હેલ્થ ટિપ્સ:નવરાત્રિના ઉપવાસમાં પણ શરીરને ભરપૂર ઊર્જા મળી રહે તે માટે શું ખાશો? જાણો હેલ્ધી ડાયટ પ્લાન ટિપ્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શારદીય નવરાત્રિના ઉપવાસ આજથી શરૂ થાય છે અને 4 ઓક્ટોબરના રોજ કન્યા પૂજન સાથે સમાપ્ત થશે. હિન્દુ તહેવાર દરમિયાન ઘણા દુર્ગામાતાના ભક્તો તહેવારના નવ દિવસ ઉપવાસ કરે છે, જ્યારે અમુક લોકો ઉપવાસ કરવા માટે પહેલા બે અને છેલ્લા બે દિવસ પસંદ કરે છે. નવરાત્રીની ઉજવણી માટે કોઈ નિશ્ચિત નિયમો નથી અને જુદાં જુદાં રાજ્યોમાં નવરાત્રિની ધાર્મિક વિધિઓ પણ થોડી અલગ-અલગ હોય છે. ઉત્તર ભારતમાં મોટાભાગના લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે, જ્યારે ગુજરાતમાં નવરાત્રિ દાંડિયા રાસ અને ગરબાનો પર્યાય છે, પશ્ચિમ બંગાળમાં આ તહેવાર ભવ્ય દુર્ગાપૂજા પંડાલો, ધુનુચી નાચ અને સિંદૂર ખેલા વિશે છે, તો દક્ષિણ ભારતમાં નવરાત્રીને ‘બોમ્મઇ ગોલુ’ તરીકે ઉજવવામાં આવે છે, અહીં લોકો નવ દિવસ સુધી તેમના ઘરમાં સુંદર ગોલુ ઢીંગલીઓ રાખે છે.

નવરાત્રિના ઉપવાસ કરતા લોકો સામાન્ય રીતે ‘ફળાહારી’ ડાયટ ફોલો કરે છે, જેમાં સાબુદાણા, રાજગરો, બટાટા, શક્કરિયા, કોળું, કાકડી, ગાજર અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે. નવરાત્રિના ઉપવાસ કરતી વખતે ઘઉં, ચોખા, સોજી, મેંદો, મકાઈના લોટ અને કઠોળ ખાવા પર પ્રતિબંધ હોય છે. ઉપવાસના દિવસોની સંખ્યા મુજબ ખોરાકમાં પણ ઘણા ફેરફારો કરવા પડે છે.

આધ્યાત્મિક પાસા સિવાય સમજદારીપૂર્વક ઉપવાસ કરવામાં આવે તો સ્વાસ્થ્યને અઢળક ફાયદો પહોંચે છે
આધ્યાત્મિક પાસા સિવાય સમજદારીપૂર્વક ઉપવાસ કરવામાં આવે તો સ્વાસ્થ્યને અઢળક ફાયદો પહોંચે છે

આધ્યાત્મિક પાસા ઉપરાંત ઉપવાસ જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદો પહોંચે છે. મર્યાદિત ભોજન લેવાથી હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર જેવી દીર્ઘકાલીન બીમારીઓને અટકાવી શકાય છે તેમજ માનસિક સુખાકારીમાં સુધારો થઈ શકે છે. ઉપવાસના કલાકો દરમિયાન આપણું શરીર આરામ કરવાના મોડમાં હોય છે. તે આપણા પાચનતંત્રને શરીરમાં ડિટોક્સ પ્રક્રિયા શરૂ કરવા અને આપણા આંતરડાને શુદ્ધ કરવા માટે સંકેત આપે છે.

ઉપવાસ માટેનો હેલ્ધી ડાયટ પ્લાન
પુરી અને પકોડાને બદલે ખીચડી અથવા રોટલી ખાવ
ઉપવાસ દરમિયાન ચોખા અને ઘઉં જેવા નિયમિત અનાજનું સેવન કરવામાં આવતું ન હોવા છતાં, તમે જે અન્ય અનાજ ખાઓ છો તેના વિશે ધ્યાન રાખો, જેમ કે કુટ્ટુનો લોટ, સિંગારાનો લોટ, રાજગરાનો લોટ તથા સાબુદાણાનો ઉપયોગ પુરી, પકોડા, વડા અથવા હલવામાં કરવાને બદલે ખીચડી અથવા રોટલીમાં કરો.

પટેટો ફ્રાઈસ કરતાં ફળોની ચાટ બનાવીને ખાવ
ઉપવાસ દરમિયાન ચીકણા ખોરાકથી દૂર રહો. બટાકાની ફ્રાઈસને બદલે ફળોની ચાટ બનાવીને તેને ખાવાનો આગ્રહ રાખો. પુષ્કળ ફળો લો કારણ કે, તે તમને દિવસ દરમિયાન ઊર્જાવાન રાખવા માટે માત્ર વિટામિન્સ, ખનિજો અને ફાઇબર જ નહીં, પરંતુ નેચરલ સુગર (કુદરતી શર્કરા) પણ પૂરી પાડે છે.

વધુ પડતાં કંદમૂળ ખાવાનું ટાળવું
ઘણા લોકો પોતાના ભોજનમાં બટાકા, શક્કરિયા, કોળા જેવાં કંદમૂળનો સમાવેશ કરે છે. આ શાકભાજીમાં સ્ટાર્ચનું પ્રમાણ ભરપૂર હોય છે, જે તમને ભરપૂર માત્રામાં કેલરી આપે છે, તેથી તે વધુ પડતું ખાવાનું ટાળવું.

નાસ્તામાં તળેલી ચિપ્સ ખાવાની જગ્યાએ ફળો અને ડ્રાયફ્રૂટ્સ જેવા તંદુરસ્ત નાસ્તાની પસંદગી કરો
નાસ્તામાં તળેલી ચિપ્સ ખાવાની જગ્યાએ ફળો અને ડ્રાયફ્રૂટ્સ જેવા તંદુરસ્ત નાસ્તાની પસંદગી કરો

દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરો
આખા દિવસની પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાતોને પહોંચી વળવા દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ જેમ કે, દહીં, છાશ અને પનીર અને ઘીનો સમાવેશ કરો.

ચા કે કોફી પીવાનું ટાળો
ચા કે કોફી પીવાનું ટાળો કારણ કે, તે આખરે શરીરને ડિહાઇડ્રેટ કરે છે. તેના બદલે નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ, મિલ્કશેક અથવા ફક્ત સાદું પાણી પસંદ કરો.

આરોગ્યપ્રદ નાસ્તો પસંદ કરો
તમને ઉપવાસ કરતી વેળાએ વિચિત્ર સમયે ભૂખ લાગી શકે છે. આ સમયે તળેલી ચિપ્સ ખાવાને બદલે મખાના (foxnuts), બાફેલા શક્કરિયા, ફળો અને ડ્રાયફ્રૂટ્સ જેવા તંદુરસ્ત નાસ્તાની પસંદગી કરો.

રિફાઇન્ડ સુગરનો ઉપયોગ ટાળો
રિફાઇન્ડ સુગરનો ઉપયોગ ટાળો

સુગર પર પ્રતિબંધ મૂકો
તમારા ખીર અથવા હલવામાં રિફાઇન્ડ સુગરનો ઉપયોગ ટાળો. તમારી ઝડપી સ્વાદિષ્ટ વાનગીઓની મીઠાશ વધારવા માટે વધુ ઇલાયચી, મધ, ખજૂર, તજ અને તાજા ફળો ઉમેરવાનો પ્રયાસ કરો.

પોષકતત્ત્વોથી ભરપૂર આહાર લો
પહેલીવાર ઉપવાસ કરતા લોકોએ લાંબા સમય સુધી ઉપવાસ કરવાનું ટાળવું. તમને પૂરતી ઊર્જા મળી રહે તે માટે ફળો અને ડ્રાયફ્રૂટ્સ જેવો ખોરાક લો.

ઉપવાસ તોડતી વખતે ઘ્યાનમાં રાખવા જેવી બાબતો
ઉપવાસ તોડ્યા પછી તરત જ વધુ પડતું ભોજન ન કરો. હળવું ભોજન લો. ઉપવાસ જો શ્રદ્ધા અને સમજદારીપૂર્વક કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને સારો એવો ફાયદો પહોંચાડી શકે છે. જો કે, ગર્ભવતી / સ્તનપાન કરાવતી માતાઓ, ઇટિંગ ડિસઓર્ડરવાળા લોકો અને બ્લડપ્રેશર-ડાયાબિટીસ જેવી દીર્ઘકાલીન બીમારીની સ્થિતિવાળા લોકોએ ઉપવાસ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ.