શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને તડકામાં બેસવાનું પસંદ હોય છે. આ ઋતુમાં તડકામાં બેસવાથી ગરમાવાનો અહેસાસ થાય છે. શિયાળાનો તડકો શારીરિક અને માનસિક રીતે ટોનિકનું કામ કરે છે, પરંતુ જો વધારે તડકામાં બેસવામાં આવે તો તમને નુકસાન પણ થઈ શકે છે. આવો... જાણીએ આ વિશે સમગ્ર માહિતી...
ક્યારે અને કેટલા સમય માટે તડકામાં બેસવું જોઈએ?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કોઈ તંદુરસ્ત વ્યક્તિ માટે દિવસમાં 30થી 50 મિનિટ તડકામાં બેસવું ફાયદાકારક છે. તો એ વાત પર નિર્ભર રાખે છે હવામાન કેવું છે અને તડકો કેવો છે. તડકામાં આ સમય સૂર્યપ્રકાશની અનુસાર વધારી કે ઘટાડી શકાય છે. સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન-ડી હાડકાંને મજબૂત બનાવે છે.
સ્કિનના ઇન્ફેક્શન માટે રાણબાણ ઈલાજ
વરસાદની ઋતુમાં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો થાય છે. શિયાળામાં સૂર્યપ્રકાશની મદદથી આ ઈન્ફેક્શન દૂર કરી શકાય છે. જ્યારે ત્વચા સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે બેક્ટેરિયા અને ફંગલ દૂર થાય છે. ખરજવું, સોરાયસીસના દર્દીઓ માટે સૂર્યસ્નાન ખૂબ જ ફાયદાકારક છે.
ઘસઘસાટ ઊંઘ માટે તડકામાં બેસો
જો તમને ઊંઘ નથી આવતી અથવા તો તમે તમારી ઊંઘની ક્વૉલિટી વધારવા માગો છો, તો દરરોજ સન બાથ કરવાનું શરૂ કરી દો. તડકામાં બેસવાથી મેલાટોનિન નામનું હોર્મોન બહાર આવે છે, જેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે.
બીમારીઓ સામે લડવાની શક્તિ આપશે
જો તમે શિયાળાના કેટલાક મહિનાઓ સુધી સતત સન બાથ કરો છો, તો એ તમને આખા વર્ષ દરમિયાન રોગો સામે લડવાની શક્તિ આપશે. સૂર્યપ્રકાશ રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિઝમમાં સુધારો કરે છે.
આ સ્થિતિમાં તડકાથી થાય છે નુકસાન
ઘણી વખત લોકો કલાકો સુધી તડકામાં બેસી રહેવા લાગે છે. એનાથી હૂંફ મળે છે, પરંતુ આ આદત ત્વચા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. દિવસમાં 50 મિનિટથી વધુ સમય તડકામાં બેસવાથી વૃદ્ધત્વ એટલે કે કરચલીઓ થઈ શકે છે. આ સિવાય ખુલ્લા શરીરે તડકામાં બેસવાથી ટેનિંગ થાય છે. યુરોપિયન તડકામાં બેવાથી થતા ટેનિંગને સારું માને છે, પરંતુ ભારતમાં તેને યોગ્ય માનવામાં આવતું નથી. ઘણી વખત સૂર્યનાં વધુપડતાં કિરણો પણ કેન્સરનું કારણ બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.