• Gujarati News
  • Lifestyle
  • After Maggi, Gulabjambu And Pakoda, #dragonfruitchai Went Viral On Social Media, People Went Wild After Watching The Video.

ચા ને પણ ન છોડી:મેગી, ગુલાબજાંબુ અને પકોડા પછી #dragonfruitchai સોશિયલ મીડિયા પર વાઈરલ, વીડિયો જોઈને લોકો વિફર્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશમાં ચા વેચતા એક વ્યક્તિનો ઓનલાઇન વીડિયો સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ વિચારતા હશો કે, તેની ચામાં એવું તો વળી શું ખાસ છે કે, આ વીડિયો આટલો વાઈરલ થઈ રહ્યો છે? રેગ્યુલર ચા કરતાં તેમાં શું અલગ છે? મેગી, ગુલાબજાંબુ અને પકોડા પછી હવે ચા માં પણ નવો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશનો આ વ્યક્તિ ‘ડ્રેગન ફ્રુટની ચા’ વેચી રહ્યો છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે, જો કે લોકો હંમેશની જેમ આ વિચિત્ર કોમ્બિનેશનને હજમ કરી શક્યા નથી.

આ વીડિયોને એક ભારતીય ફૂડ બ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૂડી’ નામનું પેજ ચલાવે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ પોસ્ટનું કેપ્શન વાંચો, ‘ગુલાબી ડ્રેગન ફ્રૂટવાળી ચા ! આ રસપ્રદ રીલ તમારા માટે છેક બાંગ્લાદેશથી.’ આ પોસ્ટમાં #dragonfruitchai, #bangadeshfood અને #chai સહિત અનેક હેશટેગનો સમાવેશ થાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરો કપમાં ગરમાગરમ ચા રેડતો જોવા મળે છે. તે પછી તેમાં ડ્રેગન ફ્રૂટનો પલ્પ ઉમેરે છે અને છેલ્લે એક ચમચી કન્ડેન્સ્ડ દૂધ ઉમેરે છે.

આ પોસ્ટ થોડા દિવસો પહેલા શેર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને એક લાખથી વધુ વ્યૂઝ અને 2,300 જેટલી લાઇક્સ મળી છે. આ વીડિયોનું કોમેન્ટ સેક્શન જોઈને તમે પણ હસી-હસીને લોટપોટ થઈ જશો. એક વ્યક્તિએ પોસ્ટ કર્યું, ‘ભાઈ થોડું ઝેર પણ ઉમેરી દે હવે, ડબલ પૈસા લઈ લે જે’ બીજાએ લખ્યું, ‘આ મેં હમણાં શું જોયું?’ ત્રીજાએ લખ્યું,‘આવો અત્યાચાર શા માટે કરો છો, ભઈ’ અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરી, ‘પાપી લોકો, તમને નરકમાં પણ જગ્યા નહી મળે.’