• Gujarati News
 • Lifestyle
 • Health
 • Why Did Superfit Siddharth Shukla Have A Heart Attack? What Does 'Six Pack Abs' Crazy Youth Have To Learn From Siddharth's Death?

હેલ્થ અલર્ટ:સુપરફિટ સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક કેમ આવ્યો? સિદ્ધાર્થના મોત પરથી ‘સિક્સ પૅક એબ્સ’ ક્રેઝી યુવાનોએ શું શીખવા જેવું છે?

2 મહિનો પહેલા
 • 150 કેલરીની સામે 25 ગ્રામ પ્રોટીનનો આદર્શ રેશિયો હોવો જોઇએ
 • જિમ અને અન્ય ફિઝિકલ એક્ટિવિટીમાં શરીરમાં પ્રતિ ગ્રામે મેક્સિમમ 1.5 ગણું પ્રોટીન લઈ શકાય
 • વધારે પડતું પ્રોટીન લેવાથી ખરાબ કોલેસ્ટેરોલમાં LDLનું પ્રમાણ વધવાથી હાર્ટ અટેકની સંભાવના રહે છે

સિક્સ પૅક એબ્સ ધરાવતા સુપરફિટ એક્ટર ‘ફિટેસ્ટ ટીવી એક્ટર’નો ખિતાબ જીતનારા અદાકાર સિદ્ધાર્થ શુક્લાના માત્ર 40 વર્ષની વયે હાર્ટ અટેકથી થયેલા નિધને દેશભરની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને ચાહકોને જબ્બર આઘાત આપ્યો છે. કોઇને એ સમજાઈ રહ્યું નથી કે બબ્બે કલાક સુધી જિમિંગ અને જોગિંગ કરનારા અને યુવાનોને ફિટનેસ ટિપ્સ આપનારા આ યુવા એક્ટરને કઈ રીતે હાર્ટઅટેક આવી શકે. આ લખાઈ રહ્યું છે ત્યારે તો સિદ્ધાર્થનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી, એટલે તેના મૃત્યુનું સત્તાવાર કારણ જાહેર કરાયું નથી, પરંતુ મીડિયામાં આવેલી એક વાત પ્રમાણે સિદ્ધાર્થ ફિટનેસ માટે કોઈ દવાઓ લેતો હતો અને જિમ ટ્રેનરની સલાહથી વિપરિત વધુ પડતી એક્સર્સાઇઝ પણ કરતો હતો.

સિદ્ધાર્થની વાત થોડી વાર માટે બાજુ પર મૂકીને આપણી આસપાસ નજર ફેરવીએ તો સ્પષ્ટ દેખાઈ આવશે કે આજકાલના યુવાનો પણ ‘સિક્સ પૅક એબ્સ’વાળું ફિટ બોડી બનાવવા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરવા માટે એવા ઘેલા થયા છે કે જિમિંગ ઉપરાંત પ્રોટીન સપ્લિમેન્ટ્સનો પણ મારો ચલાવી રહ્યા છે. ટીવી, સોશિયલ મીડિયા અને અખબારોમાં પણ પ્રોટીન સપ્લિમેન્ટ્સની જાહેરખબરોનો રાફડો ફાટ્યો છે. વધુ પડતી એક્સર્સાઇઝ અને માર્કેટમાં ધૂમ વેચાતાં આ પ્રોટીન સપ્લિમેન્ટ્સ ફાયદો કરવાને બદલે નુકસાન કરી શકે કે કેમ? તે યુવાનોમાં પણ હાર્ટ અટેક નોતરી શકે કે કેમ? આ વિશે ‘દિવ્ય ભાસ્કરે’ વિવિધ એક્સપર્ટ્સ સાથે વાત કરી.

‘સિન્થેટિક પ્રોટીન પહેલાં કિડની પર અને પછી હાર્ટ પર અસર કરે છે’: કાર્ડિયોલોજિસ્ટ
પ્રોટીન આપણા શરીર માટે અનિવાર્ય છે, પરંતુ અત્યારની યંગ જનરેશન કુદરતીને બદલે સિન્થેટિક પ્રોટીનના રવાડે ચડી છે. અમદાવાદની યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજીના પ્રોફેસર અને હેડ ડૉ. જયેશ પ્રજાપતિ કહે છે, ‘જિમમાં યુવાનનો સિન્થેટિક પ્રોટીન પાઉડર અપાય છે, અને પછી વેઇટ લિફ્ટિંગ જેવી એક્સર્સાઇઝ કરાવાય છે. તેનાથી ફટાફટ મસલ્સ બિલ્ડ થવા લાગે છે.

પ્રોટીન આપણા શરીર માટે ઘણું જરૂરી છે. જો કે અત્યારે યુવાનો સિક્સ પેક દેખાડવા માટે અને ફિટ રહેવા માટે જીમમાં જાય છે. તે સાથે ઝડપથી બોડી બનાવવા માટે અત્યારની યંગ જનરેશન સિન્થેટિક પ્રોટીન લઈ રહી છે. આ વિશે અમદાવાની યુ. એન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીના પ્રોફેસર અને હેડ ડૉ. જયેશ પ્રજાપતીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી છે. તેમને જણાવ્યું છે, જીમમાં પહેલા યુવાનોને પ્રોટિન પાઉડર આપવામાં આવે છે અને પછી વેઈટિ લિફ્ટિંગ જેવી એક્સર્સાઈઝ કરાવવામાં આવે છે જેથી મસ્લસ જલ્દી બની જાય છે. કુદરતી પ્રોટીનની જગ્યાએ સિન્થેટિક પ્રોટીન લેવાથી સૌથી પહેલા તેની અસર કિડની પર થાય છે અને પછી હૃદય પર થાય છે. જેના કારણે હાર્ટ અટેક પણ ક્યારેક આવી શકે છે અથવા અચાનક મૃત્યુ પણ થઈ શકે છે. અલબત્ત, હાર્ટ અટેકનાં ઘણાં કારણો હોઈ શકે છે જેમાં ફેમિલી હિસ્ટ્રી પણ સામેલ હોય છે. જો પરિવારમાં કોઈને હાર્ટની સમસ્યા હોય તો પણ આવી સમસ્યા થઈ શકે છે.’

‘ગ્રાહકોની બૉડી પ્રમાણે જ પ્રોટીન સપ્લિમેન્ટ સજેસ્ટ કરાય છે’: જિમ ઑનર્સ
કોરોના આવ્યા પછી લોકો પોતાની ફિટનેસ પ્રત્યે જાગ્રત થયા છે. તેમાં સોશિયલ મીડિયાનું કોકટેલ શું સ્થિતિ સર્જી રહ્યું છે, તે વિશે વાત કરતાં અમદાવાદના ‘45 મિનિટ ફિટનેસ’ના ઑનર જય ભાવા કહે છે, ‘અમારે ત્યાં ન્યુટ્રિશનિસ્ટની સલાહ અને ગ્રાહકની બૉડી પ્રમાણે જ પ્રોટીન સપ્લિમેન્ટ સજેસ્ટ કરાય છે. સ્વસ્થ રહેવા માટે રોજનું 45 મિનિટનું વર્કઆઉટ પૂરતું છે. એક મહિનામાં 5 કિલો વજન ઉતારવું અને 2 કિલો વજન વધારવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી, પણ જો આ આંકડો વધી જાય તો શરીરને લોડ પડે છે. બાકી ફટાફટ બૉડી બનાવવાની લ્હાયમાં લીધેલા શોર્ટકટ્સ કિડની, લીવર પર અસર કરે છે અને તે શોર્ટકટ લાસ્ટ કટ પણ બનતાં વાર નથી લાગતી.’

અમદાવાદમાં જ ‘ઉમર જિમ’ના માલિક શેખ ઉમર મોહમ્મદ અલી પ્રોટીન પાઉડરના તો વિરોધી છે જ, પરંતુ સાથોસાથ તેઓ વધુ એક રસપ્રદ વાત કરતાં કહે છે કે પ્રોટીન પાઉડરમાં તગડી કમાણી છે તે બહુ ઓછા લોકો જાણે છે. વળી, માર્કેટમાં મળતા પ્રોટીન પાઉડર અસલી છે કે નકલી તેની કઈ ગેરેન્ટી? આ પાઉડર પાણીમાં ઉમેરીને થોડી વાર માટે પાણી સ્થિર રાખો. નકલી પ્રોટીન પાઉડર પાણીમાં નહીં ઓગળે. હવે વિચારો કે જે પાઉડર પાણીમાં ન ઓગળતો હોય તે શરીરમાં કઈ રીતે ઓગળે? એટલે શક્ય હોય ત્યાં સુધી આ બધી વસ્તુઓથી દૂર રહો અને જિમ વગેરેમાં પરસેવો પાડીને હેલ્ધી ભોજન કરો. તેનાથી પણ વજન વધારી કે ઘટાડી શકાય જ છે.’

‘શરીરના વજનના 0.8 ગણું જ પ્રોટીન લેવું જોઇએ’: ડાયેટિશિયન્સ
‘ફિટ રહેવા માટે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટનું સંતુલન ધરાવતું ડાયટ જરૂરી છે. સામાન્ય માણસે તેના વજનના 0.8 ગણું પ્રોટીન લેવું જોઈએ. અર્થાત્ તમારું વજન 60 કિલોગ્રામ છે તો દિવસનું 48 ગ્રામ પ્રોટીન તમારા માટે યોગ્ય રહેશે. આજકાલની યુવા પેઢી ફિટ રહેવા માટે અને એબ્સ બનાવવા માટે પ્રોટીન પર વધારે ધ્યાન આપી દે છે. પરંતુ હાઈ પ્રોટીન ઈન્ટેકથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ 33% જેટલું વધી જાય છે. હાઈ પ્રોટીન ઈન્ટેકથી ન માત્ર કાર્ડિયો વાસ્ક્યુલર ડિસીઝ, પરંતુ કિડની, લિવર અને હાડકાંનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે.’ આ સલાહ છે અમદાવાદનાં ક્લિનિકલ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ હિમાની અભિનય જોશીના. તેમના કહેવા પ્રમાણે વધારે પડતું પ્રોટીન લેવાથી શરીરમાં CRP (ક્રોનિક રિએક્ટિવ પ્રોટીન)ની માત્રા વધી જાય છે. આ એક પ્રકારનું પ્રોટીન ઈન્ફેક્શન છે. આટલું જ નહિ વધારે પડતું પ્રોટીન લેવાથી ખરાબ કોલેસ્ટેરોલમાં LDLનું પ્રમાણ વધી જાય છે. તેને લીધે હાર્ટ અટેકની સંભાવના રહે છે.

અમદાવાદનાં જ એક અન્ય ડાયેટિશિયન શ્રેયા કૃતાર્થ ઓઝા ચેતવણી આપતાં કહે છે કે, હાઈ પ્રોટીન ઈન્ટેકથી હાર્ટ અટેક્સ, બ્રેન ફોગિંગ અને ઈન્ટેન્સ્ટાઈન ડિસઓર્ડરની સમસ્યા સર્જાઈ શકે છે. આ સાથે જ કિડનીનું ફંક્શન પણ બગડી શકે છે. વધારે પડતું પ્રોટીન શરીરમાં જાય તો હૃદયના ધબકારા અનિયમિત બની જાય છે અને બ્લડ પ્રેશર ઓછું કે વધારે થઈ જાય છે. હૃદયની સમસ્યા ગંભીર બનતાં હાર્ટ અટેક પણ આવી શકે છે.

તો હેલ્થ જોખમમાં મૂક્યા વિના બૉડી કઈ રીતે બનાવવી?
આ લાખ રૂપિયાના સવાલના જવાબમાં ડૉ. જયેશ પ્રજાપતિ અને હિમાની જોશી ફિટનેસ ક્રેઝી યુવાનોને કેટલીક ટિપ્સ આપે છે...

 • પ્રોટીન ઇન્ટેક વધારવા માટે પ્રોટીન પાઉડર લેતા હો તો આ પાઉડર શુગરલેસ છે કે કેમ તે પણ ચકાસો. તેમાં 150 કેલરીની સામે 25 ગ્રામ પ્રોટીનનો આદર્શ રેશિયો હોવો જોઇએ.
 • આડેધડ પ્રોટીન લેતાં પહેલાં ડાયટિશિયન પાસે BMI (બોડી માસ ઇન્ડેક્સ), વજન, ઊંચાઈ, ડેઇલી એક્ટિવિટીઝ પ્રમાણે પ્રોપર ડાયટ પ્લાન તૈયાર કરાવો અને તેને જ અનુસરો.
 • મેડિકલ શૉપના ડિસ્કાઉન્ટ કે પછી લોભામણી જાહેરાતો જોઈ પ્રોટીન ઈન્ટેક વધારવા માટે ગમે તે પ્રોડક્ટનો ઉપયોગ ન કરો.
 • જિમ અને અન્ય ફિઝિકલ એક્ટિવિટીમાં શરીરમાં પ્રતિ ગ્રામે મેક્સિમમ 1.5 ગણું પ્રોટીન લઈ શકાય. અર્થાત તમારું વજન 54 કિલો હોય તો તમે મેક્સિમમ દરરોજ 81 ગ્રામ જેટલું પ્રોટીન લઈ શકાય. અત્યારે યંગસ્ટર્સ એક સાથે આડેધડ પ્રતિ કિલોએ 3 ગ્રામ જેટલું પ્રોટીન લઈ રહ્યા છે, જે જોખમી બને છે.
 • પ્રોટીન ઇન્ટેક ધીમે ધીમે વધારો. જિમના પહેલા જ દિવસથી મેક્સિમમ પ્રોટીન લેવાની જરૂર નથી. એબ્સ બનાવવા માટે પ્રોટીન જ આવશ્યક છે અને અન્ય ખાદ્યવસ્તુઓથી અળગા રહેવું તે ભ્રમ છે અને જોખમી પણ છે.
 • ડાયટિશિયનની સર્વિસ આપતું વિશ્વાસપાત્ર જિમ જ જોઇન કરો.
 • લેબ મેઇડ પ્રોટીનને બદલે કુદરતી પ્રોટીન લો. કુદરતી સ્રોતોથી પ્રોટીન ઈન્ટેક વધારવા માટે ટોફુ, પનીર, દહીં, સીડ્સ મિક્સ જેવાં નેચરલ સોર્સનો ઉપયોગ કરો.
 • માર્કેટમાં મળતાં વૅ (whey), સોયા અને પીસ પ્રોટીનની ખરીદી કરતાં પહેલાં તે કઈ બ્રાન્ડના છે અને તમે શેના માટે લઈ રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખો.
 • જિમમાં એક્સર્સાઈઝ કરવાની જગ્યાએ આઈસોમેટ્રિક એક્સર્સાઈઝ કરો. તેમાં વોકિંગ, સ્વિમિંગ જેવી એક્સર્સાઈઝ સામેલ છે. તેનાથી હાર્ટની સમસ્યાનું જોખમ ઓછું રહે છે.
 • આપણી જરૂરિયાતની કુલ કેલરીના 20થી 35 ટકા પ્રોટીન લેવું જોઈએ. જો કે, દરરોજ કેટલું પ્રોટીનનું સેવન કરવું તે ઉંમર, વજન અને વર્કઆઉટ પર આધાર રાખે છે.
 • જંક ફૂડને બદલે પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ યુક્ત હેલ્ધી ખોરાક ખાઓ.
 • ઘણા જિમવાળા તમને સિક્સ પેક્સ એબ્સની લાલચ આપી અધધધ ભાવના પ્રોટીન પાઉડર ચિપકાવી દે છે. કારણ કે જે તે કંપની તેમને કિંમતમાં 50% જેટલું માર્જિન આપતી હોય છે. આ પાઉડરથી ખરેખર તમને કેટલો ફાયદો થાય છે તે સમજવાની ખાસ જરૂર છે.

(સ્ટોરી ઇનપુટ્સઃ પ્રિયંકા પંચાલ, ફોરમ એરવાડિયા, ઇશિતા શાહ)