હેલ્થ અલર્ટ:તમારું બાળક મેદાન કરતાં મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે તો તે ડાયાબિટીસનો શિકાર બની શકે છે, એક્સપર્ટ પાસેથી જાણો બાળકને હેલ્ધી રાખવાની ટિપ્સ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટીસનું જોખમ ઓછું કરવા માટે જંકફૂડને બદલે બાળકોને હેલ્ધી ડાયટ આપવું જોઈએ
  • બાળકોનું વજન કન્ટ્રોલમાં રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

તમારી આસપાસ તમે નજર કરશો તો તમને લગભગ દરેક ઘરમાં મિનિમમ એક ડાબાટિસનો દર્દી જોવા મળશે. પહેલાં વડીલોને ડાયાબિટીસન થાય તે માટેની સલાહ સૂચનો અપાતાં હતા હવે આ સલાહ બાળકોને આપવાનો વારો આવ્યો છે. તેનું કારણ બાળકોમાં વધી રહેલાં પ્રી ડાયાબિટીસનાં લક્ષણો છે. શા માટે બાળકો પર ડાયાબિટીસનું જોખમ તોળાઈ રહ્યું છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તેના માટે 'દિવ્ય ભાસ્કર'એ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલની કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ એન્ડ ડાયબિટોલોજિસ્ટ ડૉ. નિશા કેમલ અને થિંક યુના ડાયટિશિયન ડૉ. હિમાંશુ રાય સાથે વાતચીત કરી...

ઉંમર અને ડાયાબિટીસને કોઈ લેવાદેવા નહિ

આપણો દેશ 'ડાયાબિટીસ કેપિટલ ઓફ વર્લ્ડ'ના નામે ઓળખાય છે. WHOના ડેટા પ્રમાણે ભારતમાં 8.7% વસતી ડાયાબિટીક છે. તેમાં 20થી 70 વર્ષની ઉંમરના લોકો સામેલ છે. યુનિસેફ એન્ડ પોપ્યુલેશન કાઉન્સિલ અમંગ ચિલ્ડ્રન એન્ડ અડોલેસેન્સે દેશનો પ્રથમ ન્યૂટ્રિશનલ સર્વે કર્યો છે. 2019માં જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, 10માંથી એક બાળક પ્રી ડાયાબિટીક છે.

આ કારણે બાળકો પર જોખમ
ડૉ. નિશા જણાવે છે કે હાલના સમયમાં બાળકો મેદાનમાં ઓછો અને મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે. હેલ્ધી ફૂડને બદલે જંક ફૂડ તરફ દોટ મૂકે છે. તેને કારણે બાળકોનું વજન વધી રહ્યું છે. કોરોનાકાળમાં ઘરે પૂરાઈ રહેવાને કારણે તેઓ મેદસ્વી બની રહ્યા છે.

ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. હિમાંશુ રાય જણાવે છે કે, લોકોની માનસિકતા સ્વાદને સ્વાસ્થ્ય કરતાં પર રાખવાની છે. માર્કેટમાં સ્વાદનો જાદુઈ જાળ ફેલાઈ રહ્યો છે. તેમાં બાળકો ફસાઈ ગયા હોવાથી તેઓ હાઈ કેલરી અને હાઈ શુગર ડાયટ લઈ રહ્યા છે. આવું ભોજન લેવાથી બાળકો મેદસ્વી કેટેગરીમાં સામેલ થઈ રહ્યા છે. મેદસ્વિતાને કારણે ડાયાબિટીસનું જોખમ તોળાઈ રહ્યું છે.

તમારા બાળકોમાં આ લક્ષણો તો નથી ને?
આપણા દેશમાં મેદસ્વી લોકોને હેલ્ધી ગણવામાં આવે છે. ભારે વજન અને ગોલમટોલ વ્યક્તિને સુખી સંપન્ન ગણવામાં આવે છે. આ માનસિકતા બદલવાની જરૂર છે.

જો તમારું બાળક પ્રી ટીનેજ, ટીનેજ અથવા યંગ એડલ્ટ હોય અને તે મેદસ્વી બની રહ્યુ હોય તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. જો તમારા બાળકને વારંવાર પાણીની તરસ લાગી રહી હોય, વારંવાર યુરિન કરવા જવું પડતું હોય અને આખો દિવસ આળસ આવતી હોય તો તે ડાયાબિટીસનાં લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો તમારે અલર્ટ થઈ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ રીતે બાળકને ડાયાબિટીસથી દૂર રાખો

  • બાળકોને હેલ્ધી ડાયટની જરૂરિયાત સમજાવો.
  • મોબાઈલને બદલે તેમને મેદાન પર મોકલો.
  • ડેઈલી રૂટિનમાં બાળકો સાથે એક્સર્સાઈઝ કરો.
  • બાળકોને જંકફૂડથી દૂર રાખો.
અન્ય સમાચારો પણ છે...