• Gujarati News
  • Lifestyle
  • Hanging Naked And Beating For Hours, Limbs Stuffed With Chillies; Circumcision Was Also Performed For India, But The Country Did Not Appreciate It

ભાસ્કર રિસર્ચપાકિસ્તાની જેલમાં કેદ રહેલા ભારતીય જાસૂસની જુબાની:નગ્ન હાલતમાં લટકાવીને કલાકો સુધી મારતા, અંગોમાં મરચું ભરતા; ભારત માટે સુન્નત પણ કરાવી, પરંતુ દેશે કદર ન કરી

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક
  • પોતાના પર અમાનુષી અત્યાચાર કરનાર પાકિસ્તાનીઓને પણ માફ કરનારા મોહનલાલે મોરારજી દેસાઈને છેલ્લા શ્વાસ સુધી કેમ માફ ન કર્યા?

‘ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના..’ એક ભારતીય યુવાન અને તેનો સાથી બોર્ડર ક્રોસ કરવા માટે ખાલડાની ચોકી પાસે પહોંચે છે. જાણે જનારાને છેલ્લીવાર વિદાય કરી રહ્યું હોય એમ આકાશવાણી રેડિયો પર આ ગીત વાગી રહ્યું છે. સરસવનાં ખેતરોમાં લપાઈ-છુપાઈને રાત પસાર કરી. હવે પેલો યુવાન અને તેનો સાથી પાકિસ્તાન ટેરેટરીમાં હતા. બંને લાહોરની બસ પકડે છે. બસમાં સવાર પેલા યુવાનના મનમાં ફફડાટ છે. અમંગળનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. આખરે એ જ થયું કે જેની શંકા સળવળતી હતી. રસ્તા પરના એક ગામમાંથી ત્રણ-ચાર હથિયારધારી માણસો આ બસમાં બેસે છે, જેમાંની એક અમરીકસિંહ નામની પરિચિત વ્યક્તિ પણ છે. પેલા યુવાન સાથે અમરીકસિંહ ઔપચારિક વાત કરે છે. સાથે આવેલા હથિયારધારી માણસોની પોતાના સ્મગલર મિત્રો તરીકે ઓળખાણ આપે છે. લાહોર બસસ્ટેન્ડ પર ઊતરતાં જ પેલા યુવાનને હથિયારધારી માણસો-અમરીકસિંહ ‘જમીંદારા’ હોટલમાં લઈ આવે છે. અમરીકસિંહ સિગારેટ પીવાનું બહાનું કાઢીને છટકી જાય છે. પેલા યુવાનની અને તેના સાથીની ધરપકડ થાય છે. તેના બંને હાથ પાછળથી બાંધી દેવામાં આવે છે. એક સૂબેદાર કહે છે: ‘વેલ, મિસ્ટર મોહનલાલ ભાસ્કર, હમ તુમ્હેં 78, નલવા રોડ, જલંધર છાવણી લઈ જઈ રહ્યા છીએ.’

કોણ હતા આ મિસ્ટર મોહનલાલ? ‘મિશન મજનુ’ જેવી એક બીજી સ્પાય થ્રિલર ફિલ્મ બની જાય એવો ફિલ્મી મસાલો આ મોહનલાલની દિલધડક દાસ્તાનમાં ધરબાયેલો છે..

‘મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા..’

'તેરે લહૂ સે સીંચા હૈ, અનાજ હમને ખાયા યહ જઝ્બા-એ-શહાદત, હૈ ઉસી સે હમ મેં આયા'

તારીખ 23 માર્ચના રોજ ભગત સિંહની સમાધિ પર એક યુવાન જોશીલા અંદાજમાં ભગત સિંહને સંબોધિત કરતા કહે છે. લોકોએ ખૂબ વાહવાહી કરી. એ યુવાન સ્ટેજથી નીચે ઊતર્યો એટલે એક અધિકારીએ કહ્યું, દેશ માટે કવિતા વાંચવી બહુ આસાન વાત છે, પણ દેશ માટે મરવું બહું અઘરું છે. પેલા કવિ યુવાને જવાબ આપ્યો: ‘સાહેબ, જ્યારે પણ સીમા પર ગોળીબાર થાય ત્યારે અમને બોલાવી આહવાન કરજો. તમારાથી ચાર પગલાં આગળ ચાલીશ અને જો ભાગી છૂટું તો મને તમે દેશદ્રોહી સમજીને ગોળી મારી દેજો.’

ના, આ કોઈ ફિલ્મી સીન નથી. આ હકીકતની ધરાતલ પર ઊભેલી કથાનો પ્રારંભ છે. આ કથા છે મોહનલાલ ભાસ્કરની. જાંબાઝ ભારતીય જાસૂસ. રીલ લાઈફનો હીરો પણ ક્યાંય ટૂંકો પડે એવા રિયલ લાઈફના હીરો, જેની દિલધડક દાસ્તાન વાંચીને તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય અને તમારી આંખના ખૂણા ભીના થઈ જાય. પંજાબના અબોહર પ્રાંતમાં જન્મેલા મોહનલાલે જાસૂસીના આરોપસર પાકિસ્તાનના લાહોરની કોટ લખપત જેલમાં 14 વર્ષનો જેલવાસ ભોગવ્યો. એ પહેલાં પાકિસ્તાનની જુદી-જુદી જેલોમાં તેમને રાખવામાં આવ્યા હતા. આ જેલોમાં તેમણે જે અમાનુષી અત્યાચાર સહન કર્યો એ સાંભળીને કોઈપણ માણસ થથરી ઊઠે.

કોઈ ભારતીય જાસૂસ પાકિસ્તાનના હાથે પકડાય અને જેલમાં સબડે ત્યારે તેની શી વલે થાય? તેની થથરાવી મૂકે એવી દાસ્તાન મોહનલાલે પોતાની આત્મકથામાં લખી છે. નામ છે, ‘મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા’. 1987માં પ્રકાશિત થયેલી આ ઓટોબાયોગ્રાફિકલ બુકની અત્યારસુધી ચૌદ આવૃત્તિ બહાર પડી ચૂકી છે. અંગ્રેજી, ઉર્દૂ, મરાઠી સહિતની ભાષાઓમાં અનુવાદિત થઈ છે. પોતાને પાકિસ્તાની જેલમાંથી છોડાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત કવિ (અને અમિતાભ બચ્ચનના પપ્પા) ડૉ. હરિવંશરાય બચ્ચનને અર્પણ કરાયેલા આ પુસ્તકમાં તેમણે પાકિસ્તાની જેલોના અનુભવ, ત્યાંનો ભયંકર ત્રાસ, શેતાનને પણ શરમાવે એવા ટોર્ચરની વાત કરી છે. જાણીતા અંગ્રેજી લેખક-પત્રકાર ખુશવંત સિંહે એની પ્રસ્તાવના લખી છે, જેમાં તેમણે લખ્યું છે: ‘મને દુનિયાની તમામ સંપત્તિ આપી દો તોપણ મોહનલાલ ભાસ્કરે પાકિસ્તાનની જેલોમાં જે ભોગવ્યું છે એ હું સહન ન કરી શકું.’ *** પંજાબના અબોહર પ્રાંતમાં પિતા અમીચંદ અને માતા રામબાઈને ઘરે તારીખ 30 નવેમ્બર,1942માં જન્મેલા મોહનલાલ સાહિત્યરસિક જીવ. અંગ્રેજીમાં એમ.એ., બીએડ. થયેલા મોહનલાલ કવિતાઓ રચે. એ સમયે ધર્મવીર ભારતીના તંત્રીપદ હેઠળ નીકળતા ‘ધર્મયુગ’ જેવાં સામયિકોમાં લેખો લખીને મોકલાવે. પણ પાડોશી દેશમાં શું થઈ રહ્યું છે તેની જીજ્ઞાસા અને દેશ માટે મરી ફિટવાની સરફરોશીની તમન્ના તેમને દોરી ગઈ ભારતીય ગુપ્તચર વિભાગના જાસૂસ બનવા તરફ. મોહનલાલને એજન્સી તરફથી ટાસ્ક સોંપવામાં આવે છે: ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાનની પરમાણુ યોજના અંગેની ગુપ્ત માહિતી મેળવી લાવવાનું. 1967 આસપાસની વાત છે આ. લગ્ન કર્યાને હજુ એક વર્ષ પણ માંડ થયું હતું. પોતાના જીવને દાવ પર લગાવીને મોહનલાલ પોતાના સિક્રેટ મિશનનો પ્રારંભ કરે છે. ત્યારે મોહનલાલની ઉંમર હતી માત્ર 24 વર્ષ!

પાકિસ્તાનમાં જાસૂસી કરવા બ્રાહ્મણ મોહનલાલે સુન્નત કરાવી લીધી!
સ્વાભાવિક છે કે પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશમાં હિન્દુ બનીને જાસૂસી ન કરી શકાય. શંકાની સોય મંડરાતી રહે. ખતરો વધુ રહે. એટલે બ્રાહ્મણ પરિવારના મોહનલાલે સુન્નત કરાવી લીધી. નવાઈની વાત એ હતી કે આ વાતની તેમના કોઈ એટલે કોઈ પરિવારજનોને તેમણે ખબર પડવા ન દીધી. મોહનલાલ લખે છે, જાસૂસનું જીવન એટલું એકાંકી અને આત્મકેન્દ્રિત હોય છે કે પોતાની ભેદી દુનિયામાં એ પોતાના પ્રિયજનને પણ એક આછી નજર સુધ્ધાં નાખવા નથી દેતો.

એક વેશ્યાએ પાકિસ્તાન સૈન્યની ગુપ્ત માહિતીઓ લીક કરી નાખી!
જ્યાં શરાબ અને શબાબના જામ પર લોકોના મુકદ્દર બદલે છે એ પાકિસ્તાનનો ગુલબર્ગ વિસ્તાર. નકલી નોટનો કારોબાર ચલાવતો શેખ વહીદ-ઊંચો-પહાડી. સોનાની ફ્રેમનાં ચશ્માં, હાથમાં સોનાની વીંટીઓ.. આ વહીદની ગુલબર્ગસ્થિત કોઠીમાંથી બેગમ વહીદા વેશ્યાલય ચલાવતી હતી. વહીદા એક હાઈપ્રોફાઈલ વેશ્યા હતી. પાકિસ્તાની સૈન્યના-ISIના આલા અધિકારીઓ વહીદાની કોઠીનું ‘આતિથ્ય’ માણી ચૂ્ક્યા હતા. મોહનલાલ એક ગ્રાહકના સ્વાંગમાં પહોંચી ગયા વહીદાની કોઠીમાં. જામની પ્યાલીઓ ટકરાતી ગઈ..બે શરીરો એકબીજામાં ઓગળતાં ગયાં. નશામાં ચૂર બની ગયેલી વહીદા પોતાના સંપર્કમાં આવેલા પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વિશે અનેક ગુપ્ત વાતો કહેવા માંડી. મોહનલાલને ઘણી માહિતી હાથ લાગી ગઈ હતી. સવારે મોહનલાલ વહીદાને અલવિદા કહીને નીકળી ગયા. મનમાં એક મસ્તમજાનું થેંક યુ બોલીને!

‘અમે તારાં હાડકાંમાંથી પણ બધું જ ઓકાવીને જંપીશું’
ગદ્દાર અમરીકસિંહને કારણે પાકિસ્તાની આર્મીના હાથે પકડાઈ ગયેલા મોહનલાલ ભાસ્કરને સૌથી પહેલા લાવવામાં આવે છે લાહોરના ફિલ્ડ ઇન્ટરોગેશન યુનિટમાં. અંધારી ગલીઓમાં પસાર કરતા યુનિટના એક રૂમની અંદર મોહનલાલને લાવવામાં આવે છે. એની બહાર લાલ બલ્બ પ્રકાશિત છે. રૂમમાં એક કદાવર માણસ ખુરસી પર બેઠો હતો, જેનું નામ હતું મેજર એજાઝ મકસૂદ. મોહનલાલને ચાની ઓફર કરતા ખુરસી પર બેસવા કહ્યું. પ્યૂને બાંધેલા હાથ ખોલી નાખ્યા. એજાઝ મકસૂદે વાતની શરૂઆત કરતાં કહ્યું, ‘મિસ્ટર ભાસ્કર, તમે ભણેલા-ગણેલા છો. તમારા લગ્નને હજુ એક વર્ષ પણ નથી થયું. તમને ખબર છે કે આ લાઈનમાં ગમે ત્યારે મોત આવી શકે છે. એવું તે કયું કારણ છે કે તમને આ જાસૂસીનો જોખમી રસ્તો સૂઝયો?’

મેજર સાહેબ, ‘યુ હેવ લવ ફોર યોર કન્ટ્રી, સો યુ કેન અંડરસ્ટેન્ડ ઇટ બેટર.’ (મેજર સાહેબ, તમે પણ તમારા દેશને પ્રેમ કરો છો. એટલે તમે વધારે સારી રીતે સમજી શકશો.) મેજર થોડીવાર માટે તો સ્તબ્ધ થઈ ગયો. પછી ફોસલાવતાં કહ્યું, 'શું કામ પોતાની જાત પર આટલો જુલ્મ કરો છો. કુરાને શરીફની કસમ ખાઈને કહું છું કે ખાલી એકવાર એટલું જણાવી દે કે એટોમિક એનર્જીની ફાઈલ ઈસ્લામાબાદથી હિન્દુસ્તાન પહોંચાડવામાં તને કોણે મદદ કરી હતી. એ ફાઈલ તને કોણે આપી હતી?'

‘માફ કરજો મેજર સાહેબ, પણ મેં કશું કર્યું નથી. તમને કોઈએ ખોટી માહિતી આપી છે.’ મોહનલાલ ભાસ્કરે આપેલા આ જવાબના શબ્દો હજુ તો પૂરા બહાર પણ નહોતા આવ્યા ત્યાં તો મેજરે જોરથી એક લાત મારી. મોહનલાલ ખુરસી સાથે જમીન પર પટકાયા. મેજર ત્રાડૂક્યો, ‘બેવકૂફ, અમરીક સિંહે બધું જ કહી દીધું છે. તું પૂરી તાકાત લગાવી લે, પણ અમે તારાં હાડકાંમાંથી બધું જ ઓકાવીને જંપીશું.’

નગ્ન કરીને મોહનલાલને ઊંધા લટકાવીને માર્યા
મેજરના આદેશ પ્રમાણે, મોહનલાલને હવાલદાર અઝીઝની પાસે લઈ જવામાં આવ્યા. મોહનલાલને નગ્ન કરીને ઊંધા સુવડાવવામાં આવ્યા. ત્રણ જવાન પૈકી એકે પગ પકડી રાખ્યા. બીજો પીઠ પર બેસી ગયો. વૃક્ષની તાજી ડાળથી મોહનલાલને પૂરા દોઢ કલાક સુધી સખત માર મારવામાં આવ્યો. મોહનલાલની ચીસોથી કોટડી ગુંજી રહી હતી. જલ્લાદ જેવા અધિકારીઓ થાકી ગયા હતા, પણ મોહનલાલે એક હરફ સુધ્ધાં નહોતો ઉચ્ચાર્યો. થોડીવારમાં જ બેહોશી છવાઈ ગઈ. ભાનમાં આવ્યા તો મોહનલાલ છ બાય છની એક નાનકડી ઓરડીમાં બંધ હતા. હવે આવી યાતનાઓ મોહનલાલ ભાસ્કરની જિંદગીનું એક અંગ બની જવાની હતી. ફરી ફરમાન આવ્યું.

શરીરનાં અંગોમાં મરચું ભરવામાં આવતું
નગ્ન હાલતમાં મોહનલાલને એક મેજ પર ઊભા રાખવામાં આવ્યા. બંને હાથને છત સાથે લટકાયેલા દોરડા સાથે બાંધી દીધા. મેજને ધક્કો મારીને ખસેડી દેવાઈ. એકસાથે છ ફૌજીએ મોહનલાલને માર મારવાનું શરૂ કર્યું. મોહમ્મદ અસલમ નામનો સૂબેદાર મોહનલાલની પીંડીઓ પર મારતો હતો. હવાલદાર અઝીઝના હાથમાં કપડાં ધોવાનો ધોકો લઈને થાપાના ભાગે મારી રહ્યો હતો. નાયક નૂર ખાન પીઠ પર દંડાઓનો વરસાદ વરસાવી રહ્યો હતો અને મેજર એજાજ મકસૂદ એક લાકડીથી માથાના ભાગ પર પ્રહાર કરી રહ્યો હતો. હજુ આ તો ત્રાસદીની શરૂઆત માત્ર હતી. અહીં તેમને વીજળીના શોક આપવામાં આવતા, શરીરનાં અંગો પર મરચું નાખવામાં આવતું, નગ્ન કરીને બરફની પાટો પર સુવડાવવામાં આવતા... કોઈપણ માણસને હચમચાવી નાખે એવા થર્ડ ડીગ્રીના પ્રયોગો મોહનલાલ પર અહીં થયા.

લખપત જેલનો પહેલો દિવસ: મોહનલાલ પર જીવલેણ હુમલો
મોહનલાલ અને એના સાથી સમુંદર સિંહને નૌલખા પોલીસ સ્ટેશન જરૂરી તપાસ માટે લાવવામાં આવ્યા. સબ-ઇન્સપેકટર નિસાર અહેમદે ગેરકાનૂની રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કરવાનો ગુનો દાખલ કરવાનો હવાલદારને આદેશ કર્યો. જોકે મોહનલાલના પિતા અમીચંદથી પરિચિત હોવાના કારણે નિસાર અહેમદનું વર્તન સહાનુભૂતિપૂર્ણ રહ્યું. અહીં મોહનલાલને 15 દિવસ રાખવામાં આવ્યા. પછી મેજિસ્ટ્રેટ તરફથી આદેશ થતાં કોટ લખપત જેલ, લાહોરમાં મોહનલાલને ખસેડવામાં આવ્યા. જેલમાં દાખલ થતાં જ પરંપરા મુજબ પાકિસ્તાની કેદીઓએ મોહનલાલ પર ધાબળો ઓઢાડીને નીચે જમીન પર પાડી દીધા અને હુમલો કર્યો. જેલના કર્મચારીઓએ આખરે માંડ માંડ બચાવ્યા.

મોહનલાલ કહે છે, જેલ કોઈ યુનિવર્સિટીથી ઓછી નથી ઊતરતી. અહીં તમે દરેક કલામાં મહારત મેળવી શકો. અહીં તમે ખિસ્સા કાતરવાનું પણ શીખી શકો, જુગાર રમતા, શરાબનો ધંધો કરતા, લૂંટફાટ કરતા કે પછી શાયરી લેખન, સંગીત... દરેક કલા અહીં શીખી શકાય છે. એક ખૂણાની ચાર કોઠડી માત્ર ભારતીય જાસૂસ માટે હતી. જેલમાં જમવાનું પણ કેવું? બે રોટી અને અને એક કડછી દાળ, સવારે મુઠ્ઠી એક ચણા અને ગોળનો નાનો ગાંગડો. ચાનું નામ પણ હરામ હતું. સાબુનો ચોથો ભાગ મહિને મળતો. અઠવાડિયે એકવાર એક ચમચી હેર ઓઈલ મળતું. પાકિસ્તાની કેદીઓની કોટડી નજીક જવાની પરવાનગી નહોતી.

લખપત કોટમાં ઝુલ્ફીકાર ભુટ્ટોની મોહનલાલ સાથે મુલાકાત
જેલનો હજુ તો બીજો દિવસ... મોહનલાલને અડધી રાત્રે કેદીઓનો શોરબકોર સંભળાય છે. આખી જેલમાં ઈન્કલાબ ઝિંદાબાદ, પીપલ્સ પાર્ટી ઝિંદાબાદ, નારાઓ જેલની કાળમીંઢ દીવાલોમાં પડઘાઈ રહ્યા હતા. અયુબ ખાનના આદેશથી ભુટ્ટોને પોતાના સાથીઓ સહિત ધરપકડ કરીને લખપત કોટ જેલમાં લાવવામાં આવ્યા હતા.
ભુટ્ટોએ જેલમાં માઈક પરથી કહ્યું, ‘મારા કેદી ભાઈઓ, અસ્સલામ આલેકુમ. હું ખુદ તમને બધાને મળવા આતુર છું, પણ અત્યારે એ શક્ય નથી. આપણે એવું કશું નથી કરવું, જેથી જેલ સત્તાધીશોની નોકરી પર સંકટ તોળાય. પણ ઇન્શાઅલ્લા બાફઝલે ખુદા, સવારે આપણે ચોક્કસ મળીશું. ત્યાં સુધી આપ સૌને શાંતિ રાખવા માટે અપીલ કરું છું.’
બીજા દિવસે ભુટ્ટોએ દરેક બેરેકની મુલાકાત લીધી. હિન્દુસ્તાની કેદીઓની હાલત જોઈને તેમણે આશ્વાસન આપ્યું, તમારી હાલત જોઈને મને ખૂબ આઘાત લાગ્યો છે. તમે વિશ્વાસ રાખો. જે દિવસે પાકિસ્તાનમાં અમારું શાસન આવશે ત્યારે તમે એક વર્ષની અંદર તમારા દેશમાં હશો. અત્યારે તો ભુટ્ટો મોહનલાલને કોઈ દેવદૂતથી સહેજ પણ ઓછા નહોતા લાગતા. આશ્વાસન આપનાર ભુટ્ટો માટે મોહનલાલ નારો બોલી ઊઠ્યા, ‘ભુટ્ટો સાહેબ, ઝિંદાબાદ.’

મોહનલાલ કી મધુ: હમારી અધૂરી કહાની...
રાજા ગુલ અનાર ખાન. મોહનલાલ લખે છે, ‘એની દહાડ સાંભળીને લાહોરના શાહી કિલ્લાની જૂની દીવાલો કંપી ઊઠતી. નજરબંધ થયેલા કેદીઓને આ જેલમાં લાવવામાં આવતા. યા માલિક, હમારી તફતીશ ગુલ-અનાર ખાન ન કરે એવી કેદીઓ ઉપરવાળાને દુઆ કરતા. આ અઠ્ઠાવીસ વર્ષનો જુવાન અધિકારી એવી ‘આગવી ઢબે’ પૂછપરછ કરતો કે ભલભલા પોપટની જેમ બધું બોલવા માંડતા. કોઈ જરાક આડુંઅવળું થાય એટલે ચિત્તાની જેમ પોતાના શિકાર પર તૂટી પડતો.

રાજા ગુલ અનાર ખાનના પૂર્વજો રાજસ્થાનના રાજપૂતો હતા, પણ ઔરંગઝૈબે તલવારના જોરે ધર્માંતરણ કરીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવો પડ્યો હતો. મોહનલાલની તપાસ દરમિયાન આ કડક છબિ ધરાવતા અધિકારીનું વર્તન ખૂબ સહાનુભૂતિપૂર્ણ રહ્યું. રાજા ગુલ અનાર ખાનનું હિંદુ લોહી આના માટે કદાચ કારણભૂત હશે. આટઆટલી યાતના છતાં એકપણ શબ્દ ન બોલનાર મોહનલાલ પ્રત્યે તેને અંદરથી આદર હતો. મોડર્ન ખ્યાલા ધરાવતા રાજા ગુલ અનાર ખાન પોતાના ધર્મની અમુક ત્રુટિઓથી અકળામણ પણ અનુભવી રહ્યો હતો. મોહનલાલ સાથે એ ધર્મનિરપેક્ષતા, રાજકારણ, સાહિત્ય જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરતો.

મોહનલાલની ઉર્દૂ શાયરીઓથી ફાટ ફાટ થતી વાતો સાંભળી એક દિવસ કહ્યું, ‘કિતની પ્યારી બાતે કરતે હો ભાસ્કર, કહી તુમ શાયર તો નહીં?’ મોહનલાલે જવાબ આપ્યો, ‘થોડોઘણો, હિંદી શાયર બચ્ચનની નજીક રહ્યો છું. જનાબ નજીર બનારસી, અતા મોહમ્મદ શીલા જેવા ઉર્દૂ શાયરોને મેં નજીકથી સાંભળ્યા છે, એટલે હું ઘણીવાર શાયરાના અંદાજમાં વાતો કરું છું. મેં મિર્ઝા ગાલિબ, હકીમ મોમિન, મીર તકી મીર, ફૈઝ અહેમદ ફૈઝ અને શકીલ બદાયુનીની તમામ રચનાઓ વાંચી છે. હું લખું પણ છું. મારું તખલ્લુસ મધુમોહન ભાસ્કર છે.’

‘યહ મધુ કયા હૈ?’, રાજા ગુલ અનાર ખાને પૂછ્યું.

મોહનલાલના જવાબમાં વાચક સામે એક નાની લવસ્ટોરીનાં પાનાં ઊઘડે છે. મધુ મોહનલાલની પ્રથમ પ્રેમિકા હતી. મસૂરીમાં મુલાકાત થઈ હતી. 1960ની વાત હશે આ. મોહનલાલ પ્રેમમાં એવા તે ગળાડૂબ થયા કે અભ્યાસથી ભટકી ગયા અને બારમા ધોરણમાં ફિઝિકસમાં ફેઇલ થઈ ગયા. જોકે પરિચયમાંથી પ્રણયમાં પલટાયેલો આ સંબંધ એના અંતિમ મુકામ સુધી ન પહોંચ્યો. એક કસક દિલ હી દિલ મેં ચૂભી રહ ગયી... એક કડક પાકિસ્તાની અધિકારી ભારતીય જાસૂસની અધૂરી મહોબ્બતની દાસ્તાન સાંભળી રહ્યો હતો... વોટ અ ફિલ્મી સીન!

યાતના આખિર યાતના હૈ ઔર ઇસકી કોઈ સીમા નહીં હૈ...
છ મહિના સુધી મોહનલાલને લાહોરના શાહી કિલ્લા જેલમાં રાખવામાં આવ્યા. નવાઈની વાત એ છે કે આ સમય દરમિયાન કોઈએ મોહનલાલને એક લાફો સુધ્ધાં નહોતો માર્યો! જોકે આ કાયમની પરિસ્થિતિ નહોતી. મોહનલાલને રાવલપિંડી સ્થિત ફાઈનલ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ જેલમાં મેજર કમાલ રજા જાદૂન, સૂબેદાર શેરખાન જેવા જલ્લાદોએ ક્રૂરતાની તમામ સીમા પાર કરી દીધી. યેન કેન પ્રકારેણ આ લોકો મોહનલાલ પાસેથી ગુપ્ત માહિતી કઢાવવા માગતા હતા કે આખરે ઈસ્લામાબાદ સ્થિત પરમાણુ કાર્યક્રમના ગુપ્ત દસ્તાવેજ તેમને કયા પાકિસ્તાની અધિકારીએ આપ્યા હતા.

એક દિવસ સૂબેદાર શેરખાને મોહનલાલને કપડાં ઉતારીને, ચાર ધાબળાને માથા પર રાખીને જેલની કોટડીમાં આમથી તેમ ટહેલવા આદેશ કર્યો. હાથમાં હાથકડી લગાવી દીધી. જો મોહનલાલ ટહેલવાનું બંધ કરે તો કમાંડર જેલના સળિયા પાસે ઢસડીને થપ્પડોનો વરસાદ વરસાવી દેતો હતો. મોહનલાલ કહે છે, યાતના આખિર યાતના હૈ ઔર ઇસકી કોઈ સીમા નહી હૈ.

આંખમાં એક પ્રવાહી રેડવામાં આવ્યું
એકવાર ડૉક્ટર સઈદને બોલાવવામાં આવ્યા. ડૉક્ટર સઈદે મોહનલાલને ખુરસી પર બેસાડ્યા, આંખમાં પ્રવાહી રેડ્યું. પછી મોહનલાલને એક અખબાર વાંચવા આદેશ કર્યો. બધું ધૂંધળું. થોડીવાર પછી ફરીવાર મોહનલાલની આંખમાં એક પ્રવાહી રેડવામાં આવ્યું. હવે મોહનલાલ સ્પષ્ટ રીતે અખબાર વાંચી શકતા હતા. આ આખું નાટક હતું. મૂળ તો મોહનલાલને એ અહેસાસ અપાવવા કોશિશ થઈ રહી હતી કે અમે ધારીએ તો તારી આંખોની રોશની છીનવીને તને અંધ પણ બનાવી શકીએ છીએ.

દાઢીના એકેએક વાળ ખેંચવાનો આદેશ થયો
મોહનલાલની દાઢી વધી ગઈ હતી. કેટલાય દિવસથી નાહતા ન હોવાને કારણે શરીરમાંથી તીવ્ર વાસ આવતી હતી. મોહનલાલની દાઢીના એક-એક વાળ ખેંચીને કાઢવાનો કમાલ રજા જાદૂને પ્લાન કર્યો તો બીજાના હાથે વધુ દર્દ થશે એમ વિચારીને મોહનલાલે જાતે જ એક-એક વાળ ખેંચી લીધા.

મોહનલાલને માનસિક રીતે હેરાન કરવા માટે-ઉશ્કેરવા માટે તેમની માતા-બહેનને ઉદ્દેશીને ગંદી ગાળો આપવામાં આવતી.. અત્યાચારથી તંગ આવી ચૂકેલા મોહનલાલે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો. એક કર્મચારી પાસેથી દાઢમાં દુખે છે એમ કહીને તમાકુની ડબ્બી લઈ લીધી અને તેને પાણીમાં ભેળવીને પી ગયા. તરત ચક્કર આવવા માંડયા. ઊલટીઓ થવા માંડી. સૂબેદાર દોડતો આવ્યો. ડૉક્ટર બોલાવાયા. મોહનલાલને આ બદલ જ્યાં સુધી આંખમાં લોહી ધસી ન આવ્યું ત્યાં સુધી ઊંધા લટકાવવામાં આવ્યા! સામ, દામ, દંડ, ભેદ.. બધાં હથિયારો અજમાવી જોયાં, પણ મોહનલાલ અણનમ રહ્યા.

થા ફૌલાદ કૌનસા મેરે બનને મેં પ્રયુક્ત હુઆ જીતના જંજીરો ને જકડા, ઉતના હી મેં મુક્ત હુઆ..

પાકિસ્તાનમાં લશ્કર રાજ: ઘરવાળા અઠવાડિયે માંડ એક સિગારેટના પેકેટનો મેળ કરે છે...
આ આત્મકથાત્મક પુસ્તકમાં હચમચી જવાય એવા અનેક પ્રસંગો છે. મોહનલાલની પત્ની પ્રભાની પણ મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. ફિરોઝપુરમાં વાસણ-પોતાં કરીને ગુજરાન ચલાવતી-સંતાનનું પાલનપોષણ કરી રહેલી આ સ્ત્રી પતિ માનસિક રીતે ભાંગી ન પડે એટલે પત્રોમાં ઘરની નબળી પરિસ્થિતિ વિશે હરફ સુધ્ધાં નથી ઉચ્ચારતી. દરેક પત્રમાં સૌ સારાં વાનાં થઈ જશેનો સૂર પુરાવતી રહે છે.
લખપત કોટ જેલમાંથી મોહનલાલ પહેલો પત્ર પરિવારને-પત્નીને લખે છે. આ પત્રના જવાબમાં મોહનલાલના બે વર્ષના બાળકનો અંગૂઠો લાગેલો હોય છે. મોહનલાલ ખુશીથી જેલમાં મીઠાઈ વહેંચે છે. પોતાના બાળકના અંગૂઠાની છાપ જોતાં પારકા દેશમાં બંધ એક ભારતીય કેદીની મનો:સ્થિતિ શું હશે?

અહીં પાકિસ્તાનમાં અયુબ ખાન વર્સસ ભુટ્ટોની રાજકીય શતરંજમાં લશ્કરી શાસન હેઠળ કચડાઈ રહેલા પાકિસ્તાનનું તાદશ ચિત્ર પણ વાચક સામે ખડું થાય છે. નાના ગુનામાં ક્રૂર સજા અપાતી. સાઇકલ પર ડબલ સવારી કરતા પકડાઈ જાય તો જાહેરમાં સો ઊઠક-બેઠક, લશ્કરની અદાલતોમાં કોરડા મારવાના અને ભારે દંડ ભરવાના ફરમાનો છૂટતા હતા. એક રીતે 1967થી 1974 સુધીના પાકિસ્તાનનો પોલિટિકલ સિનારિયો પણ આપણી સામે સમાંતરે આવતો રહે છે. અહીં મોહનલાલ ભુટ્ટોને પાકિસ્તાનની જેલમાં પણ જુએ છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે પણ જુએ છે. 1971ના યુદ્ધ પછી કઇ રીતે પાકિસ્તાન અત્યારની જેમ દેવાળિયું બની ગયેલું એની વાત એક નાના પ્રસંગમાં મોહનલાલ કંઇક આ રીતે કરી છે: ‘યુદ્ધ પછી કિલો ખાંડના ત્રીસ રૂપિયા, ચાનો એક કપ રૂપિયામાં, ડુંગળી છ રૂપિયે કિલો અને ડાલડા ઘી 18 રૂપિયે વેચાઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાની કેદી સિગારેટ આપવા માટે મનાઈ કરવા માંડયો હતો.. બિચ્ચારો કહેતો: ઘરવાળા અઠવાડિયે માંડ એક સિગારેટના પેકેટનો મેળ કરે છે..’

ફાંસીથી બચાવવા અભિનેત્રીએ જનરલ સાથે રાત ગાળી
પાકિસ્તાની જેલમાં બંધ કેદીઓ વિશે પણ અહીં મોહનલાલ વિસ્તૃત વાત કરે છે, જેમાં પાકિસ્તાની પ્રજાના મિજાજ-માનસિકતાની આછેરી ઝલક છલકાય છે, જેના પર પાકિસ્તાનની યુવતીઓ હમબિસ્તર થવા સુધ્ધાં તૈયાર હતી એ ભારતીય પ્લેન હાઈજેક કરનારા બે કાશ્મીરી આતંકવાદી મોહમ્મદ અશરફ અને હાશિમ કુરૈશીની મુલાકાતનો પ્રસંગ. યાહ્યા ખાનની પ્રેમિકા જનરલ રાણી, સમલૈંગિકતાના આરોપસર જેલમાં બંધ થયેલો પ્રોફેસર શહજાદ જાલંદરી, પાકિસ્તાની ફિલ્મ ‘મલંગી’ના મશહૂર ડાયરેક્ટર મોહમ્મદ અશરફ- અચ્છા પહેલવાન, જેને ફાંસીની સજાથી બચાવવા માટે તેની માનેલી બહેન અને અતિસુંદર અભિનેત્રી નૂરજહાં યાહ્યા ખાન સાથે ‘કોમ્પ્રોમાઈઝ’ કરે છે.. પ્રેમિકાના પતિની હત્યા કરવા બદલ સજા ભોગવી રહેલો મૂળ બંગાળી અકીલ રહેમાન, પાકિસ્તાની ફૌજી અધિકારીઓને ગંદી ગાળો આપીને ઉશ્કેરતો ખોહસિંહ... એક જાસૂસના શાર્પ ઓબ્ઝર્વેશનમાં એક કવિની શૈલી ભળે ત્યારે આવું રસપ્રદ ચિત્રણ મળવું સ્વાભાવિક છે!

મોહનલાલની ભારત વાપસી, પિતા ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..
મોહનલાલને જાસૂસીના આરોપસર ચૌદ વર્ષની સજા થઈ હતી, પણ સાત વર્ષ જુદી જુદી જેલોમાં બંધક બનાવ્યા બાદ આખરે મોહનલાલને છોડી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો. 1971ના ભારત-પાક યુદ્ધનું પરિબળ મોહનલાલ જેવા ભારતીય જાસૂસ માટે આશીર્વાદરૂપ રહ્યું. મોહનલાલના કિસ્સામાં કવિ હરિવંશરાય બચ્ચનના અથાગ પ્રયાસો- તેમની તત્કાલીન ભારતીય સરકાર સુધીની વગની પણ મહત્ત્વની ભૂમિકા રહી. જ્યારે મોહનલાલને ભારત લાવવામાં આવ્યા તો પિતાની હાલત જોઈને દ્રવી ઊઠ્યા. ચહેરા પર કરચલીઓ, આંખો ફિક્કી, શરીર સાવ નખાઈ ગયેલું.. પિતા મોહનલાલને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્યા. તેમના એક-એક અંગને તપાસવા માંડ્યા કે ક્યાંક દીકરાને અંગહીન તો નથી કરી દીધો ને.. માંડમાંડ શાંત થયા..

‘અગર ઉસ સમય મેરે પાસ પિસ્તૌલ હોતી તો...’
થોડા દિવસો સુધી ઘરમાં લોકોનો મેળાવડો જામેલો રહ્યો. લોકો જુગુપ્સાપૂર્વક મોહનલાલને મળવા-જોવા આવતા હતા. ચા-પાણીનો ખર્ચ વધ્યો. ધીરે-ધીરે ભીડ ઘટી. આર્થિક સમસ્યાએ ઘરમાં ભરડો લેવાનું શરૂ કર્યું. ગુજરાન ચલાવવા માટે ફિરોઝપુરની સડકો પર છાપાં વેચવાનું શરૂ કર્યું. સદનસીબે મોહનલાલ બી.એડ. ડીગ્રીધારી હતા. આના આધારે એક શાળામાં અધ્યાપક તરીકે નોકરીનો મેળ પડી ગયો.

1977માં મોરારજીની સરકાર હતી ત્યારે મોહનલાલે મોરારજી દેસાઈને મળીને ભારતીય જાસૂસોને આર્થિક સહાય કરવા અંગે વિનવણી કરી તો પળભર માટે મોરારજી દેસાઈની તમામ સિદ્ધિઓ-તેમની વિચક્ષણ પ્રતિભા પ્રત્યે માન ઊતરી જાય એવો જવાબ મળ્યો: ‘પાકિસ્તાનનાં કૃત્યોની સજા હિન્દુસ્તાન શું ભોગવે? પાકિસ્તાન સરકાર તમને વીસ વર્ષ સુધી બંધ રાખે તો વીસ વર્ષનું આર્થિક વળતર ભારત શું કામ આપે?’ મોહનલાલ લખે છે, ‘અગર ઉસ સમય મેરે પાસ પિસ્તોલ હોતી તો મેં તબ તક ગોલિયા બરસાતા ચલા જાતા જબ તક કી ઉસકા ચેમ્બર ખાલી નહીં હો જાતા..’

આવા અંતિમવાદી શબ્દો બદલ મોહનલાલે ક્યારેય અફસોસ વ્યક્ત નથી કર્યો. મોરારજી દેસાઈ પ્રત્યે મોહનલાલને આજીવન ઘૃણા રહી. મોહનલાલની આત્મકથાનું અંતિમ વાક્ય છે: 'યદિ મૈને ભાવાવેશ મેં કિસી કે લિએ કટુ શબ્દ કા પ્રયોગ કર દિયા તો મોરારજી દેસાઈ કો છોડકર, સબકે પ્રતિ ક્ષમાપ્રાર્થી હૂં!'

જોકે આમ છતાં મોહનલાલનો ભારતપ્રેમ યથાવત્ રહ્યો છે. દંભી નેતાઓ-દંભી દેશપ્રેમીઓ પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવીને ગાલિબનો એક શેર ટાંકે છે મોહનલાલ:

જાન દી, દી હુઈ ઉસી કી થી હક તો યહ હૈ કિ હક અદા ન હુઆ...

તારીખ 22 ડિસેમ્બર, 2002માં મોહનલાલનું પક્ષઘાતના હુમલાથી મૃત્યુ થયું.. આજે તેમનો પરિવાર ગૌરવભેર યાદ કરે છે. મારા પતિએ કે મારા પિતાએ પારાવાર યાતનાઓ વેઠીને પણ દેશ સાથે ગદ્દારી નહોતી કરી તેનો ગર્વ તેમના ચહેરા પર વાંચી શકાય છે...

સલામ છે મોહનલાલ જેવા જાંબાઝોને....

અન્ય સમાચારો પણ છે...