હેલ્થ ટિપ્સ:ચોમાસા દરમિયાન બહાર જમતી વખતે શું-શું સાવચેતીઓ રાખવી? એક્સપર્ટે શેર કરી ટિપ્સ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની ઋતુ એવો સમય છે, કે જ્યારે દરેક વ્યક્તિને બહાર ખાવાની મજા માણવી ગમે છે. પરિવાર સાથે ભેગા થવું અને મિત્રો સાથે બહાર ફરવા જવા માટે આ પરફેક્ટ સમય છે. જો કે, આ ઋતુમાં સ્વાસ્થ્યની પણ વિશેષ સારસંભાળ રાખવી જોઈએ. આ ઋતુમાં બહાર જમતી વખતે વિશેષ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. બેંગ્લોરનાં ક્લાઉડનાઈન ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના એક ન્યુટ્રીશનિસ્ટે ચોમાસા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી અમુક ટિપ્સ શેર કરી છે, ચાલો જાણીએ.

હાઈજીન રેસ્ટોરાં પસંદ કરો
આ ઋતુ દરમિયાન કોઈપણ રેસ્ટોરાંમાં જમવા માટે જાવ તો સૌથી પહેલાં આ રેસ્ટોરાં કેટલી હાઈજીન છે? એ તપાસો. આ રેસ્ટોરાંનાં ડાઈનિંગ એરિયા, ડાઇનિંગ ટેબલ, ફૂડ કાઉન્ટર્સ, હેન્ડ વોશ એરિયા, કિચન વગેરે જેવાં આસપાસનાં વિસ્તારોની સ્વચ્છતા ચકાસો.

નોનવેજ ફૂડ ખાતાં પહેલાં બે વાર વિચારો
ચોમાસા દરમિયાન નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકો, બાળકો, વડીલોએ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ તો અડધું રાંધેલું માંસ અને માંસના ઉત્પાદનો ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં મરક્યુરીનું પ્રમાણ વધુ પડતું હોય છે, જે ગર્ભમાં રહેલા બાળકો માટે જીવલેણ સાબિત થાય છે.

અડધો રાંધેલો ખોરાક ના ખાવો
ચોમાસા દરમિયાન શેકેલી કે અડધી બાફેલી વાનગીઓ ખાવાનું ટાળવું. તેના બદલે આ મોસમમાં બાફેલી કે સ્ટીમ કરેલી વાનગીઓ ખાવાનો આગ્રહ રાખવો.

ખોરાકનું તાપમાન ચકાસો
પેથોજેન્સ વાયરસનો વિકાસ શરીરમાં ના થાય તે માટે ખોરાકનું તાપમાન જાળવવું પડે છે. ઠંડા ખોરાકને હંમેશા ઠંડુ જ પીરસવું જોઈએ અને ગરમ ખોરાક ગરમ પહોંચાડવો જોઈએ. નવશેકું ખોરાક ફૂડ પોઇઝનિંગનું જોખમ વધારે છે. જે ખોરાકનું તાપમાન 40 અને 140 ડિગ્રી ફેરનહીટની વચ્ચે હોય છે, તેને ‘ડેન્જર ઝોન ખોરાક’ કહેવાય છે, આ ખોરાક ખાવાથી પેથોજેન્સ વાયરસ શરીરમાં ઝડપથી વૃદ્ધિ પામે છે અને તમારું સ્વાસ્થ્ય કથળે છે.

સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો
ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાતી વખતે સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે આ સીઝનમાં સ્ટોરેજ સુવિધાના અભાવે કાચા માલ-સામાનનો અયોગ્ય રીતે સંગ્રહ થાય છે અને આખરે તે કોલેરાં, ટાઇફોઇડ, મરડો અને કમળો જેવી કેટલીક ગંભીર ખોરાકજન્ય બીમારીઓ તરફ દોરી જાય છે. તેથી ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો.