ન્યુઝીલેન્ડનું કાર્ડરોના શહેર મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ્સને કારણે ચર્ચાનો વિષય બન્યું છે. કાર્ડરોના શહેરને જોવા માટે દુનિયાભરમાંથી લાખો પર્યટકો આવી રહ્યા છે. લોકો અહીં શોખથી સેલ્ફી પણ લે છે. આ ક્લેક્શનને વધારવા માટે મહિલાઓ અહીં આવીને બ્રા લટકાવી જાય છે. આ વાડ પર લોકો રંગ-બેરંગી બ્રા લટકાવી તેના પર મેસેજ લખીને દિલની વાત પણ વ્યક્ત કરે છે. કોઈ પ્રવાસી ગંભીર વાત લખીને જાય છે તો કોઈ કાર્ટૂન દ્વારા વાત કહે છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન બ્રા લટકાવવાની થઇ હતી શરૂઆત
નવાઈની વાત એ છે કે, કોઈ પ્લાનિંગથી બ્રાની વાડનાં કારણે ટુરિસ્ટ પ્લેસ નથી બનાવવામાં આવી. પરંતુ વિશિષ્ટતાને કારણે અચાનક જ તે ટુરિસ્ટ પ્લેસ જાણીતી થઈ ગઈ છે. આ જગ્યા વર્ષ 2000માં ન્યુ યરની ઉજવણીના કારણે ચર્ચામાં આવી હતી. ચાર મહિલાઓ કાર્ડરોના હોટેલમાંથી પાર્ટી કરીને નીકળી હતી. રાતે પબની બહાર નીકળતા જ નવું વર્ષ શરૂ થવાની ખુશીમાં તેને નજીકની વાડ પર બ્રા લટકાવી દીધી હતી.
બ્રાની વાડને પર્યટન સ્થળ તરીકે જોવાનું શરૂ થયું
બ્રાની વાડ પાછળ તેઓ શું વિચારી રહ્યા હતા તેની ખબર નથી, પરંતુ ધીમે ધીમે રસ્તાની વાડ પર લટકતી બ્રાની સંખ્યા વધતી ગઈ અને પછી લાઈન એટલી લાંબી થઈ ગઈ કે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. શરૂઆતમાં તેને જોઈને લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. હવે બ્રાની વાડને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે હવે આ જગ્યા પર દુનિયાભરની મહિલાઓ આવીને પોતાની બ્રા લટકાવી રહી છે.
બ્રાને આ રીતે લટકાવવા સામે વાંધો ઉઠાવ્યો
આ ટુરિસ્ટ ડેસ્ટિનેશને અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો છે. શરૂઆતના સમયમાં ક્વીન્સટાઉન લેક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે બ્રાની વાડને દૂર કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેનાથી રસ્તાઓ પર ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ વધી ગયું હતું. લોકો ગાડીઓ રોકી વાડ પર લટકતી બ્રા જોવા લાગ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકોએ પણ બ્રાને આ રીતે લટકાવી દેવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
ઘણા લોકોને આ રીતે જાહેરમાં બ્રા લટકાવવી શરમજનક લાગી હતી. ઘણા લોકોએ બ્રાને સળગાવી દીધી હતી પરંતુ ક્રિએટિવિટીનો વિજય થયો અને બ્રાની વાડને ‘ધ કાર્ડ્રોના’ હોર્સ ટ્રેકિંગ અને ક્વૉડ બાઇકિંગના બિઝનેસના ડ્રાઇવ વેના દરવાજા પર ટ્રાન્સફર કરી દીધી હતી.
2015માં બ્રાની વાડનું નામ ‘બ્રાડ્રોના’ રાખવામાં આવ્યું હતું. બ્રેસ્ટ કેન્સર માટે પૈસા જમા કરાવવા માટે અહીં એક ચેરિટી બોક્સ પણ બનાવવામાં આવ્યું હતું. હવામાં લહેરાતી બ્રાનો અનોખો નજારો જોવા માટે પ્રવાસીઓ અહીં ઊમટી પડે છે. આ સાથે જ પ્રવાસીઓ બ્રેસ્ટ કેન્સર પ્રત્યે પણ જાગૃત થઇ રહ્યા છે. વર્લ્ડ રેકોર્ડ મુજબ બ્રાની વાડ પર લટકતી એક લાખ બ્રા વેચીને 10 હજાર ડોલર એકઠા કરવામાં આવ્યા છે. જેથી બ્રેસ્ટ કેન્સર પીડિતોની મદદ કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.