શિયાળામાં બીમાર થવાના ડરથી લોકો દહીં ખાવાનું છોડી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ માત્ર એક તથ્ય છે કે જો તમે ઠંડીમાં દહીં ખાશો તો તમને શરદી અને ઉધરસ થઈ જશે. બાપુ નેચર ક્યોર હોસ્પિટલના આયુર્વેદ વિભાગના એચઓડી ડો. રશ્મિ ચતુર્વેદી જણાવે છે કે, દહીંમાં સારા બેક્ટેરિયા જોવા મળે છે, જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ સિવાય દહીંમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. શિયાળામાં દહીં ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. તેથી જ ઘણી જગ્યાએ મકર સક્રાંતના દિવસે દહીં ખાવાની પરંપરા છે.
શિયાળામાં તાજુ દહીં ખાવું જોઈએ
શિયાળામાં દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય લંચ પછીનો છે. સામાન્ય રીતે ઉનાળામાં લોકો દહીંને રેફ્રિજરેટરમાં ઠંડુ કરીને ખાય છે, પરંતુ શિયાળામાં તેને ફ્રીજમાં ન રાખો અને માત્ર તાજું દહીં ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ. જો તમે ઈચ્છો તો તેને સવારના નાસ્તામાં રાયતા તરીકે પણ ખાઈ શકો છો. બીજી તરફ, જો કફની સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમારે દહીં ખાવું જોઈએ.
બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ પર કંટ્રોલ કરો
દહીંમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. દહીંમાં રહેલા એમિનો એસિડ મનને શાંત કરે છે, જેના કારણે સ્ટ્રેસ, હાઈપરટેન્શન અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાંરહે છે. જો તમે હાર્ટ પેશન્ટ છો તો ઘરે બનાવેલા દહીંનું સેવન કરવું જ યોગ્ય છે.
પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે
દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે પાચનતંત્રને સારું રાખે છે અને મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે. જ્યારે મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરે છે, ત્યારે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમારું વજન ઓછું કરી રહ્યા છો, તો તેને તમારા ડાયટમાં પણ સામેલ કરો, તેનાથી તમારું પેટ ભરેલું રહેશે અને તમને વારંવાર ભૂખ નહીં લાગે.
મોઢાની દુર્ગંધને દૂર કરશે
દહીંમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા શરીર અને પેટમાં હાજર ખરાબ બેક્ટેરિયા સામે લડે છે અને તેને કંટ્રોલ કરે છે. એટલા માટે રોજ દહીં ખાવાથી શ્વાસની દુર્ગંધની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ દહીં ખાવાથી વજાઇનલ ઇન્ફેક્શનથી પણ રાહત મળે છે.
વધતી ઉંમરની સમસ્યાથી છુટકારો મળશે
દહીંમાં કેલ્શિયમની સાથે-સાથે વિટામિન B5 પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ત્વચા પરના ડાર્ક સ્પોટ્સને ઘટાડવામાં મદદ કરે છે. જો ચહેરા પર ઝીણી રેખાઓ અને કરચલીઓ દેખાય છે, તો તે વૃદ્ધત્વની શરૂઆત હોઈ શકે છે. આ સ્થિતિમાં રોજ દહીં ખાઓ. તેનાથી ત્વચાના સ્નાયુઓ ટાઈટ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.