ચીનના અવકાશયાત્રીઓએ અંતરિક્ષમાં ધાન ઉગાડ્યું:30 સેમી લાંબો ચોખાનો છોડ, સંશોધન માટે પૃથ્વી પર પણ લાવવામાં આવશે

3 મહિનો પહેલા

અંતરિક્ષ અને બીજા ગ્રહો પર જીવન શોધી રહેલા વૈજ્ઞાનિકો ત્યાં અનેક પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે ત્યારે ચીનના અવકાશયાત્રીઓને આ દિશામાં એક મોટી સફળતા મળી છે. ચીની અવકાશયાત્રીઓએ ચોખાના દાણાની મદદથી સ્પેસમાં એક છોડ ઉગાડ્યો છે. આ સાથે તેમણે ‘થેલ ક્રેસ’ નામનો છોડ ઉગાડવામાં પણ સફળતા મેળવી છે, જે કોબીજ અને બ્રસેલ્સ સ્પ્રાઉટ જેવા લીલા શાકભાજીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ છોડ ઝડપથી વિકિસત થાય છે
ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ (CAS) એ ટીવી ચેનલ CGTNને જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર જ સ્પેસમાં ઉગાડેલા ‘થેલ ક્રેસ’નામના છોડમાં કેટલીક કૂંપણો ફૂટી છે. જ્યારે લાંબા દાંડીવાળા ચોખાના છોડ 30 સેમી અને ટૂંકા દાંડીવાળા ચોખાના છોડ 5 સેમી જેટલા ઊંચા થયા છે. આ સિવાય ચીની અવકાશયાત્રીઓએ બીજી અન્ય પ્રકારની શાકભાજી ઉગાડવાનો પ્રયાસ પણ કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચીનના તિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર બનેલી ઝીરો-ગ્રેવિટી લેબમાં ચાલી રહેલા આ પ્રયોગો ખૂબ જ સફળ રહ્યા છે.

થેલ ક્રેસ છોડમાં અમુક કૂંપણો ફૂટી છે અને હવે આ છોડને મોટો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
થેલ ક્રેસ છોડમાં અમુક કૂંપણો ફૂટી છે અને હવે આ છોડને મોટો બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

આ પ્રયોગનું લક્ષ્ય શું છે?
છોડની ખેતીના આ પ્રયોગ દ્વારા સ્પેસ સ્ટેશન પર સવાર શેનઝોઉ-14 ક્રૂ અંતરિક્ષમાં ઉગાડેલ ચોખાના છોડની આખી લાઈફ સાયકલનો અભ્યાસ કરવા માગે છે. વૈજ્ઞાનિકો એ જોવા માગે છે કે, આ છોડની ગુણવત્તા સુધારવા માટે અંતરિક્ષના વાતાવરણનો કેવી રીતે ઉપયોગ કરી શકાય?

પૃથ્વી પર ડિસેમ્બર સુધીમાં આ છોડ આવશે
CASના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલ આ છોડને વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં પૃથ્વી પર લાવવામાં આવશે. આ એટલા માટે છે કારણ કે, તેમને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં વધુ સમય લાગશે. આની તુલના પૃથ્વી પર ઉગાડવામાં આવતા ચોખાના છોડ સાથે કરવામાં આવશે. આ છોડ પર વધુ શું સંશોધન કરવામાં આવશે, તેની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

આ પ્રયોગ ચીનના તિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર બનેલી ઝીરો-ગ્રેવિટી લેબમાં ચાલી રહ્યો છે.
આ પ્રયોગ ચીનના તિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર બનેલી ઝીરો-ગ્રેવિટી લેબમાં ચાલી રહ્યો છે.

આ પહેલા પણ અંતરિક્ષમાં છોડ પર પ્રયોગો થયા હતા
આ પહેલીવાર નથી જ્યારે ચીને અવકાશમાં છોડના બીજનો પ્રયોગ કર્યો હોય. ગયા વર્ષે જુલાઈમાં, ચીનના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાંથી લાવેલ બીજમાંથી ઉગાડેલા ચોખાની પહેલી લણણી કરી હતી. તેમણે ચાંગ'એ-5 મિશન સાથે 40 ગ્રામ ચોખાના દાણાને અવકાશમાં મોકલ્યા, ત્યારબાદ તે પૃથ્વી પર ઉગાડવામાં આવ્યા.