• Gujarati News
  • Lifestyle
  • A Footballer Who Once Represented India At The U 16 International Level Is Now A Food Delivery Agent, Earning Rs 20 30 Per Delivery.

આના માટે જવાબદાર કોણ?:એક સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે અંડર-16માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ફૂટબોલર હવે ફૂડ ડિલિવરી એજન્ટ, ડિલિવરી દીઠ 20-30 રુપિયા મળે છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણા દેશનાં ખેલાડીઓ ક્રિકેટ હોય, હોકી હોય કે પછી બીજી કોઈ રમત હંમેશા ખેલદીલી સાથે રમે છે અને જ્યા સુધી તે રમત સાથે સંકળાયેલા હોય છે ત્યા સુધી લોકો તેઓની જય-જયકાર કરે છે. તેઓને પોતાના ગુરુ માને છે અને તેઓની લાઈફસ્ટાઈલ પણ કોપી મારે છે. ચાહકો તેમના જેવા બનવાના સપના પણ જોવા લાગે છે પણ કહે છે ને કે, લોકો હીરાની કિંમત ત્યા સુધી કરે છે જ્યાં સુધી તેની ચમક હોય, એકવાર ચમક ઝાંખી પડે એટલે લોકો તેને તરછોડી દે છે. રમત સાથે સંકળાયેલા ખેલાડીઓએ ઘણીવાર અમુક કારણોસર અથવા પોતાનું ગુજરાન ચલાવવા માટે રમત છોડી દેવી પડે છે અને ઓછા પગારની નોકરી લેવી પડે છે

એકવાર રમત છોડી એટલે પછી ખેલાડીઓનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. તેને ભગવાનનાં સ્થાન સુધી બેસાડનારા ચાહકો તેની ગણતરી સામાન્ય વ્યક્તિ તરીકે પણ કરતા નથી. આ ખેલાડીઓનું રમત છોડ્યા પછીનું જીવન ખૂબ જ કપરું હોય છે અને આપણે અવારનવાર આ પ્રકારનાં કિસ્સાઓ સાંભળતા જ રહેતા હોઈએ છીએ ત્યારે આજે આવો જ એક કિસ્સો અમે લાવ્યા છીએ. અગાઉ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલી બેહલાની યુવા ખેલાડી પોલોમી અધિકારે ગરીબી અને ગંભીર ઈજાને કારણે પોતાના ફૂટબોલર બનવાના સપનાને અટકાવી દેવા પડયા હતા.

ઇન્ટરનેટ પર વાઈરલ થઈ ફૂટબોલર
24 વર્ષની આ યુવતીએ ફૂડ-ડિલિવરી સર્વિસ સાથે નવી નોકરી કરી છે પરંતુ, 12 કલાકની શિફ્ટ બાદ પણ તે રમવાનો સમય શોધી લે છે. પોલોમીનું સપનું હજુ પણ ભારત માટે રમવાનું છે, તેથી તે દિવસમાં બે કલાક તો ફૂટબોલની પ્રેક્ટિસ માટે કાઢી જ લે છે. તેની આ આશાના કારણે તે ઇન્ટરનેટમાં વાઈરલ થઈ ચૂકી છે. સામાજિક કાર્યકર અતિન્દ્ર ચક્રવર્તીએ તાજેતરમાં જ પોલોમીની વર્તમાન સ્થિતિ જણાવતા અને પહેલા તે શું-શું મેળવી ચૂકી છે? તેના જુદા-જુદા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાઈરલ થતાં મંગળવારે ભારતીય ફૂટબોલ એસોસિએશન (IFA) દ્વારા પોલોમીને બોલાવવામાં આવી હતી. તે બુધવારનાં રોજ IFAનાં અધિકારીઓ સાથે મુલાકાત કરવાની હતી. ભૂતપૂર્વ સ્ટોપર પૌલામીની ફૂટબોલ ક્ષેત્રે કારકિર્દી ત્યારે પાટા પરથી ઉતરી ગઈ હતી જ્યારે વર્ષ 2018નાં મધ્યમાં તેને ટ્રેનિંગ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. અનેક સફળ સર્જરી કરવા છતાં તેને બીજી તક આપવામાં આવી ન હતી અને ઘરે મુશ્કેલ આર્થિક સંજોગોને કારણે તે તક માટે વધુ રાહ પણ જોઈ શકી ન હતી.

અંતે ફૂડ-ડિલિવરીની નોકરી કરવાનું નક્કી કર્યું
છેવટે એણે ફૂડ-ડિલિવરીની નોકરી કરવાનું નક્કી કર્યું. ડબલ શિફ્ટમાં સવારે 10 થી બપોરે 2:30 અને ફરી સાંજે 6 થી રાતનાં 1 વાગ્યા સુધી કામ કરવાનું નક્કી કર્યું. તેના પિતા, કિશોર અધિકાર, જે પાર્ટ-ટાઇમ કેબ ડ્રાઇવર તરીકે કામ કરે છે, તેઓએ જણાવ્યું હતું કે, ‘હું મારી દીકરીને એક સારી શૂઝની જોડી પણ આપી શક્યો ન હતો, જ્યારે તેને તેની સખત જરૂર હતી.’

ડિલિવરી દીઠ સરેરાશ 20-30 રૂપિયા મળે
જ્યારે પૌલોમીએ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે કોવિડ સમયકાળ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન ઓનલાઇન ફૂડ ડિલિવરી માર્કેટ ટોચ પર હતું. તેણીએ મોટરસાયકલો અને સ્કૂટર ભાડે આપીને અને સાયકલ ખરીદવા માટે પૂરતાં પૈસા કમાવવાનું શરૂ કર્યું. તે રોજિંદા 200થી 300 રૂપિયા કમાતી હતી પરંતુ, હવે સ્પર્ધા એટલી ઉગ્ર બની ગઈ છે કે, મોંઘવારીની સમકક્ષે તેની કમાણી ઓછી છે. પોલોમીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘એક યુવતી અને સાયકલ-યુઝર હોવાને કારણે મને સામાન્ય રીતે ટૂંકા અંતરની જ ડિલિવરીઓ મળે છે, જેના દ્વારા હું ડિલિવરી દીઠ સરેરાશ 20-30 રૂપિયા કમાઇ શકું છું.’

એક યૂઝરે પોલેમીની આ સ્થિતિ જોઈને એક ટ્વીટ કરી હતી અને કેપ્શન લખ્યું હતું કે, ‘આના માટે જવાબદાર કોણ?’ આ ટ્વીટમાં તેઓએ અનેક લોકોને ટેગ કર્યા હતા. જો કે, આ ટ્વીટ હાલ ટ્વિટર પરથી ડિલીટ થઈ ચૂકી છે.

વર્ષ 2013માં આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
પૌલોમી ચારુચંદ્ર કોલેજમાં BAનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે તેણી ફક્ત બે મહિનાની હતી ત્યારે જ તેણે તેની માતાને ગુમાવી દીધી હતી. તેનો ઉછેર તેના મામાનાં ઘરે બેહલામાં થયો હતો. બેહલામાં રહેતી ફૂટબોલ કોચ અનિતા સરકારે પણ TOIને જણાવ્યું હતું કે, ‘પોલોમી ખૂબ જ પ્રતિભાશાળી હતી અને જ્યારે મેં તેને 14 વર્ષની ઉંમરે તાલીમ આપવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર હતી કે, એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેણે શ્રીલંકાના કોલંબો ખાતે વર્ષ 2013માં યોજાયેલી AFC (એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન) ફૂટબોલ ક્વોલિફાયરમાં મહિલા જુનિયર નેશનલ અંડર-16 ટીમમાં ભાગ લીધો હતો, જેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.’

આ વાતના અંતે તેણીએ કહ્યું કે, ‘શરૂઆતમાં, હું મોડી રાત્રે કામ કરવામાં ડરતી હતી પરંતુ, ભગવાનનો આભાર. મેં રસ્તા પર ક્યારેય કોઈ અનિચ્છનીય ઘટનાનો સામનો કર્યો નથી.’