અમેરિકા:ઓરેગોનના દરિયાકાંઠે 45 કિલોની દુર્લભ માછલી મળી આવી,સ્થાનિકો માટે રોમાંચક તો વિશેષજ્ઞો માટે દુર્લભ ઘટના

એક વર્ષ પહેલા

અમેરિકાના ઓરેગોનના દરિયાકાંઠે એક દુર્લભ ઘટના બની છે. અહીં 45 કિલોની ઓપાહ માછલી મળી આવી છે. આ માછલી મૂનફિશ તરીકે પણ જાણીતી છે. સનસેટ બીચ પર આ દુર્લભ અને વિશાળકાય માછલી આવી જતા લોકોમાં કુતુહલતા જોવા મળી હતી. માછલીઓની પ્રજાતિઓના વિશેષજ્ઞો આ ઘટનાને દુર્લભ ગણાવી રહ્યા છે.

સીસાઈડ એક્વેરિઅમના જનરલ મેનેજર કિથ શેન્ડેલીઅર આ વિશે જણાવતા કહે છે કે, 'આ ખુબ જ સુંદર માછલી છે. પરંતુ દરિયા કાંઠે એકદમ સારી પરિસ્થિતિમાં મળી આવવાની આ ઘટના દુર્લભ છે. સ્થાનિકો માટે પણ આ ઘટના રોમાંચક છે'

જ્યારે નેશનલ ઓશિયનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) પ્રમાણે,'આ પ્રજાતિની માછલીઓ વિશે વધારે કઈ કહી શકાય એમ નથી, કારણ કે સામાન્ય રીતે આ માછલીઓ દરિયાની ખુબ અંદર જ રહેતી હોય છે. પાણીની ઉપર કે દરિયા કાંઠે ના દેખાતા આ પ્રજાતિ વિશે કઈ પણ કહેવું મુશ્કેલ છે '

ઓપાહ એક અસામાન્ય દેખાતી માછલી છે, NOAA અનુસાર, આ માછલીઓ ગોળાકાર, ફ્લેટ બોડી ધરાવે છે અને રંગબેરંગી હોય છે. આ માછલી દેખાવમાં ખુબ જ સુંદર છે. તેના પાંખ અને મોં લાલ છે. જ્યારે આંખો ગોલ્ડન કલરથી ઘેરાયેલી છે.

શેન્ડેલીયર પ્રમાણે,' માછલીની સ્થિતિ જોતા લાગે છે કે એક્વેરિઅમને ખબર કરવામાં આવી તેના કલાક પહેલા આ માછલી દરિયાકાંઠે આવી હશે. જો કે, તે મૃત હાલતમાં હતી, પરંતુ પક્ષીઓ તેને નુકશાન પહોંચાડે તે પહેલા એક્વેરિઅમનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. હાલ આ માછલીને મોટા ફ્રીઝરમાં રાખવામાં આવી છે. અને સ્થાનિકોની મદદથી તેનું સુક્ષ્મ પરિક્ષણ કરવામાં આવશે. એક્વેરિઅમ આ પરિક્ષણ દરમિયાન એક સ્કુલ ગ્રુપને પણ સાથે રહેવાનો મોકો આપશે' આ પરિક્ષણમાં આ દુર્લભ પ્રજાતિની માછલી વિશે વધુમાં વધુ જાણવાના પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...