ્રાં પ્રી’માં પહેલીવાર પોડિયમ ફિનિશ હાંસલ કર્યું, ત્યારે આ રીતે જૂતાંમાં બિયર ભરીને ‘શૂઈ’નું પ્રદર્શન કરેલું.

આવું ચસકેલા સ્પોર્ટ્સ પર્સન્સ કે ગાયકો જ કરતાં હશે એવું માનતા હો તો આ નાનકડું લિસ્ટ જોઈ જાઓઃ એક્ટર્સ જેરાર્ડ બટલર, હ્યુ ગ્રાન્ટ, કોમેડિયન જિમી ફેલન, ‘સ્ટાર ટ્રેક’ અને ‘એક્સ મેન’થી જાણીતા સિનિયર એક્ટર પેટ્રિક સ્ટેવર્ટ જેવા એક્ટર્સ અને અનેક સંગીતકારોએ પણ આ રીતે જૂતાંમાંથી મદિરાપાન કરેલું છે.

એક્ટર હ્યુ ગ્રાન્ટ અને કોમેડિયન જિમી ફેલનનું લાઇવ શૉમાં ‘શૂઈ’
એક્ટર હ્યુ ગ્રાન્ટ અને કોમેડિયન જિમી ફેલનનું લાઇવ શૉમાં ‘શૂઈ’

જૂતાંમાંથી પીઓ અને યુદ્ધમાં જીતો
વિવિધ સ્રોત ટાંકીને એન્સાઇક્લોપીડિયા નોંધે છે કે પહેલા વિશ્વયુદ્ધમાં જર્મન સૈનિકો સારા નસીબ માટે અને નવા જોડાયેલા યુવા સોલ્જરનું રેગિંગ કરવા માટે આ ‘શૂઈ’નો વિધિ કરતા. દરેક વખતે યુદ્ધમાં જતાં પહેલાં સૈનિકો પોતપોતાનાં જૂતાંમાં શુદ્ધ જર્મન બિયર રેડીને ગટકાવી જતા. યુદ્ધમાં જીત્યા પછી સૈનિકો પોતાના જનરલનાં જૂતાંમાંથી બિયરનું આચમન કરતા. એ વાત અલગ છે કે પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીની ભૂંડી હાલત થઈ અને તેના તોતિંગ કરવેરાથી ત્રાહિમામ જર્મન પ્રજાને ન્યાય અપાવવાના નામે જ હિટલર નામના દૈત્યનો જન્મ થયો.

અને ‘યુદ્ધમાં જીતો તો તમારું જૂતું ને મારો દારૂ’
જર્મનીમાં તો આજની તારીખે પણ ‘બિએરસ્ટિફેલ’ એટલે કે ‘બિયર બૂટ’ તરીકે ઓળખાતા કાચના બિયરના ગ્લાસ મળે છે. એવું કહેવાય છે કે જર્મનીના પ્રશિયાના એક જનરલે પોતાના સૈનિકોને ઓફર મૂકેલી કે તમે ફલાણું યુદ્ધ જીતી આવશો તો હું તમારાં જૂતાંમાંથી બિયર પીશ. નસીબનું કરવું ને સૈનિકો એ યુદ્ધ જીતી આવ્યા. એટલે પોતાની શરત પૂરી કરવા માટે તે જનરલે ‘નરો વા કુંજરો વા’ જેવો રસ્તો કાઢ્યો. એણે પોતાના માટે ‘બિએરસ્ટિફેલ’ નામનું કાચનું જૂતું બનાવડાવ્યું અને એમાંથી બિયર પીધું. એ જનરલ તો ઇતિહાસનાં પાનાંમાં ખોવાઈ ગયો, પણ કાચના બિયર બૂટની પ્રથા આજે પણ બિયરનાં ફીણની જેમ ઊછળે છે.

જર્મનીમાં મળતાં ‘બિયર બૂટ્સ’
જર્મનીમાં મળતાં ‘બિયર બૂટ્સ’

રશિયન વોડકાથી ફ્રેન્ચ શેમ્પેઇન
19મી સદીના ઉત્તરાર્ધમાં રશિયામાં પણ શૂઈના બનાવો નોંધાયેલા છે. રશિયાનું ફેવરિટ પીણું છે વોડકા. ત્યાંનાં મોસ્કોમાં આવેલા ‘બોલ્શોઈ બેલે’ નામના જાણીતા પબમાં ટલ્લી થયેલા દર્શકો પોતાની પ્રિય બેલે ડાન્સરોનાં સાટિનનાં સ્લિપર તરીકે ઓળખાતાં જૂતાંમાં વોડકા નાખીને તેમના પ્રત્યે પોતાનો અહોભાવ પ્રગટ કરતા. એ જ અરસામાં પેરિસમાં બેલે ડાન્સરોનાં જૂતાંમાં શેમ્પેન રેડીને એમના ચાહકો તેમનું ‘ચરણામૃત’ લેતા. આ પ્રથાને અંજલિ આપતા હોય એમ ફ્રાન્સના પ્રખ્યાત ડિઝાઇનર ક્રિશ્ચિયન લુબટને શેમ્પેન બનાવતી કંપની ‘પાઇપર-હાઇડસિક’એ ઈ.સ. 1999માં ‘લૅ રિચ્યુએલ’ નામની શેમ્પેનની લિમિટેડ એડિશન બોટલ બહાર પાડેલી. તેની કિંમત હતી 37 હજાર રૂપિયા. આ બોટલની સાથે કાચનું હાઈ હીલ સેન્ડલ પણ બોક્સમાં આપવામાં આવતું!

‘લૅ રિચ્યુએલ’ નામની કાચના હાઈ હીલ સેન્ડલ સાથેની મોંઘેરી લિમિટેડ એડિશન શૅમ્પેન બોટલ
‘લૅ રિચ્યુએલ’ નામની કાચના હાઈ હીલ સેન્ડલ સાથેની મોંઘેરી લિમિટેડ એડિશન શૅમ્પેન બોટલ

અમેરિકાના સૌથી મોટા વેશ્યાગૃહમાં શૂઈ
1900ની સાલમાં એડા અને મીના એવરલે નામની બે બહેનોએ અમેરિકાના શિકાગોમાં એકદમ વૈભવી વેશ્યાગૃહ શરૂ કરેલું. તેને નામ આપેલું ‘એવરલે ક્લબ’. ત્રણ માળના આ વેશ્યાલયમાં 50 બેડરૂમ, એક વિશાળ બૉલરૂમ, આર્ટ ગેલેરી, લાઇબ્રેરી જેવી સગવડો મોજૂદ હતી. તેમાં સોને મઢેલો (એ વખતે) 15 હજાર ડૉલર કિંમત ધરાવતો પિયાનો પણ હતો. કોઇપણ સમયે આ વેશ્યાગૃહમાં બે ડઝનથી પણ વધારે ગણિકાઓ પોતાના ગ્રાહકોને ‘સેવા’ આપવા માટે એક કૉલ પર તૈયાર રહેતી. અત્યારે તો આ એવરલે ક્લબની ઝાંખી-પાંખી તસવીરો જ ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથીયે તેનો વૈભવ કલ્પી શકાય તેવો છે. આ વેશ્યાગૃહ માત્ર 12 વર્ષ (1900-1911) ચાલ્યું, પરંતુ આખા અમેરિકાના સૌથી વૈભવી વેશ્યાગૃહની ‘ખ્યાતિ’ હાંસલ કરેલી.

જ્યાંથી અમેરિકામાં ‘શૂઈ’નો ક્રેઝ ફેલાયો તે અમેરિકાના સૌથી મોટા વેશ્યાગૃહ ‘એવરલે ક્લબ’નો ગ્રાન્ડ બૉલરૂમ
જ્યાંથી અમેરિકામાં ‘શૂઈ’નો ક્રેઝ ફેલાયો તે અમેરિકાના સૌથી મોટા વેશ્યાગૃહ ‘એવરલે ક્લબ’નો ગ્રાન્ડ બૉલરૂમ

ઈ.સ. 1902માં જર્મનીના પ્રશિયાના તત્કાલીન પ્રિન્સ હેનરી એક બિઝનેસ ટ્રિપ માટે અમેરિકાની મુલાકાતે હતા. એમણે આ વેશ્યાગૃહમાં આનંદિત થવાની માગણી કરી. એના અને ઇડા બહેનોએ પોતાના આ મોંઘેરા વિદેશી મહેમાન અને તેમના સમગ્ર રસાલાની સરભરા માટે બૉલરૂમમાં નાચગાનના ભવ્ય જલસાનું આયોજન કર્યું. આ માટે બેસ્ટ ડાન્સરોને કામે લગાવાઈ. આવી એક ડાન્સરે બૉલરૂમના મેહોગની લાકડાંના ટેબલ પર ચડીને ડાન્સ કરવો શરૂ કર્યો. ‘સિન એન્ડ ધ સેકન્ડ સિટી’ નામના 2008ના પુસ્તકમાં કેરન એબટ નામની લેખિકા લખે છે કે, ‘ટેબલ પર વૉલ્ટ્સ ડાન્સ કરતી વખતે તે નૃત્યાંગનાના પગ જાણે કાતર ફરતી હોય એ રીતે ઉપર-નીચે થતા હતા. એમાં એક સ્ટેપ વખતે એનું એક હાઈ હીલ સેન્ડલ પગમાંથી છૂટું પડીને હવામાં ઊછળ્યું અને હૉલમાં રાખેલી એક શૅમ્પેનની બોટલ સાથે અથડાયું. એમાંથી થોડો શૅમ્પેન સેન્ડલમાં ઢોળાયો. એ જોઇને ત્યાં હાજર એડોલ્ફ નામના યુવાને એ સિલ્વર સેન્ડલ ઉઠાવીને તેમાંનું શૅમ્પેન ગટગટાવી ગયો. સાથે એવુંય કહ્યું કે, પ્રિય ડાન્સરનાં પગ ભીના ન થવા જોઇએ!’

આ જોઇને પ્રિન્સ હેનરીનો આખો રસાલો ઊભો થયો, પોતપોતાની બાજુમાં ઊભેલી ગણિકાનું સેન્ડલ હાથમાં લીધું, તરત જ એમાં શૅમ્પેન રેડાયા અને સૌ ખુશખુશાલ ચહેરે એમાંથી ગટગટાવી ગયા! વિખ્યાત લેખક અરવિંગ વૉલેસે આ વેશ્યાગૃહ એવરલે ક્લબ પર ‘ધ ગોલ્ડન રૂમ’ નામની નવલકથા લખેલી, તેમાં પણ આ પ્રસંગનું વર્ણન છે.

કહે છે કે એવરલે ક્લબની એ ઘટના પછી આખા અમેરિકામાં આ રીતે યુવતીઓનાં સેન્ડલમાંથી દારૂ પીવાની ફેશન ‘વાઇરલ’ થઈ ગઈ.

હોલિવૂડની એક્ટ્રેસ ટલુલા બેન્કહેડનું 1951નું શૂઈ
હોલિવૂડની એક્ટ્રેસ ટલુલા બેન્કહેડનું 1951નું શૂઈ

બહુ જાણીતો પ્રસંગ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનામાં હોલિવૂડની મશહૂર હિરોઇન ટલુલા બેન્કહેડે 1951માં લંડનની રિટ્ઝ હોટેલમાં સેન્ડલમાંથી શૅમ્પેન પીધો હતો.

ધીમે ધીમે આ પ્રથા આખી દુનિયામાં પ્રસરતી ગઈ. આપણે ત્યાં લગ્નોમાં વરરાજાનાં જૂતાં ચોરવાની પ્રથા છે, તેમ યુક્રેનમાં દુલ્હનનાં જૂતાં ચોરીને તેમાં વોડકા પીવાની પરંપરા છે!

મલેશિયન ગ્રાં પ્રીના સ્ટેડિયમમાં જ ઓસ્ટ્રેલિયન યુવાનોએ મલેશિયાના રાષ્ટ્રધ્વજનો અન્ડરવેર પહેરીને શૂઈ કર્યું અને ધરપકડ વહોરવી પડી
મલેશિયન ગ્રાં પ્રીના સ્ટેડિયમમાં જ ઓસ્ટ્રેલિયન યુવાનોએ મલેશિયાના રાષ્ટ્રધ્વજનો અન્ડરવેર પહેરીને શૂઈ કર્યું અને ધરપકડ વહોરવી પડી

2016માં અગાઉ જેની વાત કરી તે ઓસ્ટ્રેલિયન ફોર્મ્યૂલા વન રેસિંગ ડ્રાઇવર ડેનિયલ રિકાર્ડો મલેશિયન ગ્રાં પ્રીમાં ભાગ લેવા ગયેલો. જેવો એ રેસ જીત્યો કે ઓસ્ટ્રેલિયાથી આવેલા નવ જુવાનિયાઓ ભારે તાનમાં આવીને ઊજવણી કરવા લાગ્યા. એમણે જાહેરમાં જ એક પછી એક પોતાનાં બધાં કપડાં ઉતારી નાખ્યાં. ખબર પડી કે સૌએ અંદર મલેશિયાના રાષ્ટ્રધ્વજનો જાંઘિયો પહેરેલો હતો! એટલું જ નહીં, બધાએ ત્યાં ને ત્યાં પોતપોતાનાં જૂતાંમાં દારૂ રેડીને ગટગટાવ્યો અને આ રીતે શૂઈ કરીને સેલિબ્રેટ કર્યું. જોકે પરિણામ વરવું આવ્યું. રૂઢિચુસ્ત મલેશિયન ઓથોરિટીએ આ નવેનવ જુવાનિયાઓ સામે કાર્યવાહી કરી. એમની ધરપકડ થઈ અને બે રાત જેલના સળિયા પાછળ કાઢવી પડી. પછી કોર્ટમાં લેખિતમાં માફી માગ્યા બાદ જ આ નવ ઓસ્ટ્રેલિયનોને દેશ છોડવાની પરવાનગી આપવામાં આવી!

અન્ય સમાચારો પણ છે...