ઘી હંમેશા ગરમ કરીને જ ખાઓ:હેલ્થ માટે કયુ ઘી ફાયદાકારક ગાયનું કે ભેંસનું? ઠંડુ ઘી પાચનક્રિયાને પહોંચાડશે નુકસાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા દેશમાં શુદ્ધ ઘી વિના ભોજનની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. એમાં પણ શિયાળામાં ઘીના વપરાશમાં વધારો થાય છે. ભગવાનનો ભોગ તૈયાર કરવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગર્ભાવસ્થા પછી ઘીના લાડુ ખવડાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને નબળાઈ હોય તો પણ દાળમાં ઘી ભેળવીને પીવાની સલાહ આપવામાં આવે છે. ઘી ખાવાના અઢળક ફાયદા છે.

આમ છતાં કેટલાક લોકો એવા પણ હોય છે જે ઘીનું નામ સાંભળતા જ ડરી જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે, હું ઘી ખાવાનું વિચારી પણ શકતો નથી, ઘીની સુગંધ આવતા જ મારું વજન વધવા લાગે છે.

આજે આપણે ઘી વિશે વાત કરીશું અને જાણીશું કે શું ખરેખર ઘી ખાવાથી વજન વધે છે કે નહી? આ સાથે અમે નિષ્ણાતોને પૂછીશું કે કયા લોકોએ ઘી બિલકુલ ન ખાવું જોઈએ.

સૌથી પહેલા જાણીએ કે ઘી કેમ ખાવું જોઈએ?

  • સાંધાના લુબ્રિકેશન માટે
  • વાળને ખરતા અટકાવવા માટે
  • આંખોની રોશની સુધારવા માટે
  • લિપિડ પ્રોફાઇલ જાળવવા
  • ટ્રાઇગ્લિસરાઈડના વધારાને રોકવા માટે

આવો જાણીએ... આયુર્વેદમાં ઘી વિશે શું કહેવામાં આવે છે?
આયુર્વેદ અનુસાર, જો દરરોજ ઘી ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ઘીથી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધતો પરંતુ શરીરના કોષો માટે પોષણ પણ ભરપૂર મળે છે.

તો સ્ટેડફાસ્ટ ન્યુટ્રિશનના સ્થાપક અમન પુરીના જણાવ્યા અનુસાર, ઘી ઘણી રીતે આરોગ્યપ્રદ છે, ઘી ખાવાથી હાડકાં મજબૂત અને સારા બને છે. તો માનસિક સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. મેટાબોલિક રેટ સુધરે છે.

સવાલ- સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે ઘીમાં માત્ર ચરબી હોય છે, આ સિવાય ઘી ખાવાથી કોઈ ફાયદો થાય છે તો જણાવો?
જવાબ- ઘીમાં કોલેસ્ટ્રોલ હોય છે, જે આપણા શરીર માટે જરૂરી માનવામાં આવે છે. ઘીમાં વિટામિન A, D, E અને K પણ હોય છે, જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ઘી ફાયદાકારક છે. જે શરીરના મેટાબોલિઝમને વધારીને ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સવાલ- શું દરરોજ ઘી ખાવાથી વજન નથી વધતું, આ વાતમાં કેટલી સાચી છે?
જવાબ- ઘી ખાવાથી વજન વધે તો છે અને ઘટે પણ છે. તમે કઇ રીતે ઘી ખાઇ રહ્યા છો તેના પર આઘાર રાખે છે. ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. દરરોજ 2-3 ચમચી ઘી ખાવાથી વજન ઘટે છે. ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ઓમેગા 6 હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી શરીરમાં ચરબીના કોષોને સ્થિર કરે છે અને તેને બાળી નાખે છે. જેના કારણે શરીરને એનર્જી મળે છે. આ રીતે તમારા શરીરની વધારાની ચરબીને ઊર્જામાં બદલી દે છે, જેના કારણે વજન ઘટે છે.

ઘીમાં એમિનો એસિડ હોય છે, જેનાથી ચરબીના કોષોનું કદ સંકોચાય છે. તેથી જો તમારું શરીર ઝડપથી ચરબીનો સંગ્રહ કરે છે તો ઘી ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય ઘીમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

સવાલ- એક દિવસમાં કેટલું ઘી ખાઈ શકાય?
જવાબ- ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, સામાન્ય કામ કરનાર વ્યક્તિ દરરોજ 25 ગ્રામ ઘી ખાઈ શકે છે. જે પુરુષો તમતોડ મહેનત કરે છે તેઓ 40 ગ્રામ ઘી લઈ શકે છે.તેવી જ રીતે, સામાન્ય કામ કરતી સ્ત્રી 20 ગ્રામ ઘી ખાઈ શકે છે, જો મહેનતુ સ્ત્રી હોય તો 30 ગ્રામ ઘી ખાય તો કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય .જે માતા બાળકને પોતાનું દૂધ આપી રહી છે તે મહિલા દરરોજનું 30 ગ્રામ ઘી પણ ખાઈ શકે છે.

સવાલ- કયા લોકોએ ઘી ન ખાવું જોઈએ?
જવાબ- તમે જે કઇ પણ ખાઈ રહ્યા છો તે તમારા શરીર પ્રમાણે હોવું જોઈએ. એવું જરૂરી નથી કે જે વસ્તુઓ સ્વસ્થ છે તે તમારા શરીર માટે પણ સ્વસ્થ હોય. પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય રીતે ઘી ખાઈ શકે છે. અમુક રોગો ધરાવતા લોકોએ તેને તેમના ઘી ખાવાનું ટાળવું જોઈએ. કોણે ઘી ખાવાનું ટાળવું જોઇએ તો જાણવા નીચેનું ગ્રાફિક્સ વાંચવું...

સવાલ- ગાયનું ઘી કે ભેંસનું ઘી, સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?
જવાબ- સ્વાસ્થ્ય માટે બંને ઘી સારા છે, પરંતુ ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક ગણવામાં આવે છે. ગાયના ઘીમાં વિટામિન A, વિટામિન D અને K, કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ અને ફોસ્ફરસ તેમજ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.એટલું જ નહીં, ગાયના ઘીમાં ઓમેગા 9 ફેટી એસિડ પણ હોય છે.
ગાય અને ભેંસનું ઘી ખાવાથી અલગ-અલગ ફાયદા થાય છે.
ગાયના ઘીના ફાયદા....

  • વજન ઘટાડવામાં મદદરૂપ
  • પેટની ગરમીને ઓછી કરે છે
  • શાંત કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે
  • માથાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે
  • આંખો માટે ફાયદાકારક

ભેંસના ઘીના ફાયદા...

  • વજન વધારવામાં મદદ કરે છે
  • હાડકાં અને સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે
  • માનસિક બીમારી દૂર કરવામાં મદદ કરે છે
  • હાયપર ટેન્શન ઘટાડે છે
  • તે વાત દોષને કંટ્રોલ કરે છે

સવાલ- કેટલાક લોકો કહે છે કે ઘી ગરમ ખાવું જોઈએ, આ પાછળ શું કારણ છે?
જવાબ- આ બિલકુલ સાચું છે. ઘી હંમેશા ગરમ કર્યા પછી જ ખાવું જોઈએ. ઠંડું ઘી પાચનતંત્રમાં યોગ્ય રીતે જઈ શકશે નહીં. જેના કારણે ઘીને પચવામાં અનેક મુશ્કેલીઓ થશે. એટલા માટે ઘી હંમેશા ગરમ કઢી, પરાઠા, રોટલી, ઢોસા, ઈડલી, સાંભાર અને દાળ વગેરે સાથે લેવું જોઈએ.