હાર્ટ ફેલ્યોર vs હાર્ટ અટેક:આ બંને વચ્ચે શું છે તફાવત? નિષ્ણાતો પાસેથી ફરક જાણો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો હાર્ટ ફેલ્યોર અને હાર્ટ અટેકની સ્થિતિ વચ્ચે ઘણીવાર ગૂંચવાયેલાં જોવા મળે છે, પરંતુ તે હૃદયની અલગ-અલગ સ્થિતિ છે. વાસ્તવમાં હાર્ટ અટેક એ હાર્ટ ફેલ્યોર માટેનું જોખમી પરિબળ છે. હાર્ટ અટેક આવે તે પછી તમારે અમુક પ્રકારની સાવચેતીઓનું પાલન કરવું જોઈએ, જેથી હાર્ટ ફેલ્યોરની શક્યતા ઘટી શકે. વિશ્વભરમાં હાર્ટ ફેલ્યોરના કેસ ઝડપથી વધી રહ્યો છે, વિશ્વભરમાં અંદાજે 2.6 કરોડ હાર્ટ ફેલ્યોરના કેસો નોંધાય છે અને એકલાં ભારતમાં જ આ તકલીફથી પીડાતા 8-10 મિલિયન દર્દીઓ છે. આ સમસ્યા દેશની મોટાભાગની વસ્તીને અસર કરતી હોવા છતાં તેના પ્રત્યે ખુબ જ ઓછી જાગૃતિ છે. આ સ્થિતિ વિશે જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂર છે.

હાર્ટ ફેલ્યોર શું છે?
હાર્ટ ફેલ્યોર એ એક જટિલ સ્થિતિ છે, જેમાં હૃદય ધીમે ધીમે નબળું પડતું જાય છે અને પૂરતું લોહી પંપ કરવાની તેની કાર્યક્ષમતામાં દિવસે ને દિવસે ઘટાડો થતો જાય છે. જોકે, હાર્ટ ફેલ્યોરની સમસ્યા એ જીવનનો કોઈ અંત નથી. ગંભીર સ્થિતિ હોવા છતાં તેને યોગ્ય સારવાર અને નિયમિત કાર્ડિયોલોજિસ્ટની સલાહથી અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. કોલકાતાના વરિષ્ઠ કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ, મેડિકા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયાક સાયન્સના ડૉ. દિલીપ કુમાર કહે છે કે, “અમારી હોસ્પિટલમાં હાર્ટ ફેલ્યોરના જુદા-જુદા તબક્કાઓમાં અમે સાપ્તાહિક ધોરણે 20% દર્દીઓ જોયા છે. આ ઉપરાંત હાર્ટ ફેલ્યોરના મોટાભાગના દર્દીઓને બીમારીના અદ્યતન તબક્કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેથી, નિરંતર સારવાર દ્વારા અને સારવારના સમયપત્રકને નિષ્ઠાપૂર્વક અનુસરીને અને તમારા એકંદર જીવનમાં સર્વગ્રાહી જીવનશૈલીના ફેરફારોનો અમલ કરીને હાર્ટ ફેલ્યોરને વધુ સારી રીતે નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે."

શું હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક એકસમાન છે?
ડૉ કુમાર સમજાવે છે કે, હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક એ બંને હૃદયની બીમારીઓ છે, પરંતુ તે એકસરખા નથી. મોટાભાગના હાર્ટ એટેક એ અચાનક બનેલી ઘટના છે. જ્યારે કોરોનરી ધમનીમાં ગંઠાઈ જવાને કારણે હૃદયને લોહીનો પુરવઠો મળતો બંધ થઈ જાય છે, ત્યારે હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામે છે અને આ સ્થિતિમાં હૃદય ધીમે-ધીમે નિષ્ક્રિય બની જાય છે. હૃદયની બ્લડ પંપ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને તે શરીરની આસપાસના અવયવોની જરૂરિયાતોને પહોંચી વળવામાં અસમર્થ બને છે. વાસ્તવમાં, હાર્ટ એટેકનો ભોગ બનેલા દર 4માંથી 1 વ્યક્તિ આખરે ચાર વર્ષમાં હાર્ટ ફેલ્યોરનો શિકાર બને છે.

હાર્ટ ફેલ્યોર મેનેજ કેવી રીતે કરવું?
તમારી જીવનશૈલીમાં કેટલાક હકારાત્મક ફેરફારો જેમકે, પ્રવાહીનું સેવન ઘટાડવું, મીઠાનું સેવન નિયંત્રિત કરવું, તંદુરસ્ત આહાર જાળવવો, ધૂમ્રપાન બંધ કરવું, દારૂનું સેવન મર્યાદિત કરવું અને મધ્યમ શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવો વગેરે. આ ક્રિયાઓ તમારા શરીરમાં હાર્ટ ફેલ્યોરના જોખમને ઘટાડી શકે છે. ભારતમાં, ધૂમ્રપાનની ઘટનાઓ વધી રહી છે અને તે પણ ખાસ કરીને યુવામાં ત્યારે હાર્ટ ફેલ્યોરનું પ્રમાણ ઘટાડવા માટે સૌથી પહેલાં યુવાવર્ગને આ આદતથી ડાયવર્ટ કરવા પડશે ને તો જ હાર્ટ ફેલ્યોરનું પ્રમાણ દેશમાં ઘટશે.