• Gujarati News
  • Lifestyle
  • 70 People Look At Mobile While Sleeping, Suicide, Depression And Anxiety Cause Of Overuse Of Mobile: Research

દુનિયામાં સૌથી વધુ ભારતીયોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ:70% લોકો સૂતા સમયે મોબાઇલ જુએ છે, સુસાઇડ, ડિપ્રેશન અને ચિંતા પાછળનું કારણ મોબાઇલનો વધુ ઉપયોગ: રિસર્ચ

7 દિવસ પહેલા

આજે દુનિયાની વસતિ 8 અરબને પાર કરી ચૂકી છે અને એમાં 5.3 અરબ તો ઇન્ટરનેટ યુઝર્સ છે. દુનિયામાં સૌથી વધુ વસતિ ચીનમાં છે તો સોશિયલ મીડિયાના સૌથી વધુ યુઝર્સ પણ ચીનમાં જ છે. તો દુનિયામાં સૌથી વધુ સોશિયલ મીડિયામાં સમય વિતાવવામાં ભારતીયો મોખરે છે. ભારતીયો ભૂખ, તરસ, ઊંઘ અને સંબંધોને બાજુએ મૂકીને સોશિયલ મીડિયામાં સમય વિતાવવામાં અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધા છે.

અમેરિકા-બ્રિટનના લોકોનાં 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે ભારતીયોનાં 11 એકાઉન્ટ્સ

રિસર્ચ ફર્મ રેડસિયરના જણાવ્યા અનુસાર, ભારતીયો દિવસમાં સરેરાશ 7.3 કલાક સ્માર્ટફોનમાં રચ્યા-પચ્યા રહે છે, જે પૈકી સૌથી વધુ સમય તો સોશિયલ મીડિયામાં વિતાવે છે. જ્યારે અમેરિકન યુઝર્સનો એવરેજ સ્ક્રીન ટાઇમ 7.1 કલાક અને ચીની યુઝર્સનો એવરેજ સ્ક્રીન ટાઇમ 5.3 કલાકનો છે. સૌથી વધુ સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ભારતીય યુઝર્સ કરે છે. અમેરિકા અને બ્રિટનમાં એક વ્યક્તિ સરેરાશ સાત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય છે તો બીજી તરફ ભારતીય ઓછામાં ઓછાં 11 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય છે.

71 ટકા લોકો સૂતાં-સૂતાં પણ મોબાઇલનો ઉપયોગ કરે છે
તો રિસર્ચ પરથી એક વાતની ખબર પડી છે કે સ્ક્રીન ટાઇમ જેટલો વધારે હોય છે, તેટલા જ લોકો સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે, જેની સીધી અસર આપણી મેન્ટલ હેલ્થ પર પડે છે. આ સિવાય ડિપ્રેશન, ચિંતા સહિત અનેક ગંભીર બીમારી થઇ શકે છે. વધુપડતો સ્ક્રીન ટાઇમ સોશિયલ મીડિયાની આદત તરફ દોરી જાય છે. રિસર્ચ જર્નલ પબમેડના જણાવ્યા અનુસાર, 70 ટકા લોકો સૂવા ગયા પછી પણ મોબાઇલ છોડતા નથી અને સોશિયલ મીડિયમાં જ વ્યસ્ત રહે છે.

દરરોજ કરોડો ભારતીયો કલાકો સુધી સુધી સોશિયલ મીડિયામાં રચ્યા-પચ્યા રહે છે...
સોશિયલ મીડિયાની છોકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો લેસેન્ટ ચાઇલ્ડ એન્ડ એડોલસેટ હેલ્થના એક અભ્યાસ અનુસાર, સોશિયલ મીડિયાથી છોકરાઓની સરખામણીએ છોકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર પડે છે. બીજી તરફ છોકરીઓ ટ્રોલર્સ, સાયબર ગુંડાગીરી ઉપરાંત, તેઓ જાતીય શોષણની ઝપેટે વધુ આવી જાય છે. એનાથી રાતની ઊંઘ ઊડી જાય છે. આ રીતે છોકરીઓ માનસિક બીમારીઓની જાળમાં ફસાતી જાય છે.

તો યુઝર્સ ભુલકણું ને ડિપ્રેશનનો શિકાર બને છે
PubMed જર્નલના એક રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવાને કારણે ઊંઘ પૂરી નથી થતી, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. આવા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે અને ભુલકણું થઈ જાય છે. તો સાયબર ગુંડાગીરી પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. અફવાઓ, નકારાત્મક કમેન્ટ અને ગાળો યુઝર્સના મનને ઠેસ પહોંચાડે છે, જેની ઊંડી અસર જોવા મળે છે. પ્યુ રિસર્ચના એક સર્વે મુજબ, લગભગ 60 ટકા યુઝર્સ ઓનલાઈન દુરુપયોગનો ભોગ બને છે.

સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે, તો ઇમોશનલ કનેકશન પણ નથી રહેતું
મનોચિકિત્સક ડો.રાજીવ મહેતા જણાવે છે, સોશિયલ સાઇટ્સ પર જે લોકો આખો દિવસ એક્ટિવ રહે છે તેમનું સામાજિક જીવન પૂરું થઇ જાય છે. આ લોકો કુટુંબ સાથે વાત કરતા નથી, તો મિત્રો સાથેના પરસ્પર સંબંધો પણ ખરાબ થાય છે. આ સાથે જ ઇમોશનલ કનેકશન રહેતું નથી, જે હાનિકારક છે. સંબંધોમાં કોઈ શેરિંગ કે કેરિંગ રહેતું નથી. વ્યક્તિનો અવકાશ મર્યાદિત થઇ જવાને કારણે નિરાશાઓ વધે છે. નવા કપલ્સ પણ સોશિયલ સાઇટ્સમાં એ હદે ખોવાઈ જાય છે કે તેમનું અંગત જીવન ડિસ્ટર્બ થઈ જાય છે, જેને કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર થાય છે.

એન્ટી-સોશિયલ બનાવી દે છે સોશિયલ મીડિયા
જેમ-જેમ સોશિયલ મીડિયાની આદત વધે છે તેમ-તેમ લોકો હતાશા અને ચિંતાનો ભોગ બને છે. ડો.મહેતા આ પાછળનું કારણ સમજાવે છે કે, જ્યારે તમે કોઈને રૂબરૂ મળો છો, ત્યારે સામેના વ્યક્તિના ચહેરાના હાવભાવ, બોડી લેંગ્વેજથી સમજી જાઓ છો કે, વ્યક્તિ કોઇ ચિંતામાં છે કે ખુશ છે. જ્યારે કોઈ વર્ચ્યુઅલ દુનિયા સુધી જ મર્યાદિત હોય છે, ત્યારે લોકો સમજવાનું અને દુનિયાદારી શીખવાનું શીખી શકતા નથી. સોશિયલ મીડિયા પર લોકો સારી-સારી વાતો તો કરે છે કે, પરંતુ વાસ્તવિક જીવનમાં જરૂર પડે ત્યારે તેઓ સાથ આપતા નથી. જેની સીધી અસરથી માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે.

ફોટો ફિલ્ટર પાછળ લોકો પાગલ
તો સોશિયલ મીડિયાના યુઝર્સના જે વીડિયો કે તસવીર શેર કરે છે તો દુનિયાને લાગે છે કે દરેક વ્યક્તિ ખુશ છે. સોશિયલ મીડિયા પરનો દરેક વ્યક્તિ પર્ફેક્ટ અને ખુશ દેખાય છે.. ફોટોશોપ અને અન્ય એપ્સના ફિલ્ટર્સનો ઉપયોગ કરીને તે પોતાના સુખી જીવનની નકલી તસવીર દુનિયાને બતાવે છે. તો બધા 100% પરફેક્ટ છે. તેઓ દેખાડો કરવા માગે છે અને આ ચક્કરમાં જ તેઓ તણાવ, ચીડનો શિકાર બનીને માનસિક સ્વસ્થતા ગુમાવી બેસે છે.

મનોચિકિત્સક ડો.રાજીવ મહેતા કહે છે કે આ બાબતે જણાવે છે કે ફિલ્ટર્સ મોજમજા માટે સારું છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ ખોટા દેખાવ માટે કરવામાં આવે ત્યારે એક સમસ્યાનું કારણ બની જાય છે. આ માટે જો તમે ક્યારે પણ ફોટો-વીડિયો પોસ્ટ કરતા પહેલાં આ પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખો કે તમે એવી ખોટી તસવીર તો શેર નથી કરી રહ્યાને. જેના કારણે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.

તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખો ને બીજાની પોસ્ટને ગંભીરતાથી ન લો...

સોશિયલ મીડિયા રિવોર્ડની આદત પણ ખોટી
ઘણા ઓછો લોકોને ખબર હશે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ફીલ-ગુડ કેમિકલ ડોપામાઇન હોર્મોન રિલીઝ થાય છે. જે યુઝર્સને સારો ખોરાક ખાવા, પ્રિયજનો સાથે વાત કરવા અને શારીરિક સંબંધો બાંધવા જેટલો જ સંતોષ અને ખુશી આપે છે. તો ફોટા, વીડિયો અને પોસ્ટ્સ પર કમેન્ટ, લાઇક્સ અને શેર યુઝર્સ માટે રિવોર્ડ પોઇન્ટનું કામ કરે છે. જેના કારણે વ્યક્તિને વિચિત્ર ખુશી મળે છે. જેના કારણે મગજનું રિવોર્ડ સેન્ટર એક્ટિવ થઈ જાય ને યૂઝર્સ સોશિયલ સાઇટ્સ પર વધારે સમય પસાર કરવા લાગે છે. યુઝર્સને એવી આશા હોય છે કે, તેની આ પોસ્ટ લોકોને પસંદ આવશે અને તે વાઇરલ થશે. આ પોસ્ટ વાઇરલ થવાને કારણે અન્ય લોકો તેમને ઓળખી શકશે જેનાથી તમને ખુશી મળશે. પરંતુ જ્યારે લોકો તમને લાઇક કરવાનું બંધ કરી દે છે ત્યારે તેઓ નિરાશ થવા લાગે છે. થોડા સમય પછી આ જ હતાશા ચીડિયાપણું અને તણાવનું કારણ બને છે.

સોશિયલ મીડિયા અને આપઘાતનું આ રહ્યું કનેકશન
તો આજના સમય અને દેખાદેખીને કારણે સોશિયલ મીડિયાની નકારાત્મક અસર એટલી ઘાતક બની જાય છે કે લોકો આપઘાત કરવા અંગે વિચારવા લાગે છે. જર્નલ ઓફ યુથ એન્ડ એડોલસન્સે જ્યારે સોશિયલ મીડિયાના સુસાઇડ કનેક્શન પર રિસર્ચ કર્યું ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આ રિસર્ચ પરથી ખબર પડી હતી કે, જો કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા પર જેટલો વધુ સમય વિતાવે છે, તેટલી જ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું જોખમ અનેકગણું વધી જાય છે. પુખ્ત વયના લોકોની જેમ રોજ 2 કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી 13 વર્ષની છોકરીઓમાં પણ આત્મહત્યાનું જોખમ અનેક ગણું વધારે જોવા મળ્યું હતું.

જો કોઈમાં આ પ્રકારનાં લક્ષણો જોવા મળે તો સાવચેતી રાખો ને સતર્ક રહો...

સોશિયલ મીડિયાને કારણે અમેરિકામાં બાળકોની આત્મહત્યાનો દર 150 ગણો વધ્યો
તો વર્ષ 2009 પછી અમેરિકાના યુવાનોમાં આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે. જ્યારે આ અંગે સંશોધન શરૂ કરવામાં આવ્યુંતો ખબર પડી હતી કે આત્મહત્યાના પ્રમાણમાં વધારો થવા પાછળનું કારણ સોશિયલ મીડિયા છે. ફેસબુકની શરૂઆત 2004માં થઈ હતી. આ પછી 2007 અને 2017ની વચ્ચે રોગ નિયંત્રણ કેન્દ્રોના ડેટા દર્શાવે છે કે 10 થી 24 વર્ષની વયના યુવાનોમાં આત્મહત્યાનો દર 57 ટકા વધ્યો છે. અમેરિકન સોશિયલ સાઇકોલોજિસ્ટ જોનાથન ડેવિડ જણાવે છે કે સોશિયલ મીડિયાના કારણે 10 વર્ષથી 14 વર્ષની છોકરીઓમાં આત્મહત્યાનો દર 10 વર્ષમાં 3 ગણો વધ્યો છે, બાળકોના આત્મહત્યાનો દર 1.50 ગણો વધી ગયો છે.

આત્મહત્યાની ગેરમાન્યતાને કારણે લોકોના જીવ બચાવવા માટે સમયસર પગલાં લેવામાં આવતાં નથી...

જેટલા વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ, તેટલી ખરાબ અસર વધારે
આજે મોટા ભાગના લોકો એકથી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સમગ્ર વિશ્વમાં ભારતીય યુઝર્સ પણ આ મામલે સૌથી આગળ છે. અહીં દરેક યુઝરના એવરેજ 11થી 12 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય છે. રિસર્ચ પરથી ખબર પડે છે કે સોશિયલ મીડિયા પર જેટલાં વધારે એકાઉન્ટ્સ હશે તેટલી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થશે. અમેરિકન તબીબી સંશોધક બ્રાયન એ. પ્રિમાક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર લોકો પર એક સર્વે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 7થી 11 પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા યુઝર્સ 0થી 2 પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોની સરખામણીએ ડિપ્રેશન અને ચિંતાનો શિકાર વધારે બને છે.

સોશિયલ સાઇટ્સની હકીકતને આ રીતે સમજો...

આખરે સોશિયલ મીડિયાની આદત કેવી રીતે પડે છે
સોશિયલ મીડિયાની આદતની શરૂઆત FOMO (Fear of Missing Out) થી થાય છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો FOMO એટલે પાછળ રહી જવાનો ડર, આનંદ ન માણી શકવાનો ડર. ફોમોના કારણે લોકોને લાગે છે કે તેમના મિત્રો સોશિયલ મીડિયાનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે અને પણ આનંદ માણી રહ્યા છે, જ્યારે તેઓ તકને ગુમાવી રહ્યા છે. આ બાદ સોશિયલ મીડિયા પર વધુ ધ્યાન આપે છે અને વાસ્તવિક જીવનનું મહત્ત્વ ઘટતું જાય છે. જેની ખરાબ અસર મન ઉપર પડે છે. પેન્સિલવેનિયાની લેન્કેસ્ટર જનરલ હેલ્થ હોસ્પિટલના રિસર્ચ મુજબ, જ્યારે સોશિયલ મીડિયામાં લાઇક્સ અને કમેન્ટ્સ ધાર્યા પ્રમાણે ન આવે ત્યારે નિરાશા વધી જાય છે. માણસ હતાશ થઇ જાય છે અને તેને લાગે છે કે તેનું સ્વાભિમાન ઘટી રહ્યું છે. સતત મોબાઇલ ચેક કરવાની આદત ધ્યાન ભટકાવે છે અને કામ ઉપર પણ અસર કરે છે. ફેમિલી, ફ્રેન્ડ્સ કરતાં સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર થાય છે, જેના કારણે ચિંતા, હતાશા અને એકલતાનો અનુભવ થવા લાગે છે.

સોશિયલ મીડિયામાં વિતાવેલી દરેક પણ અસલ જિંદગી માટે નુકસાનકારક- તમે જેટલો સોશિયલ સાઇટ્સનો વધુ ઉપયોગ કરો છો એટલી જ તમારા મન પર એની ખરાબ અસર થાય છે. સેન્ટર ફોર એડિક્શન એન્ડ મેન્ટલ હેલ્થ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે દિવસમાં 2 કલાકથી વધુ સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

તો અન્ય અમેરિકન જર્નલ જામા સાઇકિયાટ્રીના રિસર્ચમાં પણ આ જ વાતનો ખુલાસો થયો છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે જે લોકો દરરોજ 3 કલાકથી વધુ સમય માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા, તે લોકોની વર્તણૂક અસામાજિક બની હતી અને તેઓ ડિપ્રેશન, ચિંતા, આક્રમકતા જેવી માનસિક સમસ્યાઓનો પણ શિકાર બની ગયા હતાં. લાંબા સમય સુધી મોબાઇલ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરવાને કારણે સ્થુળતા, સર્વાઇકલ, માથાનો દુખાવો, પીઠના દુખાવા જેવી સમસ્યાઓ પણ ઘર કરી જાય છે.

એકલાપણું ઘટવાને બદલે વધે છે
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, લોકો એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી દે છે, પરંતુ તે લોકોને ખબર નથી હોતી કે જેટલો વધુ સમય સોશિયલ મીડિયામાં વિતાવે છે એટલી જ તેમની એકલતા વધે છે. સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે લોકો જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરે છે તેમની એકલતા પણ ઓછી થઇ જાય છે. તેઓ બીજાથી અલિપ્ત રહેવાનું બંધ કરી દે છે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

સોશિયલ મીડિયાથી આ રીતે બચો
એક્સપર્ટ કહે છે, સોશિયલ મીડિયાની ખરાબ અસરથી બચવા માટે સૌથી પહેલા તમારી પ્રાથમિકતાઓ નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. એકલતા અને ડિપ્રેશનથી બચવા માટે તમારે અન્ય લોકો જે પોસ્ટ કરી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર બતાવી રહ્યા છે એ જોવાનું બંધ કરવું પડશે. તમે સોશિયલ મીડિયા પર તેમની આનંદ માણતી તસવીરો જોઈ રહ્યા છો, પરંતુ એ તસવીરો પાછળની વાસ્તવિકતાથી તમે અજાણ છો.

સ્વાસ્થ્ય માટે વર્ચ્યુઅલ દુનિયાથી અંતર રાખવું
આ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. દરરોજ 30 મિનિટથી ઓછા સમય માટે આ એપ્લિકેશનોનો ઉપયોગ કરવાથી ફોમો તેમજ અન્ય ખરાબ અસરોથી બચી શકાય છે. ગિલફોર્ડ જર્નલના રિસર્ચમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે. એ મુજબ સોશિયલ મીડિયાથી દૂર રહીને ઉદાસી, એકલતા અને ડિપ્રેશનને દૂર કરી શકાય છે. જેમ જેમ તમે આ વર્ચ્યુઅલ મુશ્કેલીઓથી દૂર જાઓ છો, ત્યારે મૂડ સારો થવા લાગે છે, એકાગ્રતા વધે છે અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે. આ માટે તમારે સવારે અને રાત્રે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આમ પણ સોશિયલ મીડિયાની નકારાત્મકતાથી દિવસની શરૂઆત કરવી સારી નથી, સાથે જ રાત્રે આ એપ તમારી ઊંઘ અને શાંતિને પણ અસર કરે છે.