રવિવારે યોજાયેલી આઇકોનિક ટાટા મુંબઇ મેરેથોનની આ વર્ષની આવૃત્તિમાં 55,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષની ઇવેન્ટ 18મું એડિશન હતું. મુંબઈમાં જીવનનાં ઘણા ક્ષેત્રનાં લોકો જુદા-જુદા પ્રકારનાં ગંભીર સામાજિક મુદ્દાઓને ટેકો આપવા માટે એકસાથે દોડમાં જોડાયા હતા. આ મેરાથોનમાં ભાગ લેનારા લોકોમાં જુદી-જુદી ઉંમર અને ક્ષમતા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે, જેમાં યુવાનો, વિકલાંગતા ધરાવતા લોકો અને વૃદ્ધ નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતી નામની 80 વર્ષીય મહિલા એ દોડવીરોમાંની એક હતી જેણે મેરાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈને સ્પોટલાઇટમાં સ્થાન મેળવ્યું હતું.
ભારતીની પૌત્રી ડિમ્પલ મહેતા ફર્નાન્ડિસે તેના પરિવાર અને મિત્રો જોઈ શકે તે માટે મેરાથોનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં ભારતી નામની એક વૃદ્ધ મહિલા સાડી અને શૂઝ પહેરીને મેરેથોન દોડતી જોવા મળી રહી હતી અને તેમની દોડની વિશેષ વાત એ પણ છે કે, તે પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ પણ લઈને દોડી રહી છે. 80 વર્ષની ઉંમરમાં તેની ફીટનેસની સાથે તેની આ પ્રવૃતિએ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ભારતી 51 મિનિટમાં 4.2 કિલોમીટર દોડી હતી.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર એક સારું એવું કેપ્શન પણ આપવામાં આવ્યું છે કે, ‘આ રવિવારે ટાટા મેરાથોન દોડનારા મારા 80 વર્ષીય નાની તીવ્ર ઇચ્છાશક્તિ અને ધૈર્યથી પ્રેરિત છે.’ આ વીડિયોમાં ઇન્ટરવ્યૂનો એક સ્નિપેટ પણ સામેલ છે. જેમાં તે કહે છે કે, ‘તે મેરેથોનમાં છઠ્ઠી વખત દોડી રહી છે અને તે તેના માટે દરરોજ પ્રેક્ટિસ કરે છે.’ તેઓએ કહ્યું કે, ‘તે ઇચ્છે છે કે દરેકને ખબર પડે કે તે ભારતીય છે અને તેઓને પોતાની સંસ્કૃતિ પર ગર્વ છે, તેથી જ તે દોડ દરમિયાન રાષ્ટ્રધ્વજને લઇ જઇ રહી હતી. વૃદ્ધ મહિલાએ એમ પણ સૂચવ્યું કે, ‘યુવાનો અને અન્ય ઉત્સાહી લોકો વધુ ને વધુ કસરત કરે.’
ઇન્ટરનેટ પર લોકોએ તેના ઉત્સાહ અને દોડની પ્રશંસા કરી હતી અને તેની ફિટનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતામાંથી પ્રેરણા લીધી હતી. વાર્ષિક ટાટા મુંબઇ મેરાથોન દર વર્ષે જાન્યુઆરીનાં ત્રીજા રવિવારે યોજાય છે. કોવિડ -19 પ્રતિબંધોને કારણે બે વર્ષ માટે મુલતવી રાખ્યા પછી આ કાર્યક્રમ યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.