વાસી મોઢે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વજન વધી શકે છે:ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે? કેટલાં સમય સુધી પલાળીને પછી ખાવાં જોઈએ? જાણો ફાયદા અને ગેરફાયદા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડ્રાયફ્રૂટ્સ ખાવાં કોને ન ગમે? જો યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવામાં આવે તો તેનો પૂરો ફાયદો ઉઠાવી શકાય છે. બજારમાં બદામ, કાજુ, કિશમિશ, અખરોટ, અંજીર સૌથી વધુ જોવા મળે છે. ડાયટિશન ડૉ. સિમરન સૈની પાસેથી તેનાં ફાયદા અને ગેરફાયદા વિશે જાણીએ.

ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત
ન્યુટ્રિશનિસ્ટનાં મતે ડ્રાયફ્રૂટ્સનું સેવન ક્યારેય સીધું જ ન કરવું જોઈએ. ડ્રાયફ્રૂટ્સની તાસીર ખૂબ જ ગરમ હોય છે અને તેનાથી તમને પેટમાં ગરબડ કે દુખાવો થઈ શકે છે. જો ડ્રાયફ્રૂટ્સને પાણીમાં પલાળી દેવામાં આવે તો તેની તાસીર નોર્મલ થઈ જાય છે. તેથી જ મોટાભાગના ન્યુટ્રિશનિસ્ટ ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવાની ભલામણ કરે છે.

ડ્રાયફ્રૂટ્સ કેવી રીતે અને ક્યારે ખાશો?

 • બદામ અને કિશમિશને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ.
 • તમે સવારે બદામ, કિસમિસ, નટ્સ અથવા કાજુ સાથે સ્મૂધી પણ બનાવી શકો છો.
 • વર્કઆઉટ પહેલાં તમે ડ્રાયફ્રૂટ્સને ડાયટમાં પણ સામેલ કરી શકો છો.
 • જ્યારે ક્રેવિંગ થાય ત્યારે તેને નાસ્તા તરીકે ખાઓ.
 • દરરોજ 20 ગ્રામથી વધુ ડ્રાયફ્રૂટ્સનું સેવન ન કરો.

ડ્રાયફ્રૂટ્સને કેટલાં સમય સુધી પલાળી રાખવા જોઈએ?
ડ્રાયફ્રૂટ્સ ખાવાનો જેમ એક નિશ્ચિત સમય હોય છે તેમ ડ્રાયફ્રૂટ્સને પલાળવા માટેનો પણ એક નિશ્ચિત સમય હોય છે. જુદાં-જુદાં ડ્રાયફ્રૂટ્સ માટે આ સમય જુદો-જુદો હોય છે. ચાલો જાણીએ.

કાજુ: કાજુમાં ભરપૂર પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય છે, જેનાં કારણે તમારું બ્લડપ્રેશર વધવાનું જોખમ રહી શકે છે. તેથી, કાજુને 6 કલાક પાણીમાં પલાળીને પછી જ ખાવાં.

બદામ: બદામ ખાવાથી મગજ તેજ થાય છે અને આંખોની રોશની વધે છે. બદામને પલાળીને ખાવાની દરેક વ્યક્તિ ભલામણ કરે છે, પરંતુ તેને કેટલો સમય, કેટલી માત્રામાં અને કેવી રીતે ખાવી? 5 થી 10 બદામને 12 કલાક પલાળીને રાખો ને પછી તેને છોલીને ખાવાનાં ઉપયોગમાં લો.

અખરોટ: અખરોટ એટલે મગજ. તે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 3 થી 4 અખરોટ 8 કલાક સુધી પાણીમાં પલાળીને ખાવામાં આવે તો તે મગજને તેજ બનાવે છે.

કિશમિશ: કિશમિશ ઠંડી હોય છે. તમે તેનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં કરી શકો છો. દૂધમાં ઉકાળીને પીવાની પદ્ધતિ એકદમ જૂની છે. તે લોહી બનાવવામાં અને શરીરની નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે.

મગફળી: મગફળીને કાચી, પલાળીને કે શેકીને ખાઈ શકાય છે. તેને 'ગરીબોની બદામ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડ્રાયફ્રૂટ્સ ખાવાનાં ફાયદા

 • ડ્રાયફ્રૂટમાં મિનરલ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ તેમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. હકીકતમાં, ડ્રાયફ્રૂટને સૂકવવાની પ્રક્રિયામાં, બધા ફળો પાણીની માત્રાનો મોટો ભાગ ગુમાવે છે. આવી સ્થિતિમાં કેટલાક ડ્રાયફ્રૂટ્સમાં કેલરી અને નેચરલ સુગરની માત્રા વધુ હોવાને કારણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધે છે. આ કારણોસર ડાયાબિટીસનાં દર્દીએ આવાં ડ્રાયફ્રૂટ્સ ખાવાથી બચવું જોઈએ.
 • વજન ઘટાડવા માટે બદામ શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ છે. તે ચયાપચયને મજબૂત બનાવે છે, ખરાબ LDL કોલેસ્ટ્રોલ સામે લડી શકે છે અને ખરાબ લિપિડને પણ ઘટાડી શકે છે, જે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. 100 ગ્રામ બદામમાં માત્ર 576 કિલોકેલરી હોય છે.
 • જો તમે વજન ઓછું કરવા માગતાં હોવ તો કિસમિસ ખાવાથી ફાયદો થાય છે. કિસમિસમાં આયોડિનની ભરપૂર માત્રા હોય છે. 100 ગ્રામ કિસમિસમાં માત્ર 0.5 ગ્રામ ચરબી અને 299 કિલોકેલરી હશે, જે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલાં લોકો માટે શ્રેષ્ઠ છે.
 • અખરોટમાં પોષણની માત્રા ભરપૂર હોય છે. 100 ગ્રામ અખરોટમાં 38.08 ગ્રામ ઓમેગા-6, વિટામિન-બી, વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન-બી2 હોય છે. ઓમેગા-6 ફેટી એસિડ શરીરમાં ચરબી ઘટાડે છે અને હૃદયરોગથી દૂર રાખે છે.
 • પિસ્તા ખાવાથી બ્લડશુગર નિયંત્રણમાં રહે છે. તેનાં એન્ટીઓકિસડન્ટો શરીરની ચરબી સામે લડવામાં અને ચયાપચયને પ્રોત્સાહન આપવા માટે પણ અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે ભૂખને કંટ્રોલ કરે છે.
 • વજન ઘટાડવા માટે ખજૂર સારી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ખજૂરથી શરીરને વિટામિન-બી5 મળે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
 • દરરોજ કાજુ ખાવાથી શરીરને 73 ટકા મેગ્નેશિયમ મળે છે, જે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે મેગ્નેશિયમ શરીરમાં ચરબી અને કાર્બોહાઇડ્રેટ ચયાપચયને વધારે છે. આ બંને સાથે મળીને તમારી વજન ઉતારવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
 • જરદાળુ ખાધા પછી તમને કમ સે કમ પાંચ કલાક સુધી ભૂખ લગતી નથી. તે શરીરને ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ આપે છે અને ચયાપચયને દૂર કરે છે.
 • દરરોજ અંજીર ખાવાથી પાચનક્રિયા સારી રીતે કામ કરે છે અને કબજિયાતની સમસ્યા સામે રક્ષણ આપે છે. પાચનક્રિયા સુધારવા માટે બે-ત્રણ અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે મધ સાથે ખાવું.
 • ચિરોંજીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે. જો નિયમિત થોડી-થોડી માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી થઇ જાય અને શરીરમાં નબળાઈ નથી આવતી તથા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઠંડીમાં દૂધ સાથે ખાવાથી ફાયદો બે ગણો થાય છે.
 • પ્રુનસ એટલે કે ડ્રાય પ્લમ્સમાં ભરપૂર માત્રામાં હાઈ ફાઈબર હોય છે, જે આંતરડા માટે ફાયદાકારક હોય છે. તેને ખાવાથી શરીર ડિટોક્સ થાય છે. તેનાં સેવનથી વજન ઘટાડવાનું કામ સરળતાથી કરી શકાય છે. 100 ગ્રામ ડ્રાય પ્લમ્સમાં માત્ર 240 કિલો કેલરી હોય છે, વજન ઘટાડવા માટે કેલરીને નિયંત્રિત કરવાની જરૂર હોય તેવા લોકો માટે આ એક સારો નાસ્તો બનાવે છે.

ગેરફાયદા

 • અસ્થમાનાં દર્દીઓે માટે ડ્રાયફ્રૂટ ઝેર છે. સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ સૂક્ષ્મજંતુઓને દૂર કરવા માટે અને ડ્રાયફ્રૂટ્સનું રક્ષણ કરવા માટે થાય છે. અસ્થમાનાં દર્દીઓ માટે સલ્ફર ડાયોક્સાઇડ સારો હોતો નથી અને તેનો ઉપયોગ ડ્રાયફ્રૂટ્સને સુરક્ષિત રાખવા માટે જરૂર કરવામાં આવે છે. આ કેમિકલ શરીર અને પર્યાવરણ બંને માટે સારું નથી.
 • ડ્રાયફ્રૂટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાને કારણે પાચનશક્તિ બગડે છે. તેની તાસીર પણ ગરમ હોય છે, તેને ખાવાથી તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. પોષણ અનુસાર એક દિવસમાં 5 બદામ શરીર માટે પૂરતી છે.
 • ડ્રાયફ્રૂટના સેવનથી વજન ઝડપથી વધે છે. રિસર્ચ મુજબ 3500 કેલરી લેવાથી 1 પાઉન્ડ વજન વધે છે. ડાયટ ચાર્ટમાં ડ્રાયફ્રૂટનો સમાવેશ કરીને તમે 250 કેલરી વધુ લેવાનું શરૂ કરો છો. આ મુજબ એક મહિનામાં વજનમાં 2 પાઉન્ડનો વધારો થાય છે.
 • ડ્રાયફ્રૂટમાં સુગરની માત્રા પણ હોય છે, જે ફ્રુક્ટોઝ સ્વરૂપમાં હાજર હોય છે. મોટાભાગનાં સુકા ફળોને ભેજથી બચાવવા માટે સુગરનાં કોટિંગમાં રાખવામાં આવે છે. સુગર એ દાંત માટે હાનિકારક છે. ખાધા પછી તે લાંબા સમય સુધી દાંત સાથે ચોંટી રહે છે અને ધીમે-ધીમે દાંતને નુકસાન પહોંચાડે છે. તેથી જ્યારે પણ તમે ડ્રાયફ્રૂટ ખાવ છો, ત્યારે તમારા દાંતને બચાવવા માટે બ્રશ કરો.
 • ડ્રાયફ્રૂટમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ લોહીમાં ગ્લુકોઝ વધારે છે. ડ્રાયફ્રૂટ્સ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધારી દે છે, જે ઊર્જા આપે છે, પરંતુ થોડાં જ સમયમાં લોહીમાં સુગર લેવલ ઘટી જાય છે, જેને 'શુગર ક્રેશ' કહે છે. 'શુગર ક્રેશ'ને કારણે તમને થાક પણ લાગવા માંડે છે.