હેલ્થ અલર્ટ:ડિસ્કો કિંગ બપ્પી લાહિરીનું નિધન જેને લીધે થયું તે ‘સ્લીપ એપનિઆ’ શું છે? રાત્રે નસકોરાં બોલાવતા હો તો ચેતી જજો

ફોરમ પટેલ6 મહિનો પહેલા
 • આ સ્લીપ ડિસઓર્ડરનું મુખ્ય કારણ ઓબેસિટી છે
 • મહિલાઓ કરતાં પુરુષોમાં આ સ્લીપ ડિસઓર્ડર વધારે હોય છે.

ભારતીય સિનેમાના દિગ્ગજ સિંગર-કમ્પોઝર બપ્પી લાહિરીએ 69 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. ‘ડિસ્કો કિંગ’ તરીકે જાણીતા આ સર્જકની અચાનક વિદાયથી તેમના ચાહકો સહિત મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. બપ્પી લાહિરીનું નિધન ‘સ્લીપ એપનિઆ’ને લીધે થયું છે. ઘણા લોકોએ આ શબ્દ સાંભળ્યો હશે, તો ઘણા લોકો માટે આ શબ્દ નવો હશે. આ કન્ડિશનમાં વ્યક્તિનો શ્વાસ ઊંઘમાં જ રૂંધાઇ જાય છે અને તેના ફેફસાંને પૂરતો ઓક્સિજન મળતો નથી. શૉકિંગ વાત એ છે કે સ્લીપ એપનિઆ ઘણી કોમન બીમારી હોવા છતાં બહુ બધા લોકો તેનાથી અજાણ હોય છે અને ક્યારેક તે જીવલેણ પણ નિવડે છે. સ્લીપ એપનિઆ શા માટે થાય છે? આ સ્લીપ ડિસઓર્ડરના લક્ષણ કયાં અને તેની સારવાર વિશે જાણીએ જાણીતા સાઈકિયાટ્રિસ્ટ ડૉ. ધ્રુવ ઠક્કર પાસેથી....

આ ડિસઓર્ડરને સરળ ભાષામાં સમજો
ડૉ. ધ્રુવે કહ્યું, સ્લીપ એપનિઆનું આખું નામ ‘ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિઆ’ (OSA) છે. ઊંઘતી વખતે શ્વાસનળીમાં કોઈ અવરોધ આવે ત્યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ કન્ડિશનને સ્લીપ એપનિઆ કહેવાય છે. મહિલાઓ કરતાં પુરુષોમાં આ ડિસઓર્ડર વધારે હોય છે. આ કન્ડિશન ઘણી કોમન છે, પણ જો તકલીફ વધારે હોય તો વાત છેક હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક સુધી પણ પહોંચી જાય છે.

સ્લીપ ડિસઓર્ડરમાં કન્ટિન્યુસ પોઝિટિવ એરવે પ્રેસર (CPAP) મશીનનો ઉપયોગ થાય છે
સ્લીપ ડિસઓર્ડરમાં કન્ટિન્યુસ પોઝિટિવ એરવે પ્રેસર (CPAP) મશીનનો ઉપયોગ થાય છે

સ્લીપ એપનિઆનાં મુખ્ય કારણો

 • આ સ્લીપ ડિસઓર્ડરનું મુખ્ય કારણ ઓબેસિટી છે. ઘણા લોકોને ગળાના ભાગમાં વધારે ચરબી હોય છે. આ ચરબીનું પ્રમાણ વધી જતાં શ્વાસની અવર-જવરમાં અવરોધ આવે છે.
 • ઉંમર વધતા ગળાના સ્નાયુઓમાં પણ ફેરફાર થાય છે. ઊંઘમાં આપણા ગળાના સ્નાયુઓ નજીક આવી જાય છે.
 • ઘણા લોકોના સ્નાયુમાં ઓવરગ્રોથ હોય છે, તો ઘણાના સ્નાયુઓ લચી પડેલા હોય છે.
 • ઊંઘતી વખતે આપણા સૌના ગળાની પોઝિશન પણ બદલાય છે. આ દરમિયાન ઓબેસિટી અને સ્નાયુને લીધે શ્વાસ રૂંધાય છે અને વ્યક્તિને ગભરામણ થવા લાગે છે.

સ્લીપ એપનિઆનાં લક્ષણો કયાં છે?

 • જો કોઈ વ્યક્તિનાં નસકોરાંનો અવાજ મોટો આવતો હોય તો એનો અર્થ એ થાય કે શ્વાસનળીમાં અવરોધ છે. નસકોરાંમાં અવાજ આવવો એ સ્લીપ એપનિઆનું એક લક્ષણ છે.
 • અમુક લોકો અડધી રાત્રે પરસેવાથી લથબથ થઈને અચાનક જ જાગી જાય છે. જો તમને પણ આવું થતું હોય તો ઇગ્નોર ના કરો.
 • મોટાભાગે આ ડિસઓર્ડર મોટી ઉંમરની વ્યક્તિમાં વધારે જોવા મળે છે, પણ બાળકોમાં પણ તેનું પ્રમાણ હોય છે.
 • જો બાળકને ઓબેસિટી હોય અને રાત્રે નસકોરાં બોલતાં હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ.
 • રાત્રે ઊંઘ ના આવવી કે દિવસ દરમિયાન માથું ભારે રહે.
 • રાત્રે ઊંઘ્યા હોવા છતાં દિવસે વારંવાર ઊંઘ આવે.

સ્લીપ એપનિઆથી ડરવાની જરૂર છે?

 • આ એક કોમન સ્લીપ ડિસઓર્ડર છે, પણ તેનો અર્થ એ પણ નથી કે લક્ષણ દેખાય તો તેને હળવાશમાં લેવા.
 • ઉપર જણાવેલાં લક્ષણો દેખાય તો પલ્મોનોલોજિસ્ટને મળવું જોઈએ.
 • સૌથી પહેલાં તો ડૉક્ટર વજન ઘટાડવાની સલાહ આપતા હોય છે.
 • એર-વે બ્લોકેજ દૂર કરવા માટે અમુક રિધમમાં શ્વાસ લેવાની ટ્રેનિંગ પણ આપે છે.
 • જો તકલીફ વધારે હોય તો ન્યુરોલોજિસ્ટ કે પછી સાઈકિયાટ્રિસ્ટને મળવું જોઈએ.

ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિઆમાં એક મશીન વાપરવામાં આવે છે. તેનું નામ છે કન્ટિન્યુસ પોઝિટિવ એરવે પ્રેસર (CPAP). આ થેરપીમાં દર્દીને માસ્ક કે પછી ટ્યુબમાંથી ઓક્સિજનવાળી હવા આપવામાં આવે છે. જ્યારે દર્દી સૂતો હોય ત્યારે તેને એક સ્ટેડી એર પ્રેશર મળી રહે છે. આથી શ્વાસ રૂંધાવા જેવી જોઈ તકલીફ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...