એક ‘સેન્ડ ક્લોક’ (રેતીની ઘડિયાળ)ની કલ્પના કરો. આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી. આમાં રેતી ઉપરથી નીચે જવાને બદલે વચ્ચે ભેગી થાય છે. આવું જ એક દ્રશ્ય વિશ્વનાં સૌથી શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે કેપ્ચર કર્યું છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ બુધવારે એક ફોટો જાહેર કરી છે, જેમાં એક નવો તારો સર્જાતો જોઈ શકાય છે. તેને અંગ્રેજીમાં ‘પ્રોટોસ્ટાર’ કહેવામાં આવે છે. આ ફોટોમાં હાજર પ્રોટોસ્ટાર અંતરિક્ષમાં ગેસનાં વાદળો (નેબ્યુલા)ની વચ્ચે પોતાને એક સંપૂર્ણ તારો બનાવવા માટે સામગ્રી એકત્રિત કરતો જોવા મળી રહ્યો છે. આ સિતારા ખૂબ જ નાના અને નવા છે.
ટેલિસ્કોપ ગરમ સ્ટ્રક્ચરને કેપ્ચર કરવામાં માહેર છે
આપણે નેબ્યુલાનાં રંગો સામાન્ય પ્રકાશમાં એટલી સરળતાથી જોઈ શકતા નથી. જો કે, જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા આ શક્ય છે. તેમાં નીયર ઇન્ફ્રારેડ કેમેરા (NIRCam) આપવામાં આવ્યો છે, જે વિવિધ પ્રકારનાં હોટ સ્ટ્રક્ચર્સ અને તેમાંથી નીકળતા રંગોનાં ફોટોગ્રાફ પાડવામાં સક્ષમ છે. આ નવા ફોટોઝમાં પણ વચ્ચે એક ડિસ્ક બનાવવામાં આવી રહી છે, જેને સામાન્ય રીતે જોવી અસંભવ છે.
પ્રોટોસ્ટારનું નામ L1527
આ ફોટોમાં દેખાતા પ્રોટોસ્ટારનું નામ L1527 છે. તે અંદાજે 1 લાખ વર્ષ જૂનો છે. આપણે ફોટોમાં તેનો જન્મ થતો જોઈ શકીએ. આ ફોટાની વચ્ચે જે નાનકડી એવી ડિસ્ક દેખાઈ રહી છે, તે આપણાં સૌરમંડળનાં આકાર બરાબર છે.
ટેલિસ્કોપ સમયમાં પાછળ કઈ રીતે જોઈ શકે છે?
વસ્તુ જેટલી દૂર હશે, આપણે સમયમાં તેટલું જ પાછળ જોઈ શકીએ. આ એટલા માટે છે કારણ કે, પ્રકાશને વસ્તુમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચતાં વાર લાગે છે. જેમ્સ વેબ ટેલિસ્કોપનો અરીસો ઘણો મોટો છે અને તેની મદદથી તે 13.5 અબજ વર્ષ પહેલા બનેલા બ્રહ્માંડને જોઈ શકે છે. આ ટેલિસ્કોપ લાંબી તરંગલંબાઈવાળા ઇન્ફ્રારેડ પ્રકાશ દ્વારા બ્રહ્માંડને જોવાની ક્ષમતા ધરાવે છે, જેથી તે દૂરની આકાશગંગાઓને પણ કેપ્ચર કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.