65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને લાંબા સમયથી ખરાબ સપના આવી રહ્યા હોય તો તેઓ પાર્કિસન્સ બીમારીનો ભોગ બની શકે છે. બર્મિંગહામ યુનિવર્સિટીના ન્યુરોલોજિસ્ટ આબિદેમી ઓટોઈકૂએ હાલમાં એક સ્ટડીમાં આ ખુલાસો કર્યો છે. સમગ્ર દુનિયામાં આ બીમારી 40 લાખ લોકોને છે, એટલે કે દર એક લાખમાંથી 13 લોકોને થાય છે.
સંશોધનમાં સામે આવ્યું કે જ્યાં સુધીમાં આ બીમારી વિશે જાણ થાય છે, ત્યાં સુધી વ્યક્તિએ પોતાના મગજમાંથી 60-80% સુધી ડોપામાઈન-રિલીઝિંગ ન્યૂરોન ગુમાવી દીધા હોય છે. તેથી તેનાથી બચવા માટે 65 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો, ખાસ કરીને પુરુષોને તેમના સપનાઓ વિશે પૂછી અથવા તેમના શરીરના ભાગની ગતિવિધિ જોઈ પાર્કિસન્સના પ્રારંભિક લક્ષણો જાણી શકાય છે.
પાર્કિસન્સના ચોથા ભાગના દર્દીઓ ખરાબ સપનાનો ભોગ
રિસર્ચ જણાવે છે કે સપનાથી આ બીમારી ગંભીર થવાની સંભાવના 2 ગણી વધી જાય છે. જો કે, એ સારી વાત છે કે ખરાબ સપનાથી પાર્કિસન્સ જેવી બીમારી વિશે જાણી શકાય છે, નહીં તો આ બીમારીની પુષ્ટિ માટે કરવામાં આવતા ટેસ્ટ ઘણા મોંઘા હોય છે. પાર્કિસન્સના ચોથા ભાગના દર્દીઓને ખરાબ સપના આવે છે. કેટલાક દર્દીઓ એવા પણ છે, જેમને 10 વર્ષથી ખરાબ સપના આવી રહ્યા છે.
પાર્કિસન્સથી પીડિત પુરુષોને મહિલાઓની તુલનામાં વધારે ખરાબ સપના આવે છે, જ્યારે મહિલાઓને પ્રારંભિક તબક્કામાં જ ખરાબ સપના આવવાની સંભાવના પુરુષોની તુલનામાં વધારે હોય છે. પુરુષોમાં ખરાબ સપનાની શરૂઆત પણ ન્યૂરોડિજનરેશનની નિશાની છે.
ખરાબ સપના આવવાથી માનસિક બીમારીનું જોખમ બમણું રહે છે
12 વર્ષ સુધી કરવામાં આવેલા રિસર્ચમાં 3,818 વૃદ્ધ પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવ્યું. જેમને વારંવાર ખરાબ સપના આવે છે, તેમને આ બીમારીની સંભાવના 2 ગણી વધી જાય છે. બીમારીથી પીડિત લોકો પોતાના હાથ, પગ, અને જડબામાં ધ્રુજારી મહેસૂસ કરે છે. શરીર ગતિવિધિ નથી કરી શકતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.