હેલ્થ ટિપ્સ:ચિકન ખાધાં પછી તમારે દૂધ કે દૂધની બનાવટો ખાવાની શા માટે ટાળવી જોઈએ?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુર્વેદમાં કેટલાંક ખોરાકના સંયોજનો પ્રતિબંધિત છે અને તેને ‘વિરુદ્ધ આહાર’ માનવામાં આવે છે. જો તેમને એકસાથે ખાવામાં આવે તો પાચનની તકલીફથી લઈને ત્વચા સુધીની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. પ્રાચીન ઓષધીય પ્રથા મુજબ મીઠું અને દૂધ એ એક ખરાબ ફૂડ કોમ્બિનેશન છે અને તે જ રીતે માંસાહારી ખોરાક અને દૂધ પણ ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. જો તમે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પીડાતાં હોવ તો તમે શું ખાઈ રહ્યાં છો તેના પર ફરી વિચાર કરવાનો સમય આવી ગયો છે.

આયુર્વેદના નિષ્ણાત ડૉ. નીતિકા કોહલી કહે છે કે, સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગ્ય સમયે અને યોગ્ય પ્રકારનું ભોજન ખાવું જરુરી છે. તેઓ ઉમેરે છે કે, આયુર્વેદમાં ચિકન અને દૂધ એકસાથે ખાવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે, તેની પાછળનું મુખ્ય કારણ કફ, વટ અને પિત્ત એમ ત્રણ દોષોનું અસંતુલન છે, જે વ્યક્તિનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ડૉ. કોહલી તેની તાજેતરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહે છે, ‘ચિકન (અથવા અન્ય કોઈ માંસાહારી ખોરાક) સાથે દૂધનું સંયોજન એ સારો વિચાર ન હોઈ શકે, કારણ કે દૂધની પાચનપ્રક્રિયા ચિકનના પાચનપ્રક્રિયાથી અલગ છે.

તેણી ઉમેરે છે કે, દૂધ અને ચિકન સાથે ખાવાથી શરીરમાં ઝેર એકઠું થઈ શકે છે. બીજી તરફ ચિકન એટલું ભારે હોય છે કે, લોકો તેને સરળતાથી પચાવી શકતાં નથી અને પાચન સાથે જોડાયેલી બીમારીઓનો શિકાર બને છે. આયુર્વેદ નિષ્ણાત કહે છે કે, આ સંયોજનના સેવનથી લાંબાગાળે પ્રતિકૂળ અસરો પણ થઈ શકે છે. આ અસરોમાં પેટમાં દુખાવો, ઉબકા, અપચો, ગેસ, પેટનું ફૂલવું, અલ્સર, ખરાબ ગંધ, કબજિયાત, એસિડ રિફ્લક્સ અને ત્વચાની ઘણી ગંભીર વિકૃતિઓ જેવી આંતરડા સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ કારણોસર આ બંને ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. આ બંને ભોજનમાં 2 કલાકનું અંતર રાખવું.