• Gujarati News
  • Lifestyle
  • A Toaster like Device That Produces As Much Oxygen As A Tree Has Proven Successful In Every Season

મંગળ પર ઓક્સિજન:ટોસ્ટર જેવું ડિવાઈસ ઝાડ જેટલું ઓક્સિજન ઉત્પન્ન કરે છે, દરેક ઋતુમાં સફળ સાબિત થયું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી મંગળ પર જીવનની સંભાવના શોધી રહ્યા છે અને અહીં ઓક્સિજન અને પાણી બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ મોટી સફળતા હાંસલ કરી છે. મંગળ પર મોકલવામાં આવેલા ટોસ્ટર સાઈઝના ડિવાઈસે પહેલીવાર ઓક્સિજન બનાવ્યો છે. આ અભ્યાસ જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયો હતો.

ડિવાઈસનું નામ MOXIE
આ ડિવાઈસનું નામ માર્સ ઓક્સિજન ઇન-સીતુ રિસોર્સ યુટિલાઇઝેશન એક્સપેરિમેન્ટ (MOXIE) છે. નાસાના પર્સિવેન્સ રોવર મિશનની સાથે ગયા વર્ષે તેને મંગળ પર મોકલવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા અનુસાર, MOXIE ફેબ્રુઆરી 2021થી સતત મંગળના કાર્બન ડાયોક્સાઇડ સમૃદ્ધ વાતાવરણમાં ઓક્સિજન બનાવવા માટે સક્ષમ છે.

MOXIE ડિવાઈસ મંગળ પર કાર્બન ડાયોક્સાઇડથી સમૃદ્ધ વાતાવરણમાં ઓક્સિજન બનાવવામાં સફળ રહ્યું.
MOXIE ડિવાઈસ મંગળ પર કાર્બન ડાયોક્સાઇડથી સમૃદ્ધ વાતાવરણમાં ઓક્સિજન બનાવવામાં સફળ રહ્યું.

નાના ઝાડની સમકક્ષ ઓક્સિજન બનાવ્યો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, MOXIE ઘણા પ્રકારની વાતાવરણીય પરિસ્થિતિઓમાં ઓક્સિજન બનાવે છે. મંગળની દરેક ઋતુમાં તે દિવસ-રાત સફળ રહ્યો છે. આ ડિવાઈસ પર 7 પ્રયોગો કરવામાં આવ્યા હતા અને દર વખતે તે કલાકના 6 ગ્રામ પ્રતિ ઓક્સિજન બનાવે છે. જો પૃથ્વીની સાપેક્ષે તુલના કરીએ તો આટલો ઓક્સિજન ત્યા સ્થિત નાનું વૃક્ષ બનાવે છે. એક સમયે તેણે 10.4 ગ્રામ પ્રતિ કલાક ઓક્સિજનનું ઉત્પાદન કર્યું હતું.

MOXIE કેવી રીતે કામ કરે છે?
મંગળના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2)નું પ્રમાણ 96% છે. MOXIE આ વાયુને ફ્યૂઅલ સેલમાંથી પસાર કરે છે અને તેને 798.9 ડિગ્રી સેલ્સિયસ (1,470 ડિગ્રી ફેરનહીટ) તાપમાને ગરમ કરે છે. આ પછી કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજનના અણુઓને વિદ્યુતની મદદથી CO2માંથી અલગ કરવામાં આવે છે અને ઓક્સિજનના અણુઓનું મિશ્રણ કરીને ઓક્સિજન વાયુ બનાવવામાં આવે છે.MITના MOXIE મિશનના મુખ્ય વૈજ્ઞાનિક માઈકલ હેચટનું કહેવું છે કે, મંગળ પરની હવા ખૂબ જ પાતળી છે. તે પૃથ્વીની સપાટીથી ૧૦ લાખ ફૂટ ઉપર રહેવા જેવું છે તેમછતાં આ ડિવાઇસ આટલું સારું કામ કરી રહ્યું છે, તે અમારા માટે એક મોટી સફળતા છે.

MOXIEનું મોટું વર્ઝન બનાવવાની તૈયારી ચાલી રહી છે
વૈજ્ઞાનિકો MOXIEનું મોટું વર્ઝન બનાવવા માગે છે. તેમના મતે જો ડિવાઇસનું 100 ગણું મોટું વર્ઝન બનાવવામાં આવે તો તે સેંકડો વૃક્ષોના દરે ઓક્સિજન બનાવી શકાશે એટલે કે પ્રતિ કલાક 1 થી 3 કિલો ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાશે. હેચટનું કહેવું છે કે, આ ટેક્નોલોજીને વધુ અદ્યતન બનાવવી એ મોટો પડકાર નહીં હોય. MOXIEની સફળતા એ લોકોને મંગળ પર મોકલવાની અને તેમને આત્મનિર્ભર બનાવવાની સંભાવના માટે એક સારા સમાચાર છે.

મંગળ તરફ જવાનો રસ્તો હજુ પણ મુશ્કેલ છે
​​​​​​​નાસાના અવકાશયાત્રી જ્યોફ્રી હોફમેનનું કહેવું છે કે, મંગળ ગ્રહ પર જવા માટે મનુષ્યને 8 મહિનાનો સમય લાગશે. આવી સ્થિતિમાં લોકો માટે પૂરતો ખોરાક અને દવાઓ હોવી જરૂરી છે. આ ઉપરાંત મુસાફરી દરમિયાન મનુષ્યને મોટાપાયે કોસ્મિક રેડિયેશનનો સામનો કરવો પડશે પરંતુ, મંગળ પર સૌથી મહત્વની બાબત ઓક્સિજન છે. અવકાશયાત્રીઓને પણ અસ્થાયી રૂપે રહેવા માટે તેની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે, દુનિયાની ઘણી અંતરિક્ષ એજન્સીઓ મંગળ પર મનુષ્ય મોકલવાની તૈયારી કરી રહી છે. ચીન 2033 સુધીમાં લોકોને મંગળ ગ્રહ પર પહોંચાડવા માંગે છે, જ્યારે સ્પેસએક્સના CEO ઈલોન મસ્ક 2029 સુધીમાં મનુષ્યને મંગળ પર મોકલવાની યોજના બનાવી રહ્યા છે.