કામના સમાચાર:પરસ્પર સહમતીથી છૂટાછેડા કઈ રીતે લઈ શકાય? તેમાં બાળકોની કસ્ટડી કોને મળે?

23 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા
 • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં 66 વર્ષિય પૂર્વ ક્રિકેટર અરુણ લાલે 38 વર્ષની બુલબુલ સાહા સાથે લગ્ન કરી લીધાં હતાં. અરુણ અને બુલબુલ સાહાનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. આ લગ્ન અરુણની પહેલી પત્ની રીનાની મરજીથી કરવામાં આવ્યા છે. અરુણે પહેલી પત્ની રિના સાથે સંમતિથી છૂટાછેડા લીધા હતા. રિના બીમાર હોઈ હાલ અરુણ તેમની સાથે જ રહે છે.

આજના કામના સમાચારમાં એડવોકેટ ચીકીશા મોહંતી અને આદિત્ય કાલા પાસેથી જાણીએ કે પરસ્પર સહમતીથી છૂટાછેડા કેવી રીતે થાય છે? કાયદાકીય પ્રક્રિયા શું છે?

પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો શું મતલબ છે?
લગ્ન બાદ જયારે પતિ-પત્ની પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કરે છે અને છૂટાછેડાની અરજી આપે છે, ત્યારે આ સ્થિતિને સહમતીથી છૂટાછેડા કહેવામાં આવે છે. હિંદુ મેરેજ એક્ટની કલમ 13 (b) પરસ્પર સંમતિથી છૂટાછેડાની પ્રક્રિયા સાથે કામ કરે છે.

સહમતીથી છૂટાછેડા કેવી રીતે લઇ શકાય છે?

સમગ્ર પ્રકિયા જાણીએ

 • સૌથી પહેલાં પતિ-પત્ની એક જોઈન્ટ પિટિશન ફેમિલી કોર્ટમાં દાખલ કરે છે. તેના પર બંનેની સહી હોવી જોઈએ.
 • અરજીમાં બંનેનું સંયુક્ત નિવેદન પણ હોય છે. જેમાં પતિ-પત્ની કહે છે કે બંને સાથે રહી શકશે નહીં. આ અરજીમાં બાળકો અને મિલકતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોય છે.
 • જ્યારે નિવેદન નોંધવામાં આવે છે, ત્યારે કોર્ટ સમક્ષ બંનેએ કાગળ પર સહી કરવાની હોય છે.
 • કોર્ટ બંને પક્ષકારોને સમાધાન કરવા માટે 6 મહિનાનો સમય આપે છે.
 • જો 6 મહિના પછી પણ બંને વચ્ચે સમાધાન ન થાય તો અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવે છે.

બીજી અરજી માટે કોર્ટમાં આવવું પડે છે

 • બીજી અરજી, પહેલી અરજી કર્યાના 18 મહિનાની અંદર જ કરવી પડશે. જો 18 મહિનાની અંદર અરજી કરવામાં ના આવે તો કોર્ટ છૂટાછેડાના આદેશને પસાર કરશે નહીં.
 • છૂટાછેડાનો આદેશ પાસ થાય તે પહેલાં કોઈપણ પક્ષકાર તેની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કોઈપણ સમયે છૂટાછેડાની સંમતિ પાછી ખેંચી શકે છે.
 • જો પતિ-પત્ની વચ્ચે સંપૂર્ણ સમજૂતી ન હોય અથવા કોર્ટ કોઈપણ બાબતે સંતુષ્ટ ન હોય તો છૂટાછેડાનો આદેશ આપી શકાય નહીં.
 • જો કોર્ટ ઇચ્છે તો છેલ્લા તબક્કે છૂટાછેડાનો આદેશ આપી શકે છે.

આ નિયમનું પણ રાખો ધ્યાન

 • જો તમે ઈચ્છો તો કોર્ટ તરફથી મળનાર 6 મહિનાના સમયને ઓછો કરવા માટે અરજી આપી શકો છો.
 • તમારે પહેલી અરજી દાખલ કર્યા પછી 18 મહિનાની અંદર બીજી અરજી દાખલ કરવી પડશે. જો તે 18 મહિનાથી વધુ સમય હોય તો તમારે પ્રથમ અરજી ફરીથી દાખલ કરવી પડશે.
 • જો બીજી અરજી સમયે પક્ષકારો પૈકી એક કેસ પાછો ખેંચી લે છે, તો તેને દંડ થઈ શકે છે.

પરસ્પર સહમતીથી છૂટાછેડા થવાથી શું ફાયદો થાય છે?
પરસ્પર સહમતીથી છૂટાછેડા લેવાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. સહમતીથી છૂટાછેડામાં એ વાતની ચિંતા નથી હોતી કે, પાર્ટનર છૂટાછેડાના કાગળ પર સહી કરશે કે નહીં. પરસ્પર સહમતીથી છૂટાછેડામાં પ્રોપટી કે પૈસાની વધારે માગ કરી શકતા નથી. ​​​

છૂટાછેડા બાદ બાળકોની કસ્ટડી અને પ્રોપર્ટીનો નિર્ણય કેવી રીતે થાય છે?
જો પરસ્પર સહમતીથી છૂટાછેડા થાય છે તો બંને પક્ષોએ બાળકની કસ્ટડીનો મુદ્દો ઉકેલવો પડશે. માતાપિતા પૈકી એક અથવા બંને પરસ્પર સંમતિથી બાળકની કસ્ટડી મેળવી શકે છે. એટલે કે બાળક ક્યારેક પિતા સાથે તો ક્યારેક માતા સાથે રહી શકે છે. આ સ્થિતિમાં માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ બાળક એક સાથે રહે તે માટે એકબીજા પર દાવો કરી શકતા નથી.

મિલકતનો મામલો પણ પરસ્પર સંમતિથી ઉકેલવો પડે છે. જો પત્ની તેના પતિ પર નિર્ભર હોય તો પતિએ ભરણપોષણ ચૂકવવું પડશે. જો જરૂર પડે તો પત્ની પણ કાયદાનો સહારો લઈ શકે છે.

શું છૂટાછેડા વગર બીજાં લગ્ન થઇ શકે?
બીજા લગ્ન માટે છૂટાછેડા લેવા જરૂરી છે. જો તમે છૂટાછેડાની પ્રક્રિયા વગર લગ્ન કરો છો તો આઇપીસી કલમ 494 હેઠળ ગુન્હો ગણવામાં આવે છે. આ માટે તમને 7 વર્ષની સજા પણ આપવામાં આવી શકે છે.