છેલ્લાં 10 વર્ષમાં દુનિયામાં અમેરિકાથી લઈને આફ્રિકા અને એશિયાથી લઈને યુરોપ સુધી અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે, તો કોરોનાને કારણે લોકોમાં તણાવ, ગુસ્સો ને ચિંતાનું લેવલ પણ વધી ગયું છે, લોકો હવે પહેલાં કરતાં વધારે ઉદાસ અને દુઃખી રહેવા લાગ્યા છે, એમાં પણ મહિલાઓમાં આ પ્રમાણ વધ્યું છે.
છેલ્લા એક દાયકામાં લોકોની માનસિક હાલતમાં શું ફેરફાર થયો છે અને તેમની ભાવના જાણવા માટે ગેલપ વર્લ્ડ પોલ દ્વારા 2012થી 2021 સુધી 150 દેશના 12 લાખ લોકો પર સર્વે કરવામાં આવ્યો છે, જેના પરથી ખબર પડી છે કે 10 વર્ષ પહેલાં મહિલા અને પુરુષોમાં ગુસ્સા અને તણાવનું લેવલ એક સરખું હતું, પરંતુ છેલ્લાં 10 વર્ષથી મહિલાઓમાં તનાવનું પ્રમાણ વધી ગયું છે. હવે તો પહેલાં કરતાં વધુ ગુસ્સે થાય છે.
મહિલાઓમાં ગુસ્સાનું લેવલ 6% વધારે
તો આંકડાઓ પર નજર નાખવામાં આવે તો સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓમાં ગુસ્સાનું લેવલ પુરુષો કરતાં 6% વધારે છે. ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓમાં તણાવ અને ગુસ્સાનું લેવલ વિશ્વ કરતાં બમણું છે, એટલે કે 12% છે. ભારતમાં 27.8% પુરુષો ગુસ્સો કરે છે, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ 40.6% છે. કોરોના મહામારીનાં બે વર્ષમાં એમાં પણ વધુ વધારો થયો છે.
આત્મનિર્ભરતાને કારણે બરાબરીની વાત શીખી
મનોવૈજ્ઞાનિક ડૉ. લક્ષ્મી વિજય કુમાર, વિશ્વભરની મહિલાઓમાં વધતા તણાવ અને ગુસ્સાનું કારણ સમજાવે છે. તેઓ જણાવે છે કે તમામ દેશોમાં મહિલાઓ પહેલાં કરતાં વધુ શિક્ષિત બની અને નોકરી કરવા લાગી છે, જેને કારણે મહિલાઓમાં આત્મનિર્ભરતાથી વધુ આત્મવિશ્વાસ મળ્યો છે, પરંતુ આજે અમુક ઘરોમાં સમાનતાની વાત કરવામાં આવે છે ત્યારે પિતૃસત્તાક વ્યવસ્થા વચ્ચે આવી જ જાય છે.
આ અસંતુલન વચ્ચે પીડિત મહિલાઓ પણ હવે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. મહિલાઓ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. પહેલાં મહિલાઓના ગુસ્સો કરવો એના કારણ કરતાં પણ વધુ ખરાબ માનવામાં આવતું હતું. જોકે સમાજની વિચારસરણી બદલાઈ ગઈ છે. હવે આ નૈતિક દબાણ ઘટ્યું છે. એક દાયકામાં સ્ત્રીઓ તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે સશક્ત બની છે.
ઓછો પગાર, વધુ અપેક્ષા પણ ગુસ્સો વધવાનું કારણ
મહિલાઓના ગુસ્સા પર પુસ્તક 'રેજ બિકમ્સ હર' લખનાર અમેરિકન લેખિકા સોરયા શેમલી જણાવે છે કે સ્વાસ્થ્ય જેવી સેવાઓમાં મહિલાઓની ભાગીદારી પુરુષો કરતાં વધુ છે, પરંતુ તેમને કામ કરતાં ઓછો પગાર મળે છે. તેમની પાસેથી અપેક્ષાઓ વધુ હોય છે, તેમના ઘરની મહિલાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે, જેના કારણે તેમનામાં ગુસ્સો વધી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.