રેસ્ટોરન્ટનું બિલ સોશિયલ મીડિયા પર વાઈરલ:શાહી પનીરનાં ₹8 તો દાલ મખનીની એક પ્લેટનાં ₹5, ફક્ત ₹26માં જ આખુ ભાણું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે ખાલી કલ્પના કરો કે, ફક્ત 8 રૂપિયામાં શાહી પનીર મળશે! 10 રૂપિયાથી ઓછી કિંમતમાં સ્વાદિષ્ટ દાલ મખનીની એક પ્લેટ મળે તો. આ વાત સાંભળીને પહેલાં તો મનમાં એ જ લાગણી આવે કે, કેવી રીતે? અત્યારે તો આ વાત એકદમ સ્વપ્ન જેવી જ લાગે, ખરું ને? જો અમે તમને કહીએ કે, વર્ષ 1985માં આ શક્ય હતું તો? ના, આપણે એવા સમયની વાત નથી કરી રહ્યા કે, જે સદીઓ પહેલાનો હતો.

મૂંઝવણમાં મૂકાવ તે પહેલાં જ તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર 37 વર્ષ જૂનું એક રેસ્ટોરન્ટનું બિલ વાઈરલ થયું છે. વર્ષ 1985નું આ બિલ હરિયાણાની લાઝીઝ રેસ્ટોરાં એન્ડ હોટેલનું હતું.

વર્ષ 1985માં ફક્ત ₹26માં જ આખુ ભાણું મળતું
જો તમે આ બિલ ધ્યાનથી જોશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ રેસ્ટોરાંમાં રાત્રિભોજનનું કુલ બિલ ફક્ત ₹26 જેટલું હતું. વાનગીઓનાં ભાવ એકદમ ચોંકાવનારા હતા. શાહી પનીરની એક પ્લેટની કિંમત માત્ર ₹8 હતી, જ્યારે દાલ મખનીની એક પ્લેટની કિંમત ₹5 હતી, અને રાયતાની એક વાટકીની કિંમત માત્ર ₹5 હતી. આ બિલની સાપેક્ષે વર્તમાન સમયમાં ચિપ્સનું પેકેટ અથવા ડ્રિંકની બોટલની કિંમત 40 રૂપિયા હોઈ શકે છે અને મોટા ભાગનાં કાફે અને બારમાં ફક્ત એક નાનકડું સ્ટાર્ટર સામાન્ય રીતે ₹200 કરતાં વધુ કિંમતનું હોય છે (આ તમામ કિંમતો વર્ષ 1985માં ચૂકવવામાં આવેલી કુલ રકમ કરતાં અનેકગણું વધારે હતું!).

શાહી પનીર માટે બિલમાં જે રકમ ચૂકવી હતી, તે ફક્ત ₹8. તે પણ આજના યુગમાં અકલ્પનીય છે. આ કિંમતે કાચું પનીર પણ પોસાય તેમ નથી, તેની કિંમત પણ ઓછામાં ઓછી 370 રૂપિયા પ્રતિ કિલો હશે!

હવે કિંમતોમાં 48 ગણો વધારો થયો છે
આ ભાવો વિશેની સૌથી રસપ્રદ બાબત એ છે કે, તે લાંબા સમય પહેલાનાં નથી. જો આપણે વર્ષ 1985 અને વર્ષ 2022નાં બીલની તુલના કરીએ તો તે માનવું મુશ્કેલ છે. આજે આ જ વસ્તુઓ આપણને લગભગ ₹1260માં મળી છે. શાહી પનીરની એક પ્લેટ ₹329માં, દાલ મખનીની એક પ્લેટ ₹399માં અને રાયતાની એક વાટકી ₹139માં મળી રહી છે. આ સિવાય પણ ઘણો સર્વિસ ટેક્સ અને GST ભરવો પડે છે.

જો આ બંને બિલો એકબીજાની બાજુમાં રાખીને જોવામાં આવે તો લગભગ 37 વર્ષ પછી એ વાત સ્પષ્ટ છે કે, છેલ્લાં કેટલાક દાયકાઓથી ફુગાવો ખરેખર આસમાને પહોંચ્યો છે.