એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિને ગુરુવારે સ્પેસ ટુરિઝમ માટે છ લોકોને અવકાશમાં મોકલ્યા હતાં. કંપનીના ન્યૂ શેપર્ડ અવકાશયાને ટેક્સાસમાં લોંચ સાઇટ વન પરથી ઉડાન ભરી હતી. આ અવકાશયાન યાત્રીઓને પૃથ્વીથી 107 કિમી ઉપર લઈ ગયું અને પછી ત્યાંથી પેરાશૂટ દ્વારા લોકો પૃથ્વી પર પાછા આવ્યા.
બ્લુ ઓરિજિને બનાવ્યો રેકોર્ડ
આ ફ્લાઈટ સાથે બ્લુ ઓરિજિને નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. પહેલીવાર ઇજિપ્ત અને પોર્ટુગલનાં લોકો સ્પેસ ટુરિઝમનો ભાગ બન્યાં. એન્જિનિયર સારા સાબરી પ્રથમ મિસ્રી અને ઉદ્યોગપતિ મારિયો ફરેરા અવકાશમાં જનાર પ્રથમ પોર્ટુગીઝ બન્યા. આ સફરમાં ડ્યૂડ પરફેક્ટનાં કો-ફાઉન્ડર કોબી કોટન, બ્રિટિશ-અમેરિકન ક્લાઇમ્બર વૈનેસા ઓ'બ્રાયન, ટેક્નોલોજી લીડર ક્લિન્ટ કેલી III અને ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ સ્ટીવ યંગ પણ સામેલ હતાં.
10 મિનિટમાં યાત્રા પૂરી થઈ
આ સ્પેસ મિશન માત્ર 10 મિનિટ 20 સેકન્ડમાં પૂરી થઈ. આ સમય દરમિયાન અવકાશયાનની મહત્તમ ઝડપ 2,239 માઈલ પ્રતિ કલાક એટલે કે 3,603 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આવી હોય છે અંતરિક્ષની યાત્રા
ન્યૂ શેપર્ડ અવકાશયાનમાં એક રોકેટ અને કેપ્સ્યુલ છે. આ કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવી છે. લિફ્ટઓફના સમયથી કેપ્સ્યુલ પૃથ્વી પર ઉતરે ત્યાં સુધીનો સમય 10-11 મિનિટનો છે. અવકાશયાત્રીઓ આ સમય દરમિયાન પોતાની જાતને થોડી હળવી મહેસૂસ કરે છે. પેરાશૂટ દ્વારા કેપ્સ્યુલ લેન્ડ થાય તેની થોડીવાર પહેલાં રોકેટ લેન્ડ થાય છે. ખાસ વાત એ છે કે આ બંને રિયુઝેબલ છે એટલે કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ રોકેટ સ્પેસએક્સનાં ફાલ્કન-9 ઓર્બિટલ રોકેટની જેમ કામ કરે છે.
એક ટિકિટની કિંમત અંદાજે 10 કરોડ રુપિયા
ક્વાર્ટઝનાં રિપોર્ટ મુજબ બ્લુ ઓરિજિન સ્પેસક્રાફ્ટની ટિકિટની કિંમત 1.25 મિલિયન ડોલર એટલે કે 9,89,73,750₹ છે. તે રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિકની ટિકિટની કિંમત કરતાં ઘણી વધુ છે.
ગયા વર્ષે શરૂ થયેલું મિશન બ્લુ ઓરિજિન
બ્લુ ઓરિજિન અત્યાર સુધીમાં કુલ છ વખત લોકોને અવકાશમાં લઈ ગયું છે. આ રીતે, કંપનીએ અત્યાર સુધીમાં કુલ 31 લોકોને અંતરિક્ષની યાત્રા કરાવી છે. બ્લુ ઓરિજિને ગયાં વર્ષે જુલાઈમાં બેઝોસ સહિત ત્રણ લોકોને અવકાશમાં મોકલીને આ મિશનની શરૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.