ભાસ્કર એક્સક્લૂસિવનાની ઉંમરમાં ગુજરાતીઓમાં હાર્ટ-એટેકનું પ્રમાણ કેમ વધ્યું?:પહેલાં 60 વર્ષે હવે 30 વર્ષની ઉંમરમાં કેમ આવે છે? ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટર્સે જણાવ્યાં શૉકિંગ કારણો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ

આજે 29 સપ્ટેમ્બરના દિવસને ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં અમેરિકા, જાપાન, યુરોપના દેશોની તુલનાએ ભારતીયોને હાર્ટ-એટેક તથા બ્લોકેજનું જોખમ વધુ છે. મે મહિનામાં યોજાયેલા બે દિવસીય ‘HAL મેડિકોન-2022’માં જાણીતા દેશના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સી. એન. મંજુનાથે ચેતવણી આપતાં કહ્યું હતું કે 2030 સુધીમાં ભારતમાં સૌથી વધુ મોત કાર્ડિયાક બીમારીને કારણે થશે. આજકાલ નાની ઉંમરમાં હાર્ટ-એટેક આવવાનું પ્રમાણ વધી ગયું છે. દિવ્ય ભાસ્કરે ગુજરાતના ટોચના ડૉક્ટર્સ સાથે વાત કરીને નાની ઉંમરમાં હાર્ટ-એટેક આવવાનાં કારણો અંગે વાત કરી હતી.

હાર્ટ-એટેકનું મુખ્ય કારણ ક્યું?
અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શૈલેષ દેસાઈએ સ્વીકાર્યું હતું કે છેલ્લા બે દાયકામાં હૃદયરોગનું પ્રણામ વધ્યું છે. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘નાની ઉંમરમાં હાર્ટ-એટેકનું મુખ્ય કારણ જંકફૂડ છે. આજકાલ યુવાનો એક્સરસાઇઝ કરતા નથી. વાહનોનાં વધતા પ્રમાણને કારણે ચાલવાનું લગભગ બંધ થઈ ગયું છે. સમયની મારામારીને કારણે સ્ટ્રેસ પુષ્કળ વધ્યો છે. હોમમેડ નાસ્તા ને ભોજનને બદલે બહારનું ખાવાનું વધ્યું છે. ટેન્શન વધ્યું છે. આ સાથે જ રાતના ઉજાગરા વધ્યા છે. ખાસ કરીને IT ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો રાતના બે-બે વાગ્યા સુધી કામ કરે છે અને તેને કારણે આપણા શરીરમાં રહેલાં હજારો કેમિકલ તેમની લય પ્રમાણે ચાલતાં હોય તેને ડિસ્ટર્બન્સ થાય છે. આ જ કારણે નાની ઉંમરે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી બીમારી થાય છે.’

ડૉ. શૈલેષ દેસાઈ રોજ એક કલાક ટેનિસ રમે છે.
ડૉ. શૈલેષ દેસાઈ રોજ એક કલાક ટેનિસ રમે છે.

યુવાનો હેલ્થને પ્રાયોરિટી આપતા નથી
વધુમાં તેમણે કહ્યું હતું, ‘બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ 20 વર્ષના યુવાનોમાં પણ જોવા મળે છે. ત્યારબાદ 10 વર્ષમાં હાર્ટ-એટેક, પેરાલિસિસ જેવી બીમારી થાય છે. આજકાલના યુવાનો એમ સમજે છે કે 40-45 વર્ષ સુધી અમારે કોઈ ચેકઅપની જરૂર નથી. નાની ઉંમરના લોકોએ સજાગ થવાની જરૂર છે. આપણે SIP નાની ઉંમરે કરાવીએ છીએ, તે જ રીતે નાની ઉંમરથી જ હૃદયની કાળજી લેવાની જરૂર છે. વર્ક-લાઇફ બેલેન્સ કરવાની જરૂર છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ તથા વજન આ ચાર વાત મહત્ત્વની છે. આજના યુવાનો હેલ્થને પ્રાયોરિટી આપતા નથી અને તેથી જ તેમણે વધુ સહન કરવું પડે છે.’

ભારતીયોમાં હાર્ટ-એટેક આવવાનું જોખમ વધારે
ખ્યાતનામ કાર્ડિયાક સર્જન ડૉ. અનિશ ચંદારાણાએ નાની ઉંમરમાં હાર્ટ-એટેક આવવાનું કારણ લાઇફસ્ટાઇલ બદલાઈ હોવાનું માને છે. તેમણે કહ્યું હતું, ‘ભારતની વાત કરીએ તો ભારતમાં રહેતા લોકોને દુનિયામાં સૌથી વધુ જોખમ નળીઓ બ્લોક થવાનું તથા હાર્ટ-એટેક આવવાનું છે. અમેરિકા, જાપાન, યુરોપની તુલનાએ ભારતીયોમાં આ જોખમ વધુ રહેલું છે. ભારતીયોના જિન્સ (જનીન) જ એવા છે કે તેમને હાર્ટ-એટેક આપશે. નાની ઉંમરે વધારે મોટો ને ડેન્જરસ હાર્ટ-એટેક આપશે. નળીઓમાં વધારે બ્લોકેજ પણ આપશે.’

ડૉ. અનિષ ચંદારાણા રોજ 100-130 મિનિટ એક્સરસાઇઝ કરે છે.
ડૉ. અનિષ ચંદારાણા રોજ 100-130 મિનિટ એક્સરસાઇઝ કરે છે.

કોલેસ્ટેરોલ અંગે પુષ્કળ ગેરમાન્યતા
ડૉ. અનિશ ચંદારાણાએ લોકોમાં પ્રવર્તતી કોલેસ્ટેરોલ અંગેની ગેરમાન્યતાઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘કોલેસ્ટેરોલની બાબતમાં બે એક્સ્ટ્રીમ સિનારિયો જોવા મળે છે. એક વર્ગ એવો છે, જેમનું કોલેસ્ટેરોલ હાઇ છે અને તેમને દવાની જરૂર છે, પરંતુ તે આ બધામાં માનતો નથી. તેઓ કોલેસ્ટેરોલ જેવું કંઈ જ હોતું નથી અને આ વાતો ખોટી હોવાનું માને છે. જ્યારે બીજો વર્ગ એવો છે, જે કોલેસ્ટેરોલની દવા લઈને કોઈ જાતની ચરી પાળતો નથી અને બધું જ ખાતો હોય છે. હંમેશાં સાચો રસ્તો મધ્યમ માર્ગ છે. કોલેસ્ટેરોલ જોખમી છે. તે હાર્ટ-એટેક આવવાનું એક કારણ છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લાઇફ સ્ટાઇલ પણ હાર્ટ-એટેક આવવાનાં મહત્ત્વનાં કારણો છે. કોલેસ્ટેરોલ વધારે એટલે હાર્ટ-એટેક આવવાનું જોખમ વધારે. દરેક વ્યક્તિએ લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું જરૂરી છે. કોલેસ્ટેરોલ વધારે રહેતું હોય તો યોગ્ય ડૉક્ટરને પૂછીને દવા લેવી. જાતે કોઈ દવા લેવી જોઈએ નહીં.’

લાઇફસ્ટાઇલ બદલાઈ
વધુમાં તેમણે કહ્યું હતું, ‘છેલ્લાં 20-25 વર્ષમાં લાઇફસ્ટાઇલમાં ઘણું જ પરિવર્તન આવ્યું. બેઠાડુ જીવન, કસરતનો અભાવ, સ્ટ્રેસ, દરેક માણસને આજે ને આજે આગળ વધવું છે. ગુસ્સો, તાણ, સ્મોકિંગ, તમાકુ અને દુઃખદ વાત એ છે કે નાની ઉંમરની યુવતીઓમાં પણ સ્મોકિંગનું પ્રમાણ વધ્યું છે. ડ્રગ્સનું ચલણ વધ્યું છે. જો ભારત દેશ આજથી જાગ્રત થાય અને તમામ હાર્ટ ડિસીઝ પ્રિવેન્શનની કાળજી રાખે તો પણ હાર્ટ-એટેકનો ગ્રાફ જે સતત ઉપર જઈ રહ્યો છે, તેને સ્થિર કરવામાં અને નીચે લાવવામાં 20-25 વર્ષ જેટલો સમય લાગશે. હું એક વાક્યમાં આ વાત કહીશ કે જિન્સ લોડ ધ ગન એન્ડ એન્વાયર્નમેન્ટ, હેબિટ્સ ટ્રિગર ધ બટન.’

ડૉ. તેજસ પટેલ સવારે ચાર વાગ ઊઠીને મેડિટેશન તથા એક્સરસાઇઝ કરે છે.
ડૉ. તેજસ પટેલ સવારે ચાર વાગ ઊઠીને મેડિટેશન તથા એક્સરસાઇઝ કરે છે.

હવે નાની ઉંમરે હાર્ટ-એટેક આવે છે
જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. તેજસ પટેલે નાની ઉંમરમાં હાર્ટ-એટેકનાં કારણો આપતાં કહ્યું હતું, ‘હાર્ટ-એટેકનું પ્રમાણ લાઇફસ્ટાઇલ તથા ટેક્નોલોજીને કારણે વધુ ડિટેક્ટ પણ થાય છે. આમ આ બંને કારણે વધ્યા હોય તેમ લાગે છે. જ્યારે મેં 1980માં મેડિકલ ફિલ્ડમાં MBBS જોઇન કર્યું ત્યારે 55-60ની ઉંમરની વ્યક્તિને હાર્ટ-એટેક આવે તો એમ કહેવાતું કે વહેલી ઉંમરમાં હાર્ટ-એટેક આવ્યો. દસકા પછી 50-55ની ઉંમરમાં હાર્ટ-એટેકનું પ્રમાણ વધ્યું, દસકા પછી 40-45ની ઉંમરમાં હાર્ટ-એટેક આવવા લાગ્યા. પછી 30-40ની ઉંમરમાં હાર્ટ-એટેક આવતો હતો. હવે તો 30 વર્ષથી પણ નાની ઉંમરમાં હાર્ટ-એટેક આવવા લાગ્યા છે.’

કારણો શું છે?
ડૉ. તેજસ પટેલે કારણો આપતાં કહ્યું હતું, 'લાઇફસ્ટાઇલ સ્પર્ધાત્મક થઈ ગઈ છે, દરેક વ્યક્તિ દોડતો થઈ ગયો છે. દરેકને 'પિયર પ્રેશર પરફોર્મન્સ' પણ વધી ગયું છે. દરેક ફિલ્ડના લોકોને પોત-પોતાનાં કામનું પ્રેશર હોય છે. આ પ્રેશર એટલા માટે વધી ગયું છે કે બહુ બધા લોકો બહુ ઓછી જગ્યા માટે કોમ્પિટ કરી રહ્યા છે. આ બધી બાબતોને કારણે ખરાબ હોર્મોન શરીરમાં જનરેટ થાય અને હાર્ટને ડિસ્ટર્બ કરે. આ ઉપરાંત ખરાબ તેલ, જંકફૂડ, આ બધી વસ્તુઓ ભેગી થાય છે. પુરુષોમાં સ્મોકિંગનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ કમનસીબે યુવતીઓમાં આ પ્રમાણ વધ્યું છે.’

ગુજરાતના જાણીતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ધીરેન શાહે વિગતે હાર્ટ-એટેક અંગે સમજાવ્યું હતું. તેમના મતે, હાર્ટ-એટેક આવવા પાછળ અનેક પરિબળો છે.

1. મલ્ટિપલ પરિબળો છે. હાર્ટ રોગનાં કારણો વિવિધ છે. વારસાગત (જો બાપ-દાદાને 70-80ની ઉંમરમાં હાર્ટએટેક આવ્યો, એના પછીની પેઢીને 50-60માં આવે. વર્તમાન જનરેશનને 30-40ની ઉંમરે હાર્ટ-એટેક આવે), જિનેટિક મ્યુટેશન થયા કરે છે. જે લોકોને વારસાગત આ બીમારી છે તો તેમણે ખાસ ધ્યાન રાખવું કે પિતા કે દાદા અથવા તો ઘરમાં કોઈને હાર્ટ-એટેક આવ્યો હોય તો તેમને આવવાની શક્યતા વધારે છે. લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરે, નાનપણથી લાઇફ સ્ટાઇલ મેન્ટેઇન રાખે તો વાંધો આવે નહીં.

2. બીજું સૌથી અગત્યનું કારણ ડાયાબિટીસ છે. ગુજરાત અને રાજસ્થાન ડાયાબિટીસનાં હબ છે. ડાયાબિટીસને કારણે હાર્ટને લગતી બીમારીઓ વધી છે.

3. ત્રીજું પરિબળ લાઇફ સ્ટાઇલ છે. ગમે તે ખાઈ લેવાનું, જંકફૂડનું પ્રમાણ વધ્યું છે. ખાવામાં કોઈ જાતની ડિસિપ્લિન રહી નથી. જે વસ્તુ ખાવાની છે, તે ખાતા નથી. હું બધાને કહું છું કે તમારી ડિશ કલરફુલ હોવી જોઈએ. તમારી ડિશમાં દરેક કલર હોવો જોઈએ. તમારી ડિશમાં ફ્રૂટ્સ, શાકભાજી હશે તો ડિશ કલરફુલ હશે. જો તમારી ડિશ કલરફુલ હશે તો તમારી લાઇફ કલરફુલ હશે.

4. ચોથું સૌથી અગત્યનું પરિબળ સ્ટ્રેસ છે. ઓવર એક્સપોઝર, સ્પર્ધાત્મક સમય, ઓવર ઓક્સોપઝર ઑફ નોલેજ તથા મીડિયાને કારણે આ બધું વધ્યું છે. નોલેજ એક લિમિટ સુધી હોય તો સારું છે, પરંતુ જો તમને વધુ પડતું નોલેજ હોય તો તમારું સ્ટ્રેસ લેવલ વધી જાય છે. રેટ રેસ વધી ગઈ છે. આ જ કારણે હાર્ટ-એટેક વધી ગયા છે.

ડૉ. ધીરેન શાહ એક્સરસાઇઝ માટે એક કલાક ફાળવે છે.
ડૉ. ધીરેન શાહ એક્સરસાઇઝ માટે એક કલાક ફાળવે છે.

વધુ પડતી એક્સરસાઇઝ પણ હાર્ટ-એટેકનું કારણ
ડૉ. ધીરેન શાહે ફિલ્મ સ્ટાર્સને એક્સરસાઇઝ સમયે કેમ હાર્ટ-એટેક આવે છે, તે વાત સારી રીતે સમજાવી હતી. તેમણે કહ્યું હતું, ‘અહીંયાં એક સૌથી મહત્ત્વની બાબત સ્ટ્રેસ ફેક્ટર છે. બોલિવૂડ સેલેબ્સ જે-તે લેવલે પહોંચવા માટે ઘણી જ મહેનત કરે છે અને ત્યાં ટકી રહેવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડતી હોય છે. આ બધામાં તેમને પુષ્કળ સ્ટ્રેસ થાય છે. દેખાદેખીમાં તેઓ એક્સરસાઇઝ પોઇન્ટ ઓફ વ્યૂથી ઓવર સ્ટ્રેચ કરી નાખે છે. દરેક બૉડીની એક લિમિટેશન હોય છે. બૉડી પાસે વધુ એક્સરસાઇઝ કરાવો તો સ્ટ્રેસ વધે છે અને હાર્ટ-એટેકનું પ્રમાણ વધે છે. બધું જ માપસર કરવામાં આવે તો તે યોગ્ય છે.’

ડાયાબિટીસના દર્દીને હાર્ટ-એટેક આવવાનાં લક્ષણો અલગ
છેલ્લે ડૉ. ધીરેન શાહે એક વાત સમજાવી હતી, ‘ડાયાબિટીસના દર્દીમાં હાર્ટ-એટેક આવવાનાં લક્ષણો અલગ છે. તમે જમ્યા પછી ચાલી ના શકો અથવા તો તમને બેચેની જેવું લાગે તો તેને અવગણશો નહીં. આ હૃદયની નળીમાં બ્લોકેજ થવાની શરૂઆત છે. આ લક્ષણોને જો ધ્યાનમાં લેવામાં આવે તો હાર્ટ-એટેકથી બચી શકાય છે.’

અન્ય સમાચારો પણ છે...