• Gujarati News
  • Lifestyle
  • 6 year old Masoom, Who Gave New Life To 5 People Even After Death, Was Declared Brain Dead

સૌથી નાની ઉંમરની ડોનર:મૃત્યુ બાદ પણ 5 લોકોને નવું જીવન આપતી ગઈ 6 વર્ષની માસૂમ, બ્રેન ડેડ જાહેર કરાતા કરવામાં આવ્યું અંગદાન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીની AIIMSમાંથી એક માસૂમના સમાચારે સૌને ભાવુક કરી દીધા છે. માત્ર 6 વર્ષની બાળકીએ પાંચ લોકોને જીંદગી આપી છે. નોઈડામાં અજાણ્યા હુમલાખોરોએ આ માસૂમ બાળકીને માથામાં ગોળી મારી હતી. જેના કારણે તે કોમામાં જતી રહી હતી. ઘણા પ્રયાસો પછી ડૉક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કરી દીધી હતી.

અંગદાન વિશે ડૉક્ટરે પેરેન્ટ્સને સમજાવ્યા
AIIMSના ડૉક્ટર દીપક ગુપ્તાએ જણાવ્યું કે, બાળકીના બ્રેન ડડે પછી તેઓ રોલીના માતા-પિતાને મળ્યા અને અંગદાન વિશે વાત કરી. અમે તેમને સમજાવ્યું કે જો તેઓ પરવાનગી આપે અને દાન આપવા સંમત થાય તો અન્ય બાળકોનો જીવ બચી શકે છે. તેના પછી રોલીના માતા-પિતા અંગદાન માટે તૈયાર થયા અને બાળકીનું લિવર, કિડની, કોર્નિયા અને હાર્ટ વાલ્વ જેવા 5 અંગોનું દાન કરવામાં આવ્યું.

અંગદાનના નિર્ણયની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે
રિપોર્ટના અનુસાર, બાળકીના પિતા હરિનારાયણ પ્રજાપતિ વ્યવસાયે દરજી છે. તેમણે કહ્યું કે, અમારી દીકરી નથી રહી પરંતુ તેના અંગોના કારણે અન્ય બાળકોનો જીવ તો બચશે. તેથી અમે અમારી દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. માસૂમ બાળકીના અંગદાનના નિર્ણયની AIIMSના ડૉક્ટર્સે રોલીના માતા-પિતાની પ્રશંસા કરી.

બાળકીને કોઈએ ગોળી મારી હતી
ડૉક્ટરે જણાવ્યું કે, રોલી નામની યુવતીને બુધવારે નોઈડામાં તેના ઘરે રમતી વખતે કથિત રીતે ગોળી વાગી હતી. સીટી સ્કેનમાં પણ ગોળી વાગવાની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે તેને AIIMSમાં લઈ જવામાં આવી ત્યારે તેની હાલત ઘણી નાજુક હતી. અમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આખરે 27 એપ્રિલ શુક્રવારે તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી. તેના પછી અમે અંગદાન માટે રોલીના માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું અને તેમની સંમતિ માગી.

બાળકો દ્વારા અંગ દાનના કિસ્સાઓ ઓછા હોય છે
AIIMSમાં ન્યૂરોસર્જરીના પ્રોફેસર ડૉ દીપક ગુપ્તાએ જણાવ્યું કે, આ પહેલી વખત છે જ્યારે આટલી નાની બાળકીના પરિવારે ટ્રોમા સેન્ટરમાં બ્રેન ડેથ પછી અંગ દાન કરવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે, બાળકો દ્વારા અંગદાનના કિસ્સાઓ ઘણા ઓછા હોય છે. હું પરિવારને સલામ કરું છું.

માસૂમની કિડની અને લિવરે બે બાળકોનો જીવ બચાવ્યો
ડૉક્ટરોએ બ્રેન ડેડ બાળકીનું લિવર, બે કિડની, હાર્ટ વાલ્વ અને કોર્નિયા લીધા છે. માસૂમની કિડની AIIMSમાં એક બાળકમાં ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં આવી, જ્યારે લિવરને NOTTO દ્વારા ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં આપવામાં આવ્યું હતું, જ્યાં ડૉક્ટરોએ લખનઉના બીજા બાળકને લિવર ટ્રાન્સ્પ્લાન્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. AIIMSમાં ઓર્ગન રિટ્રીવલ એન્ડ બેંકિંગ ઓર્ગેનાઈઝેશન (ORBO)ના વડા ડૉ. આરતી વિજેએ જણાવ્યું કે, આ વર્ષે સંસ્થાનમાં કોઈ બ્રેન ડેડ વ્યક્તિની તરફથી આ ચોથું અંગ દાન છે.

અન્ય સમાચારો પણ છે...